ફ્રીમાં મોબાઇલ મળ્યો, બૅન્ક એકાઉન્ટમાંથી 2.8 કરોડ રૂપિયા થયા ગાયબ
Scam-Alert: બેંગ્લુરુના 60 વર્ષના એક વ્યક્તિને સ્કેમર્સ દ્વારા છેતરવામાં આવતાં ખાતામાંથી 2.8 કરોડ રૂપિયા ખાલી કરી નાખ્યા છે. આ સિનિયર સિટિઝનને એક મોબાઇલ ફોન ભેટ કરવામાં આવ્યો હતો. ફ્રીમાં મોબાઇલ મળતાં એ વ્યક્તિએ લઈ લીધો હતો અને ઉપયોગ કરતાંની સાથે જ છેતરપિંડીનો શિકાર બન્યો હતો. છેલ્લાં કેટલાક વર્ષોથી સાયબર ક્રાઇમ ખૂબ જ વધી ગયો છે અને સ્કેમર્સ લોકોને છેતરવાના નવા-નવા રસ્તા શોધી લાવ્યા છે.
2.8 કરોડની છેતરપિંડી
આ મોબાઇલ સિનિયર સિટિઝનને ફ્રીમાં આપવામાં આવ્યો હતો. એ મોબાઇલમાં પહેલેથી મેલવેરનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે યુઝરના ડેટા ચોરી કરી શકે છે. આ સ્કેમ એ વ્યક્તિ સાથે વોટ્સએપ પર થયો હતો જ્યાં તેને સીમ કાર્ડ પેકેજની ઉત્તમ ડીલ આપવામાં આવી હતી અને એની સાથે મોબાઇલ ફ્રી હતો.
કેવી રીતે થયો સ્કેમ?
સ્કેમ કરનાર વ્યક્તિએ પોતે સિટી બૅન્કમાં કામ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. બૅન્ક અને સીમ કાર્ડ કંપનીની સ્કીમ હેઠળ વ્યક્તિને નવા સીમ કાર્ડ પર દસ હજાર રૂપિયાનો રેડમી ફોન ભેટ આપવામાં આવ્યો હતો. છેતરપિંડી કરનાર વ્યક્તિએ સ્કીમ બનાવી સિનિયર સિટિઝનને કહ્યું કે બૅન્ક દ્વારા ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યું છે અને એ માટે મોબાઇલ નંબર બદલવો જરૂરી છે. આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે એરટેલ કંપની દ્વારા જે સીમ કાર્ડ આપવામાં આવ્યું છે એનો જ ઉપયોગ કરવો પડશે.
મેલવેર દ્વારા કામ થયું શરુ
આ રીતે નંબર બદલવામાં આવતાંની સાથે જ મેલવેર દ્વારા ડેટા કલેક્ટ કરવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. એ ડેટા દ્વારા સ્કેમર્સે યુઝરના એકાઉન્ટને ખાલી કરી નાખ્યું છે. આ સિનિયર સિટિઝનને 2.8 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ વ્યક્તિને ત્યારે ખબર પડી જ્યારે તેને બૅન્ક દ્વારા ફોન કરીને જણાવવામાં આવ્યું કે તેના ખાતામાંથી ખૂબ જ મોટી રકમને ડેબિટ કરવામાં આવી છે. આ વિશે જાણ થતાં જ એ વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી.
કેવી રીતે બચશો?
સાયબર ક્રાઇમ ઘણી રીતે કરવામાં આવે છે. આથી હંમેશાં સૌથી પહેલાં જાણકાર વ્યક્તિની સલાહ લેવી. તેમ જ બૅન્કમાંથી જ્યારે આ રીતે ફોન આવે ત્યારે માહિતી આપતાં પહેલાં નજીકની બૅન્કમાં જઈને એક વાર તપાસ કરી લેવી. આ સાથે જ હંમેશાં એ વાતનું ધ્યાન રાખવું કે નવા મોબાઇલનો ઉપયોગ કરતાં પહેલાં એને કંપની રીસેટ કરવો. બીજી બાજુ બૅન્ક ક્યારેય પણ આ રીતે સીમ કાર્ડ નંબર બદલવા માટે નથી કહેતી. આથી બૅન્ક એકાઉન્ટને સિક્યોર રાખવા માટે યુઝરે પણ પોતે ચેતીને રહેવું જરૂરી છે.