સેમસંગ ઇન્ડિયામાં મંદી વચ્ચે છટણીની જાહેરાત, ઉચ્ચ અધિકારીઓની પણ હકાલપટ્ટી કરાશે
Samsung India: સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે ભારતમાં 200 કરતાં વધુ અધિકારીઓને કામમાંથી દૂર કરવાની યોજના બનાવી છે, જેમાં વિવિધ વિભાગો પર અસર થશે. બિઝનેસમાં ઘટાડો અને માંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. વપરાશકર્તાની ઓછી માંગના કારણે વેચાણમાં અસર પડી રહી છે, અને આજ કારણ છે કે લોકોને છૂટા કરવામાં આવી રહ્યાં છે.
સેમસંગ ઇન્ડિયામાં કયા વિભાગ પર પ્રભાવ પડશે?
છટણીના કારણે મોબાઇલ ફોન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને સપોર્ટ ફંક્શન પર અસર થશે. તેમના કુલ કર્માચારીઓના લગભગ 9-10%ની આસપાસ લોકોને અસર થશે. કર્મચારીઓને તેમની નોકરીના કરાર મુજબ ત્રણ મહિનાના પગાર સાથે છૂટા કરવામાં આવી રહ્યા છે. તેમ જ તેમણે જેટલાં વર્ષ કંપનીમાં કામ કર્યું છે એમ મુજબ એક વર્ષ લેખે એક મહિનાની સેલરી આપીને છૂટા કરવામાં આવી રહ્યાં છે. એક પ્રતિસ્પર્ધી કંપનીના મુખ્ય અધિકારીએ જણાવ્યું કે, તેમને સેમસંગ ઇન્ડિયાના અધિકારીઓ તરફથી નવી નોકરી માટે રેઝ્યુમ મળી રહ્યાં છે, જેમાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ છૂટા થયા છે. તેઓ ઓછી સેલરીએ પણ અમારી સાથે કામ કરવા તૈયાર છે.
આ પણ વાંચો: મોબાઇલના ચાર્જિંગ એડેપ્ટર કાળા અથવા તો સફેદ રંગના કેમ હોય છે? કારણ જાણવા જેવું છે...
સેમસંગ ઇન્ડિયામાં હડતાલ
સેમસંગની ચેન્નાઈ ફેક્ટરીમાં મજુરો અનિશ્ચિત મુદત માટે હડતાલ પર છે, જેનો ત્રીજો દિવસ ચાલી રહ્યો છે. આ હડતાલ ચાલી રહી છે ત્યારે જ કર્મચારીઓને છૂટા પાડવાની વાતો બહાર આવી રહી છે. તહેવારની સીઝન આવી રહી છે અને એ પહેલા જ ટીવી, રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીનના ઉત્પાદન પર અસર પડી છે. કંપની ઉત્પાદન ક્ષમતા 50-80%ની આસપાસ રાખીને કામગીરી ચાલુ રાખવા પ્રયાસ કરી રહી છે.
સેમસંગ ઇન્ડિયાના કંપનીને રીસ્ટ્રક્ચર કરી રહી છે?
રિપોર્ટ અનુસાર સેમસંગ કંપનીને રીસ્ટ્રક્ચર કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં ટીવી અને અન્ય પ્રોડક્ટના ઉત્પાદનના વ્યાપાર વિભાગોને મર્જ કરવાની પણ ચર્ચા છે. આથી લોકોને છૂટા જ કરવાની ટકાવારી વધે એવી શક્યતા છે. આ સાથે જ કંપનીનો ઉદ્દેશ મેનેજમેન્ટ લેવલના માણસોને કાઢવાની વાત છે. તેમ જ મેનપાવરને પણ ઓછો કરવાની વાત ચાલી રહી છે. આ વિશેનો અંતિમ નિર્ણય દિવાળી પછી લેવામાં આવશે.