રિસાયક્લિંગમાં નવી ટૅક્નોલૉજીની શોધ: પ્લાસ્ટિકના કચરામાંથી બનાવવામાં આવ્યો સાબુ
Recycle Plastic into Soap: પ્લાસ્ટિકનો ફરી ઉપયોગ કરીને ઘણી વસ્તુ બનાવવામાં આવે છે. ઘણાં લોકોએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કોશિશ કરી છે. જોકે અમેરિકાના વર્જિનિયાના એક રિસર્ચર દ્વારા પ્લાસ્ટિકમાંથી સાબુ બનાવવામાં આવ્યો છે. દુનિયાભરમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે આ શોધથી ઘણું પરિવર્તન લાવી શકાય છે. વર્જિનિયા પોલિટેક્નિક ઇન્સ્ટીટ્યૂટ ઍન્ડ સ્ટેટ યુનિવર્સિટીના ગ્રેગ લિયુ દ્વારા એક પદ્ધતિ શોધવામાં આવી છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકને સાબુમાં રૂપાંતર કરી શકાય છે. આ ઇનોવેશનની મદદથી પ્લાસ્ટિકના પ્રદૂષણની સમસ્યા તો દૂર થઈ શકે છે, પરંતુ સાથે જ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ બનાવી શકાય છે.
ઇનોવેશનની શોધ
સાબુ બનાવવા માટે ફેટી એસિડ્સનો ઉપયોગ થાય છે. એમાં જે મોલેક્યુલ્સ આવે છે એ મોલેક્યુલ્સ અને પોલિથિનના મોલેક્યુલ્સમાં ખૂબ જ સામ્યતા છે. પોલિથિન એક સામાન્ય પ્લાસ્ટિક છે. રિસર્ચર દ્વારા પોલિથિનને કન્ટ્રોલ્ડ ટેમ્પરેચર પર ગરમ કરવામાં આવ્યું હતું અને તેના કારણે લાંબી કાર્બન ચેઇન તૂટીને ટૂંકા મોલેક્યુલ્સ બન્યા હતા જે મિણબત્તી જેવા લાગે છે. ત્યાર બાદ આ મોલેક્યુલ્સ પર પ્રોસેસ કરીને એનું સાબુમાં રૂપાંતર કરવામાં આવે છે. આ પ્રોસેસને સેપોનિકેશન કહેવામાં આવે છે.
પર્યાવરણને ફાયદો
આ પદ્ધતિ દ્વારા ઘણાં ફાયદા થઈ શકે છે. આ પદ્ધતિ દ્વારા પોલિથિન અને પોલિપ્રોપોલિન બન્નેને પ્રોસેસમાં લઈ શકાય છે. આથી રિસાયકલિંગના વિકલ્પો વધી જાય છે અને સરળતા પણ રહે છે. આ પ્રોસેસ ખૂબ જ સરળ અને ખર્ચ ઘટાડનારી પણ છે. આ સાથે જ આ પ્રોસેસ દ્વારા જે સાબુ બનાવવામાં આવે છે તેનું વજન પ્લાસ્ટિક કરતાં વધારે હોય છે. આથી આ પદ્ધતિ આર્થિક દૃષ્ટિએ પણ ખૂબ જ સારી છે.
આ પણ વાંચો: અમેરિકામાં ફરી શરુ થઈ ગયું ટિક-ટોક, ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઑર્ડર પાસ કર્યો
શું છે આ પદ્ધતિનું ભવિષ્ય?
રિસર્ચર્સને આશા છે કે આ પદ્ધતિનો ઉપયોગ દુનિયાભરમાં કરવામાં આવે. આ પદ્ધતિ દ્વારા પ્લાસ્ટિકના વેસ્ટને ઓછું કરી શકાય છે અને સારી ગુણવત્તાની પ્રોડક્ટ્સ પણ બનાવી શકાય છે. ઓછી ગુણવત્તાના પ્લાસ્ટિકમાંથી સારી ગુણવત્તાનો સાબુ બનાવવો એ ટૅક્નોલૉજી ભવિષ્યમાં રિસાયક્લિંગ કેવી રીતે કરવામાં આવશે એની તરફનું એક પ્રયાણ છે. એક સરળ પદ્ધતિ દ્વારા દુનિયાના તમામ દેશનો જે સમસ્યા છે એને ખૂબ જ સરળતાથી ઉકેલ લાવી શકાય છે. સાયન્સ અને ટૅક્નોલૉજીનું આ ઉત્તમ ઉદાહરણ છે કે નવી-નવી શોધ કરીને કોઈ પણ સમસ્યાનું સમાધાન લાવી શકાય છે.