ઓનલાઇન ખરીદીમાં સ્કેમ: ફ્લિપકાર્ટ પે લેટરના ગ્રાહકોને કરવામાં આવી રહ્યાં છે ટાર્ગેટ, જાણો કેવી રીતે બચી શકો છો?
Online Scam: હાલમાં એક પછી એક ઘણાં ઓનલાઇન સેલ ચાલી રહ્યાં છે. ઘણી કંપનીઓ આ માટે વિવિધ ઓફર આપે છે. ઓફરની સાથે ઘણી કંપનીઓ ‘પે લેટર’ની પણ સુવિધા પૂરી પાડે છે. આ સુવિધા યુઝરના ફાયદા માટે હોય છે, પરંતુ સ્કેમર્સ એનો ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે. ફ્લિપકાર્ટ દ્વારા પે લેટર સુવિધા પૂરી પાડવામાં આવે છે અને તેઓ યુઝર્સને ટાર્ગેટ કરી તેમની પાસેથી પૈસા પડાવી રહ્યાં છે.
શું છે પે લેટર?
ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓ પે લેટરની સુવિધા પૂરી પાડે છે. આ સુવિધા મુજબ યુઝરને ખરીદી કરવા માટે લાલચ આપવામાં આવે છે. એટલે કે પહેલાં ખરીદી કરી લો અને પૈસા પછીથી ચૂકવી શકો છો. આ માટે યુઝરને તેમની ખરીદી કેવી છે અને ક્યા પ્રકારની કરે છે એ મુજબ પે લેટરની સુવિધા પૂરી પાડવામાં આવે છે. એક રીતે જોવા જઈએ તો કંપનીઓ દ્વારા યુઝરને લોન આપવામાં આવે છે.
કેવી રીતે કરવામાં આવે છે સ્કેમ?
ફ્લિપકાર્ટ દ્વારા દિવાળી સેલ બાદ ફરી સેલને ચાલુ રાખવામાં આવ્યો છે અને એ દિવાળી સુધી ચાલુ રહેશે. આથી સ્કેમર્સ દ્વારા એનો હવે ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. સ્કેમ કરનાર વ્યક્તિ યુઝરના નંબર ગમે તે રીતે મેળવી એના પર ફોન કરે છે. તેઓ પોતે ફ્લિપકાર્ટ એક્ઝિક્યુટિવ હોવાનું કહે છે. તેઓ યુઝર પાસેથી વાત કઢાવે છે અને તેમને કહે છે કે તેમના ફ્લિપકાર્ટ પે લેટર એકાઉન્ટમાં કોઈ વ્યક્તિ પૈસાની આપ-લે કરી રહ્યું છે. આ આપ-લે તેમના દ્વારા તો નથી કરવામાં આવીને એ વેરિફિકેશન માટે કોલ કરવામાં આવે છે. જો યુઝર કહે કે તેમણે કોઈ લેણ-દેણ નથી કરી તો તેમને કહેવામાં આવશે કે તેઓ આ પ્રોસેસને અટકાવી રહ્યાં છે અથવા તો બ્લોક કરી રહ્યાં છે અથવા તો પ્રોસેસ ચેક કરી રહ્યાં છે. એ માટે એક વન-ટાઇમ પાસવર્ડ આપશે એ આપવાનો રહેશે. એ આપતાંની સાથે જ યુઝરના એકાઉન્ટમાંથી પૈસા કપાવવાના શરૂ થઈ જાય છે. આથી સ્કેમર્સ આ રીતે લોકોની સાથે ફ્રોડ કરવામાં સફળ રહે છે. આથી ક્યારેય પણ આ રીતે વન-ટાઇમ પાસવર્ડ ન આપવો.
આ પણ વાંચો: ગૂગલના ઇનોવેશન પાછળ છે પ્રભાકર રાઘવનનો હાથ, જાણો કોણ છે અને શું કામ કરી રહ્યાં છે...
કેવી રીતે પોતાને બચાવશો?
- સૌથી પહેલાં તો એ વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ કંપની વન-ટાઇમ પાસવર્ડ નથી માગતી. આથી જ્યારે પણ કોઈ પાસવર્ડ માગે એ આપવો નહીં.
- સ્કેમ કરનારા દ્વારા હંમેશાં ઇમરજન્સી દેખાડવામાં આવે છે. એટલે કે હમણાં જ આમ કરવું પડશે અથવા તો હમણાં જ તેમ કરવું પડશે. તેમના દ્વારા યુઝરને વિચારવાનો સમય આપવામાં નથી આવતો. આ રીતનું જ્યારે હોય ત્યારે સમજવું કે ફ્રોડ હોવાના ચાન્સ વધુ છે.
- સ્કેમ કરનાર જ્યારે ફોન પર આ રીતની વાત કરી રહ્યો હોય ત્યારે એ જ સમયે ફ્લિપકાર્ટમાં જઈને પે લેટર ઓપ્શનમાં જઈ તમામ ડિટેઇલ ચેક કરી લેવી. જો કોઈ ટ્રાન્સેક્શન થયું હોય તો ત્યાં એ દેખાશે.
- જો કંઈ સમજ ન પડે એવું હોય ત્યારે ફોનને કાપી નાખવો અને સીધું એપ્લિકેશનમાં જઈને ત્યાંથી કસ્ટમર કેરને કોન્ટેક્ટ કરવો અને તેમની પાસેથી તમામ માહિતી મેળવી લેવી.