હરવા ફરવા માટે ઉપયોગી બની રહેલા હાથ વગા રોબોટ ડૉગ્સ

એક રોબોટ ડૉગ્સની કિંમત ૧ લાખ અને ૭૨ હજાર રુપિયા છે.

એક વાર ચાર્જ કરતો ડોગ ૪૫ મીનિટ સુધી એકટિવ રહે છે

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
હરવા ફરવા માટે ઉપયોગી બની રહેલા હાથ વગા રોબોટ ડૉગ્સ 1 - image


બેઇજિંગ,25 નવેમ્બર,2023,શનિવાર 

ટેકનોલોજી જેમ આગળ વધી રહી છે તેમ જીવનમાં કૃત્રિમતા આવી રહી છે. ઓટોમેશન અને ઇન્ટેલેજિન્સ ટેકનોલોજીના જમાનામાં જીવન જીવવું સરળ બન્યું છે પરંતુ તેનો અતિરેક પણ થઇ રહયો હોવાનું રોબોટ ડોગ્સ પરથી જણાય છે. આજકાલ ચીનમાં લોકપ્રિય થઇ રહેલા રોબોટ ડોગ્સની ચર્ચા ચાલે છે. રોબોટ કૂતરાઓ લઇને ચાલતા લોકોના ફોટા અને વિડિયોઝ સહજ બની ગયા છે.

એક વેબસાઇટમાં જણાવ્યા અનુસાર મોટા ભાગના રોબોટ શ્વાન શાંઘાઇ અને બેઇજિંગ જેવા શહેરોની શેરીઓમાં જોવા મળે છે. અનેક ઇનબિલ્ટ સુવિધા ધરાવતા રોબોટ ડોગનું ઉત્પાદન ચીનની એક કંપની સ્થાનિક સ્તરે કરે છે.રોબોટ કુતરાઓ માલિકના આદેશને અનુસરે છે. પુંછડી હલાવે છે, ભસવાનો અવાજ કાઢે છે. અસલ ડોગની જેમ જ પગ માંડે છે. ધીમેથી ચાલે છે અને જરુર પડે ઝડપથી દોડે પણ છે. અવરોધોને ઓળંગવા અને ઓળખવા માટે માથામાં કેમેરો ઇન્સ્ટોલ કરેલો હોય છે. રોલિંગ કરવા ઉપરાંત પાંચ કિલો સુધીનું વજન પણ વહન કરી શકે છે.

હરવા ફરવા માટે ઉપયોગી બની રહેલા હાથ વગા રોબોટ ડૉગ્સ 2 - image

આ રોબોટ ડોગ્સ લઇને ફરનારા મોટા ભાગના લોકો યુવા પેઢીના છે.એક રોબોટ ડોગની કિંમત ૧ લાખ અને ૭૨ હજાર રુપિયા છે. ઉંચા મોડેલ ૧૦ લાખ રુપિયા સુધીની પ્રાઇઝમાં પણ મળે છે. ફીચર્સ અને બેટરીની આવરદાના હિસાબે કિંમત માંડવામાં આવે છે. સામાન્ય રીતે એક વાર ચાર્જ કર્યા પછી રોબોટ ડોગ ૪૫ મીનિટ સુધી એકટિવ રહે છે. પાલતું ડોગ્સ લઇને ચાલતા લોકો માટે આંચકો લાગે તેવો ટ્રેન્ડ છે. પાલતું ડોગ વફાદાર હોય છે તેની સાથે ઇમોશનલ એટેચમેન્ટ હોય છે, માણસને બિન શરતી પ્રેમ કરે છે. જયારે આમાં કશું જોવા મળતું નથી.

હરવા ફરવા માટે ઉપયોગી બની રહેલા હાથ વગા રોબોટ ડૉગ્સ 3 - image

કોઇ પણ રોબોટ એ આત્મા વગરનું મશીન જ છે. આથી રોબોટ ડોગની વાસ્તવિક ડોગ સાથે આની કોઇ જ સરખામણી થઇ શકતી નથી.આ ટ્રેન્ડ કેવી રીતે શરુ થયો તે જાણવું પણ રસપ્રદ છે. કોરોના મહામારી દરમિયાન ડોગપાલકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જરુરીયાત ઉભી થઇ હતી. ડોગને પણ સંક્રમણ થાય તેવા કિસ્સાઓ બનતા હતા. આથી વાસ્તવિકના સ્થાને રોબોટ ડોગ તૈયાર કરવામાં આવ્યા હતા.

કેટલાક લોકોએ આ નવા આઇડિયાનો સ્વીકાર કર્યો હતો. મહામારી ઘટી ગઇ છે પરંતુ રોબોટ ડોગનું ઉત્પાદન અને વેચાણ વધતું જાય છે.કેટલાક આ ટ્રેન્ડને સારો ગણતા નથી પરંતુ રોબોટ શ્વાન રાખનારા તેની ફેવર કરે છે. તેઓ માને છે કે રોબોટ ભલે સંપૂર્ણ નથી પરંતુ તેની જાળવણી સરળ છે. તેને રોજ સાફ કરવાની જરુર પડતી નથી કે ખોરાક પણ આપવો પડતો નથી. જીવંત શ્વાનની જેમ ઉછેર કે માવજતની પણ જરુર નથી. જયારે સફરમાં હોઇએ ત્યારે પણ ચિંતા કરવાની જરુર પડતી નથી. કેટલાકને જીવંત ડોગ લઇને ચાલવાની ટેવ હતી. આમ કરવાથી તેઓ ચાલતા હોય ત્યારે એકલતા લાગતી નથી. હવે રોબોટ ડોગના હાવભાવ સાથે પણ ફાવી ગયું છે.



Google NewsGoogle News