મંગળ ગ્રહના પથ્થરોના ઇતિહાસ પરથી મળ્યાં જીવન માટેના સંકેત, જાણો વિગત
Mars May Have Been Habitable: નાસાના રિસર્ચ મુજબ મંગળ ગ્રહ પહેલાં રહેવા લાયક હતો. હજારો વર્ષો પહેલાં ત્યાં વોલ્કેનિક એક્ટિવિટી થઈ હશે, એના કારણે જીવન માટે યોગ્ય વાતાવરણ બન્યું હતું. ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીના માઇકલ ટાઇસ દ્વારા મંગળ ગ્રહના જેઝેરો ક્રેટર પરના એક પથ્થર પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. એના પરથી જાણ થઈ કે મંગળ ગ્રહ પહેલાં રહેવા લાયક હતો.
રહેવા લાયક હતું કે નહીં એ માટેનું રિસર્ચ
માઇકલ ટાઇસ અને તેની ટીમ દ્વારા મંગળ ગ્રહ પર આવેલા પથ્થર પર સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડી પરથી વોલ્કેનિક અને હાઇડ્રોલોજિકલ હિસ્ટ્રી જાણવા મળી છે. આ ટીમને બે પ્રકારના પથ્થર મળી આવ્યા છે. એક ડાર્ક પથ્થર છે, જેમાં આયર્ન, મેગ્નેશિયમ, પાયરોક્સીન અને પ્લાજિયોક્લાસ ફેલ્ડસ્પરનો સમાવેશ થાય છે. લાઇટર ટોનમાં જે પથ્થર છે, તેમાં પ્લાજિયોક્લાસ ક્રિસ્ટલ્સ અને પોટેસિયમનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ પરથી મંગળ ગ્રહ પર વોલ્કેનિક એક્ટિવિટીનો અંદાજ લગાવી શકાય છે.
આ પણ વાંચો: વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો એક નવો કલર જે આજ સુધી કોઈના જોવામાં જ નહોતો આવ્યો…
વોલ્કેનિક એક્ટિવિટીને કારણે જીવન શક્ય બન્યું હોય શકે
થર્મોડાયનામિક મોડલિંગનો ઉપયોગ કરીને રિસર્ચ ટીમ દ્વારા આ મિનરલ્સ કેવી રીતે બન્યા તે વિશે સ્ટડી કરવામાં આવી છે. એમાં ફ્રેક્શનલ ક્રિસ્ટલાઇઝેશન અને ક્રસ્ટલ એસિમિલેશન પ્રોસેસ અંગે ટીમને માહિતી મળી હતી. આ પ્રોસેસ પૃથ્વી પરના જે એક્ટિવ જવાળામુખીના સિસ્ટમમાં જોવા મળે છે તે સાથે મેળ ખાતા હતા. માઇકલ ટાઇસ કહે છે, ‘આ રિઝલ્ટ પરથી જાણવા મળે છે કે મંગળ ગ્રહના આ વિસ્તાર પર ઘણીવાર જવાળામુખીની અસર જોવા મળી હશે. એના કારણે જીવન માટે કેટલીક જરૂરી વસ્તુઓ મળી શકી હોઈ શકે છે.’
મંગળ ગ્રહના પથ્થર જમીન પર લાવવાની કોશિશ
મંગળ ગ્રહ પર જવાળામુખીથી મળેલા રિઝલ્ટ બતાવે છે કે ત્યાં જીવન માટે યોગ્ય વાતાવરણ ઘણાં સમય સુધી રહેલું હોઈ શકે. જવાળામુખીની ગરમી અને કેમિકલના કારણે પથ્થર પર અથવા ત્યાંની જમીનમાં એવી જગ્યાઓ ઊભી થઈ શકે છે જ્યાં માઇક્રોબ્સ જીવી શકે. નાસાના પ્રીઝવેરન્સ રોવર દ્વારા ઘણી મહત્ત્વની માહિતી મળી છે, પરંતુ તેના ટૂલ લિમિટેડ હતા. તેથી હવે મંગળ ગ્રહના પથ્થર જમીન પર લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો તે પૃથ્વી પર લાવવામાં આવે, તો તેનાં દ્વારા ઘણી વધુ ચોક્કસ માહિતી મેળવી શકાય છે અને મહત્ત્વના રિસર્ચ થઈ શકે છે.