રિવોર્ડ પોઇન્ટ રિડમ્પશનના નામે છેતરપિંડીથી બચવા SBIની સલાહ, જાણો કેવી રીતે બચી શકાય
SBI Scam: હાલમાં SBIના કસ્ટમર સાથે રિવોર્ડ પોઇન્ટ્સ રિડમ્પશનના નામે ઘણી છેતરપિંડી કરવામાં આવી રહી છે. SBI દ્વારા X પર પોસ્ટ કરીને લોકોને એ વિશે જાગૃત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે.
કેવી રીતે થાય છે છેતરપિંડી?
રિવોર્ડ પોઇન્ટ સ્કેમમાં યુઝરને અન્ય વેબસાઇટ અથવા તો એન્ડ્રોઇડ ઍપ્લિકેશન ફાઇલ ડાઉનલોડ કરવા કહેવામાં આવે છે. લિંક પર ક્લિક કરતાં જ, યુઝર ઓટોમેટિક રીતે એ વેબસાઇટ પર પહોંચી જાય છે. આ વેબસાઇટ SBIની અધિકૃત વેબસાઇટ જેવી જ દેખાય છે. યુઝર જયારે તેનો યુઝર આઇડી અને પાસવર્ડ દાખલ કરે છે, ત્યારે એ ડેટા છેતરપિંડી કરનારને મળી જાય છે. આ પ્લેટફૉર્મ દ્વારા કોઈ પેમેન્ટ કરવામાં આવે તો એ માહિતી પણ છેતરપિંડી કરનારને મળી જાય છે.
કઈ રીતે બચશો?
SBI દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ ક્યારેય પણ APK ફાઇલ અથવા તો લિંક મેસેજ અથવા તો વોટ્સએપ દ્વારા મોકલતા નથી. રિવોર્ડ પોઇન્ટ્સને રિડિમ કરવા માટે યુઝરે ઍપ્લિકેશન અથવા તો બેન્કની અધિકૃત વેબસાઇટ પર જવું જોઈએ. કોઈ પણ પ્રકારની ફાઇલ અથવા તો લિંક પર ક્લિક ન કરવા માટે SBI દ્વારા સલાહ આપવામાં આવી છે. જો ક્લિક કર્યું તો યુઝરના ડેટા છેતરપિંડી કરનારને મળી શકે છે. આથી, આકાશ-પાતાળ એક થઈ જાય તો પણ આ લિંક પર ક્લિક ન કરવી.
સુરક્ષાની સલાહ
• બૅન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે સદાય અધિકૃત વેબસાઇટનો જ ઉપયોગ કરો અને એ વેબસાઇટનું એડ્રેસ સંપૂર્ણ ટાઇપ કરો, કોઈ સજેશન લિંકનો ઉપયોગ ન કરો.
• વેબસાઇટની સાથે મોબાઇલ ઍપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકાય છે.
• જો કોઈ છેતરપિંડીનો મેસેજ આવે તો તરત નજીકની બ્રાન્ચ અથવા તો કસ્ટમર કેરમાં જાણ કરો.
આ પણ વાંચો: ઇન્ડિયન રેલવે ડિસેમ્બરમાં લોન્ચ કરશે સુપર એપ: જાણો ફાયદા અને સુવિધાઓ
સરકારની ચેતવણી
SBI સાથે સરકાર દ્વારા એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા પણ આ મુદ્દે લોકોને ચેતવણી આપવામાં આવી છે. SBIના યુઝર્સને ટાર્ગેટ કરી તેમના રિવોર્ડ પોઇન્ટ્સને છેતરવામાં આવે છે. આથી, એનાથી બચવા માટે જરૂરી પગલાં લેવા અને સચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.