સેમસંગ ગેલેક્સી S25 સીરિઝની માહિતી લીક, જાણો ભારતમાં કેટલી હોઈ શકે છે કિંમત
Samsung S25 Price Leaked: સેમસંગ ગેલેક્સી S25 સીરિઝની પ્રાઇઝ લીક થઈ છે. આ ફોન સીરિઝને 22 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સેમસંગ આ સીરિઝમાં ઘણાં મોડલ લોન્ચ કરશે. એની કિંમત હાલ લીક થઈ છે અને એ અનુસાર ભારતમાં કિંમત કેટલી હશે એનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
કયા-કયા મોડલ થશે રિલીઝ?
સેમસંગે લાસ વેગાસમાં યોજાયેલી CES 2025માં S25નું ટીઝર લોન્ચ કર્યું હતું. આ સીરિઝમાં ચાર મોડલ રિલીઝ થઈ શકે છે, જેમાં S25, S25 પ્લસ અને S25 અલ્ટ્રાનો સમાવેશ કરવામાં આવશે. S25 અલ્ટ્રા આ સીરિઝનો સૌથી શ્રેષ્ઠ મોબાઇલ હશે. એપલ હવે આઇફોન એર લોન્ચ કરી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી હોવાથી સેમસંગ પણ હવે S25 સ્લિમ લઈને આવી રહ્યું હોવાની વાત જોરશોરમાં ચાલી રહી છે.
પ્રાઇઝ થઈ લીક
સેમસંગ ગેલેક્સી S25ની પ્રાઇઝ લીક થઈ છે. યુરોપિયન માર્કેટમાં S25 અલ્ટ્રાની કિંમત 1557 પાઉન્ડ હશે એવું કહેવામાં આવી રહ્યું છે. આ કિંમતને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 1,38,000ની આસપાસ થાય છે. એક ટેરાબાઇટ મોડલની કિંમત 1948 પાઉન્ડ એટલે કે 1,72,000 છે. ભૂતકાળમાં સેમસંગ દ્વારા તેના ફ્લેગશિપ મોડલ અલ્ટ્રાની શરૂઆતની કિંમત 1,30,000 રાખવામાં આવી હતી. આથી આ વખતે થોડી વધુ હોવી સ્વાભાવિક છે, કારણ કે આ વખતે સ્માર્ટફોન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ભરપૂર હશે. તેમ જ તેમાં થોડા નવા ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાની આશા રાખવામાં આવી રહી છે.
અન્ય મોડલની કિંમત
S25 બેઝિક મોડલની કિંમત 971 પાઉન્ડ એટલે કે અંદાજે 85,000 રૂપિયાથી શરૂ થાય છે. S25 પ્લસની કિંમત 1246 પાઉન્ડ એટલે કે 1,10,000 રૂપિયાથી શરૂ થાય છે. જોકે ભારતીય માર્કેટમાં આ મોબાઇલની કિંમત યુરોપિયન માર્કેટ કરતાં ઓછી હોવાની સંભાવના છે. અલ્ટ્રાની પ્રાઇઝ વધુ હશે, પરંતુ S25 અને S25 પ્લસની કિંમત ઓછી હોવાના વધારે ચાન્સ છે. સેમસંગ દ્વારા S24 પ્લસની કિંમત 99,999 અને S24ની કિંમત 79,999 રાખવામાં આવી હતી. આથી આ વર્ષે પણ આ કિંમત ઓછી હોવાની આશા છે. સેમસંગ દ્વારા S25 સ્લિમ પહેલીવાર લોન્ચ કરવામાં આવી રહી છે, તેથી આ ફોનની કિંમત વિશે અંદાજ લગાવવો મુશ્કેલ છે.