Get The App

જૂના લેપટોપને નવેસરથી કામે લગાડી જુઓ - બે રીતે

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
જૂના લેપટોપને નવેસરથી કામે લગાડી જુઓ - બે રીતે 1 - image


ઘરમાં જૂનું લેપટોપ નકામું પડયું હોય તો તેનો સેકન્ડ મોનિટર તરીકે ઉપયોગ સહેલો છે

તમારા ઘરમાં કોઈ જૂનું લેપટોપ પડ્યું છે? મોટા ભાગે આપણે નવું લેપટોપ ખરીદીએ એ પછી જૂના લેપટોપનો લગભગ કોઈ ઉપયોગ રહેતો નથી. ઇ-વેસ્ટની પર્યાવરણ પર અસરો વિશે આપણે સજાગ હોઇએ કે લેપટોપમાં જૂનો કંઈક ડેટા પડ્યો હશે એવી ચિંતા હોય એ કારણે આપણે જૂના લેપટોપનો નિકાલ કરતાં ખચકાઇએ. એવી સ્થિતિમાં એ જૂનું લેપટોપ કબાટના કોઈ ખાનામાં જગ્યા રોકતું પડી રહે. 

તમે ઇચ્છો તો એ જૂના લેપટોપને પણ થોડું કામે લગાડી શકો છો!

સેકન્ડ મોનિટર તરીકે : લેપટોપ તેના નાના કદને કારણે આમતેમ લઇ જવું બહુ સહેલું છે. પરંતુ એ જ કારણે તેના નાના સ્ક્રીન પર કામ કરવું થોડું મુશ્કેલ બનતું હોય છે. 

તમે ઇચ્છો તો તમારા નવા લેપટોપની બાજુમાં જૂનું લેપટોપ મૂકી દો અને બંનેને યોગ્ય કેબલથી કનેક્ટ કરો તો જૂનું લેપટોપ સેકન્ડ ડિસ્પ્લે મોનિટર તરીકે બહુ સરસ કામ આપી શકે છે. આ સ્થિતિમાં જૂના લેપટોપનો ફક્ત સ્ક્રીન ઉપયોગમાં લેવાશે. કીબોર્ડ અને સીપીયુ નવા લેપટોપના જ ઉપયોગમાં આવશે. વિન્ડો૧૦ અને ૧૧ બંનેમાં આપણા મુખ્ય લેપટોપને પ્રાઇમરી મોનિટર તરીકે રાખીને તેના ડિસ્પ્લેને ‘પ્રોજેક્ટ ફીચર’ની મદદથી ‘ડુપ્લિકેટ’ કે ‘એક્સટેન્ડ’ કરી શકાય છે. આ કામ વાયરલેસ રીતે પણ થઈ શકે, પરંતુ જૂનું લેપટોપ પાવરફુલ ન હોય તો આવું સેટઅપ બરાબર કામ કરશે નહીં. 

બંને લેપટોપને ‘હાઇ-ડેફિનિશન મલ્ટિમીડિયા ઇન્ટરફેસ (એચડીએમઆઇ)’ કેબલથી કનેક્ટ કરી શકીએ, પરંતુ લેપટોપમાં મોટા ભાગે આઉટપુટ પૂરતું એચડીએમઆઇ પોર્ટ હોય છે. આથી, બજારમાંથી ‘વીડિયો કેપ્ચર’ કનેક્ટર ખરીદી, તેનાથી બંને લેપટોપ કનેક્ટ કરી શકાય. એ પછી, ઓબીએસ સ્ટુડિયો જેવા ફ્રી પ્રોગ્રામની મદદથી, નવા લેપટોપના સ્ક્રીનને જૂના લેપટોપમાં પ્રોજેક્ટ કરી શકાશે. થોડી માથાકૂટ છે, પણ ઇન્ટરનેટ કે યુટ્યૂબમાં થોડું સર્ચ કરશો તો કામ સહેલું બની જશે.

ઘર કે ઓફિસમાં એક સાથે બે મોનિટર પર કામ કરવાની ટેવ પડશે એ પછી તમને ક્યારેય સિંગલ મોનિટર પર કામ કરવું ગમશે નહીં. ડ્યુઅલ મોનિટર સેટઅપમાં તમે બંને મોનિટરમાં અલગ અલગ પ્રોગ્રામ ઓપન કરીને તેમાં કામ કરી શકો છો.

વીડિયો મીટિંગ માટે : જો તમારા જૂના લેપટોપમાં ઠીક ઠીક સારા કેમેરા અને માઇકનું સેટએપ હોય તો એ લેપટોપનો ફક્ત વીડિયો મીટિંગ માટે ઉપયોગ કરી શકાય. મોટા ભાગે એવું બનતું હોય છે કે આપણે કોઈ વીડિયો મીટિંગમાં જોડાઇએ ત્યારે મીટિંગમાં ચર્ચાતા મુદ્દાઓ નોંધી લેવા જરૂરી હોય. એ કામ કાગળ પેનની મદદથી કરી શકાય, પરંતુ કમ્પ્યૂટર પર જ નોટપેડ કે વર્ડ કે કોઈ નોટ-ટેકિંગ એપ અથવા આપણી કાયમી ટુ-ડુ લિસ્ટ એપમાં એ મુદ્દાઓ નોંધતા જઇએ તો કામ ઘણું વધુ સહેલું બને. કાગળ પર ટપકાવેલા મુદ્દાઓ મીટિંગ પત્યા પછી કમ્પ્યૂટરમાં ટાઇપ કરવાની ઝંઝટ રહે નહીં. 

પરંતુ લેપટોપના નાના સ્ક્રીન પર એક તરફ વીડિયો મીટિંગ ચાલુ રાખીને બીજી તરફ બીજો પ્રોગ્રામ ઓપન કરીને તેમાં નોંધ ટપકાવવાનું કામ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં જૂનું લેપટોપ ઉપયોગી થઈ શકે. એક તરફ તમે જૂના લેપટોપમાં વીડિયો મીટિંગમાં જોડાઓ અને તેની બાજુમાં નવા લેપટોપમાં મીટિંગ સંબંધિત નોંધ કરતા રહો તો કામ ઘણું સહેલું બનશે!



Google NewsGoogle News