ખેતીમાં થઈ રહ્યો છે AIનો ઉપયોગ: સત્યા નદેલાએ શેર કરી સ્ટોરી, ઇલોન મસ્ક અને અશ્વિની વૈષ્ણવની ખુશીનો પાર ન રહ્યો
AI in Agriculture: માઇક્રોસોફ્ટના CEO સત્યા નદેલાએ હાલમાં જ એક ખેડૂતની સ્ટોરી શેર કરી છે, જેણે ખેતી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો (AI) ઉપયોગ કર્યો છે. આ વિશે યુનિયન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ અને ઇલોન મસ્ક બન્નેએ એની તારીફ કરી છે.
શું છે સ્ટોરી?
સત્યા નદેલાએ સોશિયલ મીડિયા X પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે મહારાષ્ટ્રના બારામતીની એક મહિલા ખેડૂત જે શેરડીની ખેતી કરે છે, તેણે એ માટે AI નો ઉપયોગ કર્યો હતો. તેના પર ખૂબ જ દેવું હતું, ખેતીના પાક પર રોગ લાગી જતો હતો અને ત્યાં પાણીની પણ તંગી હતી. આ દરેક મુશ્કેલી છતાં તેણે હાર નહોતી માની અને ખેતી માટે નવો રસ્તો અપનાવ્યો હતો. આ રસ્તો છે AI. આ માટે ડ્રોન શોટ્સ, જમીનની ટેસ્ટિંગનું રીઝલ્ટ અને શેનો પાક લેવામાં આવી રહ્યો છે વગેરે માહિતી AI ને આપવામાં આવી હતી. આ દ્વારા AI ની મદદથી કેટલું પાણી નાખવું અને કેટલા કેમિકલનો ઉપયોગ કરવો વગેરે જેવી માહિતી આપવામાં આવી હતી. એનું અનુકરણ કર્યા બાદ આ મહિલા ખેડૂતને ખૂબ જ સારો પાક મળ્યો હતો.
AI ની અસર
ભારતમાં નાના-નાના ગામડાઓના ખેડૂતો વધુ ભણેલા નથી હોતા. જમીન પ્રમાણે કયું ખાતર વાપરવું અને શું કરવું તેની પણ તેમને સમજ નથી હોતી. આથી હવે AI ની મદદથી તેમને દરેક પ્રકારની માહિતી મળી રહી છે. ખેડૂતોને માહિતી આપવા માટે હવે તેમની પાસે મોબાઇલ છે અને એ મોબાઈલની મદદથી હવે ખેડૂતને તમામ માહિતી મળી રહે છે અને એ પણ એવી માહિતી જે વિશે તેમને સવાલો હોય. ખેડૂત આજે AI ની મદદથી કોઈ પણ સવાલ પૂછી શકે છે. આ વીડિયો શેર કરીને સત્યા નદેલાએ કહ્યું હતું કે ‘એગ્રીકલ્ચરમાં AI કેટલું અસરકારક છે એવું આ ઉત્તમ ઉદાહરણ છે.’
ઇલોન મસ્ક અને અશ્વિની વૈષ્ણવે કર્યા વખાણ
સત્યા નદેલાની પોસ્ટને જોઈને ટેસ્લા કંપનીના CEO ઇલોન મસ્કે પણ એના વખાણ કર્યા છે. ઇલોન મસ્કે આ વિશે ખુશી વ્યક્ત કરતાં પોસ્ટ કર્યું હતું કે ‘AI દરેક વસ્તુમાં ઇમ્પ્રૂવમેન્ટ લાવી દેશે.’
આ પણ વાંચો: 2.5 કરોડ રૂપિયામાં આવી ગઈ ફ્લાઇંગ કાર, ટ્રાફિકની મારા-મારીથી હવે બચી શકાશે…
ઇલોન મસ્કની સાથે યુનિયન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે પણ આ વિશે ખુશી વ્યક્ત કરી હતી. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારતીય સરકાર તેના કમિટમેન્ટને લઈને કટીબદ્ધ છે. તેઓ ખેતીમાં પણ AI મોડલનો ઉપયોગ કરી ખેતીમાં વિકાસ થાય એ માટે પગલાં લેશે. ભારત પણ હાલમાં પોતાના AI મોડલ પર કામ કરી રહ્યું છે. આ AI મોડલનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં કરવામાં આવશે.