વિજ્ઞાનીઓને ચંદ્ર પર મળી અંડરગ્રાઉન્ડ ગુફા, નીલ આર્મસ્ટ્રોંગ અહીં જ લેન્ડ થયા હતા
Image Source: Twitter
Cave Discovered On Moon: વિજ્ઞાનીઓએ ચંદ્ર પર એક ગુફા હોવાની પુષ્ટિ કરી છે. આ ગુફા એ સ્થાનથી દૂર નથી જ્યાં 55 વર્ષ પહેલા નીલ આર્મસ્ટ્રોંગ અને બજ એલ્ડ્રિન લેન્ડ થયા હતા. વિજ્ઞાનીઓએ જણાવ્યું કે, ત્યાં સેંકડો બીજી ગુફાઓ હોઈ શકે છે, જેમાં ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રી આશ્રય લઈ શકે છે. ઈતાલવી વિજ્ઞાનીઓના નેતૃત્વમાં એક ટીમે સોમવારે જણાવ્યું કે, ચંદ્ર પર એક મોટી ગુફા હાવાના પુરાવા મળ્યા છે. તે એપોલો 11 લેન્ડિંગ સ્થળથી માત્ર 250 માઈલ (400 કિલોમીટર) દૂર સી ઓફ ટ્રેન્ક્વિલિટીમાં સ્થિત છે.
લાવા ટ્યુબના ધસી જવાથી બન્યો હતો ખાડો
આ ખાડો ત્યાં શોધવામાં આવેલા 200 થી વધુ અન્ય ખાડાઓની જેમ લાવા ટ્યુબના ધસી જવાથી બન્યો હતો. સંશોધકોએ નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટર દ્વારા રડાર માપનનું વિશ્લેષણ કર્યું અને પૃથ્વી પર લાવા ટ્યૂબો સાથે પરિણામોની તુલના કરી. તેમના તારણો 'નેચર એસ્ટ્રોનોમી' પત્રિકામાં પ્રકાશિત થયા છે. આ માટે રિસર્ચ ટીમે નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) દ્વારા એકત્રિત રડાર ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.
ગુફા 80 મીટર લાંબી છે
તારણો દર્શાવે છે કે મેર ટ્રેન્ક્વિલિટીસ ક્રેટર ચંદ્ર પર સૌથી ઊંડો જાણીતો ખાડો છે જે લગભગ 45 મીટર પહોળી અને 80 મીટર લાંબી ગુફા તરફ જાય છે. આ ગુફા જે ચંદ્રની સપાટીથી લગભગ 150 મીટર નીચે સ્થિત છે, તે ક્ષેત્રફળમાં લગભગ 14 ટેનિસ કોર્ટ સમાન છે. ઈટાલીના ટ્રેન્ટો યુનિવર્સિટીના લોરેન્ઝો બ્રુઝોને ગુફાને 'એક ખાલી લાવા ટ્યુબ' તરીકે વર્ણવી છે. તેમણે આ સૂચન આપતા કહ્યું કે, આવી વિશેષતાઓ ભવિષ્યના ચંદ્ર સંશોધકો માટે કુદરતી આશ્રયસ્થાન તરીકે કામ કરી શકે છે.
અંતરિક્ષ યાત્રીઓને મળશે આશ્રય
આ ભૂગર્ભ માળખાઓ ચંદ્રના કઠોર વાતાવરણથી સુરક્ષા પૂરી પાડી શકે છે, જેમાં બ્રહ્માંડીય કિરણો, સૌર રેડિયેશન અને માઈક્રોમેટોરાઈટ સામેલ છે જે અંદર પ્રમાણમાં સ્થિર તાપમાન બનાવી રાખે છે. ચંદ્ર ગુફાઓ 50 કરતાં વધુ વર્ષોથી એક રહસ્ય છે. રિપોર્ટ પ્રમાણે ટ્રેન્ટો યુનિવર્સીટીના લિયોનાર્ડો કેરેર અને લોરેન્ઝો બ્રુઝોને એક ઈમેલમાં લખ્યું છે કે, અંતે એકના અસ્તિત્વને સાબિત કરવામાં સક્ષમ હોવું રોમાંચક હતું.