અમેરિકાની નવી સિક્યોરિટી સ્ટ્રેટજી: ટ્રમ્પની સુરક્ષા કરશે રોબોટિક ડોગ
Robotic Dog in Trump Security: અમેરિકાના પ્રેસિડન્ટનું ઇલેક્શન જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવી હતી. તેમ જ ઇલેક્શન જીતી ગયા બાદ ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે કે તેઓ અમારા પ્રેસિડન્ટ નથી. આથી, તેમની સિક્યોરિટી પર મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
રોબોટિક ડોગ
ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડાના પાલ્મ બીચ પર આવેલા માર-એ-લાગો એસ્ટેટમાં રહે છે. આ તેમનું ઘર છે. તેમની સિક્યોરિટીમાં હવે રોબોટિક ડોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ ઘરમાં ડોગને રાખવામાં આવે છે કારણ કે તે હંમેશાં સચેત રહે છે. જોકે હવે અમેરિકાની સિક્રેટ સર્વિસ દ્વારા હંમેશાં સચેત રહે એવા રોબોટિક ડોગને નોકરી પર રાખવામાં આવ્યો છે. આ ડોગ થાકતો નથી અને સૂતો પણ નથી. એને ફક્ત ચાર્જિંગની જ જરૂર છે.
ટેક્નોલોજી ફીચર્સ
બોસ્ટન ડાયનામિક્સ દ્વારા આ રોબોટિક ડોગ બનાવવામાં આવ્યો છે. આ એક રિમોટ કન્ટ્રોલ સર્વેલન્સ રોબોટ છે, જેમાં ઘણાં સેન્સર્સ અને ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિક્રેટ સર્વિસ દ્વારા તેના શું ફીચર્સ છે એ જણાવવામાં નથી આવ્યું કારણ કે એના કારણે સિક્યોરિટી બ્રીચ થઈ શકે છે. જોકે તેમાં સેન્સરનો સમાવેશ હોવાથી તે ઘણી રીતે અને ઘણી વસ્તુમાં આગોતરી જાણ કરી શકે છે.
લોકોની સુરક્ષા માટે ફેવરિટ રોબોટિક ડોગ
લોકોની સુરક્ષા માટે હવે અમેરિકાની ઘણી એજન્સીઓ રોબોટિક ડોગનો ઉપયોગ કરી રહી છે. ઓફિસર્સની સુરક્ષા અને પ્રોટેક્શન માટે આ રોબોટિક ડોગ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. કોઈ પણ જોખમી જગ્યાએ આ રોબોટિક ડોગને મોકલીને પરિસ્થિતિની જાણકારી મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે, આગ લાગી હોય ત્યારે તેમાં આ રોબોટિક ડોગને મોકલવામાં આવે છે જેથી એમાં કોઈ વ્યક્તિ ફસાયો છે કે નહીં, એ જાણકારી મેળવવામાં આવે. ન્યુ યોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગયા વર્ષે એક રોબોટિક ડોગના યુનિટની શરૂઆત કરવામાં આવી હતી. આ યુનિટને ડિગીડોગ્સ તરીકે ઓળખવામાં આવે છે. સર્વેલન્સ માટે આ રોબોટિક ડોગ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે.
મિલિટરીમાં પણ સમાવેશ
મિલિટરીમાં પણ હવે રોબોટિક ડોગ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આ રોબોટિક ડોગને બુલેટ નથી વાગતી અને બ્લાસ્ટમાં એ ખરાબ થાય તો પણ પૈસાનું નુકસાન થાય છે, એનો જીવ નથી જતો. આથી, મિલિટરી દ્વારા ખૂબ જ જોખમી જગ્યાએ આ ડોગનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્ષની શરૂઆતમાં જ યુક્રેન દ્વારા 30 રોબોટિક ડોગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રશિયા અને યુક્રેનની લડાઈમાં સૈનિકો ફસાયા હતા. આથી યુક્રેનના સૈનિકોને સામાન પહોંચાડવા માટે રોબોટિક ડોગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એક ડોગની કિંમત 9000 અમેરિકન ડોલર એટલે કે 7.60 લાખ રૂપિયાની આસપાસ છે.