વિએતનામની જગ્યાએ ભારતમાં સ્માર્ટફોનના પ્રોડક્શનનું આયોજન કરી રહ્યું છે સેમસંગ
Samsung May Shift Smartphone Production to India: સેમસંગ હવે વિએતનામમાંથી સ્માર્ટફોનનું પ્રોડક્શન શિફ્ટ કરીને ભારતમાં લાવવા માટે આયોજન કરી રહ્યું છે. આ માટે તે ભારત અને ચીનની મેન્યુફેક્ચરિંગ કંપની હ્યુક્વીન સાથે ચર્ચા કરી રહ્યું છે. ચીનની આ કંપની દુનિયાભરમાં સેમસંગના સ્માર્ટફોન બનાવે છે. દુનિયાભરમાં ટૈરિફને લઈને જે વિવાદ અને ચિંતા છે એને કારણે સેમસંગ પર પણ એન અસર થઈ છે. આથી કંપની હવે પોતાના ભવિષ્યનો વિચાર કરીને પ્રોડક્શન શિફ્ટ કરવાનું વિચારી રહી છે.
અમેરિકાનું ટૅરિફ વોર છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિએતનામ પર ઘણાં ટૅરિફ લગાવવામાં આવ્યા છે. આથી સેમસંગ હવે તેના કેટલાક સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચર વિએતનામથી ભારતમાં શિફ્ટ કરવાનું આયોજન કરી રહ્યું છે. અમેરિકા દ્વારા વિએતનામના પ્રોડક્ટ પર વધારેલા એક્સપોર્ટ ચાર્જને કારણે સેમસંગ દુર રહેવું ઈચ્છે છે. એપલની જેમ સેમસંગ અવઢવમાં રહેવું નથી માંગતું અને તેથી જ તે પહેલેથી જ સાવચેતીરૂપે પગલાં લઈ રહ્યું છે. સેમસંગ હવે માઇક્રોમેક્સ અને ડિક્સન કંપની સાથે પણ ચર્ચા કરી રહ્યું છે જેથી તેમને પ્રોડક્શનનું કાર્ય સોંપી શકાય.
અન્ય કંપનીઓ પણ શોધી રહી છે વિકલ્પ
વિએતનામની એવી અનેક કંપનીઓ છે જે હવે તેમના પ્રોડક્શન માટે વિકલ્પો શોધી રહી છે. એમાં સેમસંગ એકમાત્ર નથી. આ કંપનીઓ પર પણ ટૅરિફનું દબાણ આવી રહ્યું છે અને એથી તેઓ પણ તેમના પ્રોડક્ટને વધુ ફાયદાકારક રહે તેવા વિકલ્પો શોધી રહી છે. સેમસંગનું પ્રાઇમરી પ્રોડક્શન વિએતનામમાં થાય છે. જોકે, ટ્રેડ વોરને કારણે સેમસંગ પર અસર પડી છે અને તે હવે ભારતને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ગણી રહ્યું છે.
60% પ્રોડક્શન વિએતનામમાં
સેમસંગ દર વર્ષે 220 મિલિયન સ્માર્ટફોન બનાવે છે, જેમાંથી 60% વિએતનામમાં બનાવવામાં આવે છે. આ પ્રોડક્ટ અમેરიკაში મોબાઇલની માંગ પૂરી કરવામાં મદદરૂપ બને છે. પરંતુ વિએતનામના પ્રોડક્ટ પર વધારેલા ટૅરિફને કારણે જો પ્રોડક્શન શિફ્ટ ન થાય તો મોબાઇલની કિંમતમાં વધારો થઈ શકે છે. જો કિંમતો વધે તો ગ્રાહકોની સંખ્યા ઘટી શકે છે.
ઉત્તર પ્રદેશ અને ચેન્નઈ પહેલી પસંદ
સેમસંગના ઉત્તર પ્રદેશ અને ચેન્નઈમાં પ્લાન્ટ્સ છે. તેથી કંપની આ પ્લાન્ટ્સનો ઉપયોગ કરીને પ્રોડક્શન વધારવાનું વિચારી રહી છે. સેમસંગની હોમ એપ્લાયન્સ પ્રોડક્ટ્સ માટે સીધી જ એક્સપોર્ટિંગ કરવાની યોજનાની ચર્ચા છે. સેમસંગ માઇક્રોમેક્સ અને ડિક્સન સાથે મળીને તેની પ્રોડક્શન ક્ષમતા વધારવાની કોશિશ કરી રહ્યું છે. 2024માં તેની પાર્ટનર કંપનીઓ સાથે મળીને 60 મિલિયન સ્માર્ટફોનનું પ્રોડક્શન થયું હતું. શાંઘાઈની હ્યુક્વીન કંપનીઓ ભારતમાં માઇક્રોમેક્સ સાથે ડીલ કરી છે. આ કંપની વિવો હેઠળ કાર્યરત છે.
ભારતની સ્કીમનો લાભ
ભારત દ્વારા પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ આપવામાં આવી રહ્યો છે. સેમસંગ છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોગ્રામનો ભાગ બની રહ્યું છે, જેનાથી કંપનીને એક હજાર કરોડ રૂપિયાનું ઇન્સેન્ટિવ મળી શકે છે. આ સ્કીમ હેઠળ પાંચમા વર્ષમાં 25000 કરોડ રૂપિયાનું બિઝનેસ કરતાં એક હજાર કરોડ રૂપિયાનું ઇન્સેન્ટિવ મળી શકે છે.
ભારત કરતાં વિએતનામ પર વધુ ટૅરિફ
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિએતનામ પર 46% અને ભારત પર 26% ટૅરિફ નાંખવામાં આવ્યું છે. આથી જે કંપની ભારતમાં પ્રોડક્શન કરશે તેને 20% ટકાનો ફાયદો થશે. આ માટે એપલ પણ હવે ભારતમાં મોટાભાગનું પ્રોડક્શન શિફ્ટ કરી રહ્યું છે.