વર્ડમાં કર્સરનું સ્થાન યાદ રાખો
માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે સંખ્યાબંધ પેજિસ ધરાવતા કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી
રહ્યા હોઇએ ત્યારે ટેક્સ્ટ એડિટિંગની કેટલીક ખાસ ખાસિયતો જાણતા હોઇએ તો આપણું કામ
ઘણું સહેલું બની શકે છે. તમારો અનુભવ હશે કે કોઈ મોટું ડોક્યુમેન્ટ તમે ચેક કરી
રહ્યા હો અને કામ અધવચ્ચે અટકાવવાનું થાય એ પછી એ જ ફાઇલ ફરી વાર ખોલવાની થાય
ત્યારે આપણે છેલ્લે ક્યાં અટક્યા હતા એ યાદ રાખવું મુશ્કેલ હોય છે.
ઘણા લોકો આના ઉપાય તરીકે પોતાનું ચેકિંગનું કામ જ્યાંથી અટકાવ્યું હોય ત્યાં
છેલ્લો શબ્દ કે વાક્ય સિલેક્ટ કરીને તેને લાલ રંગથી હાઇલાઇટ કરી દે છે. આનો એક
સહેલો ઉપાય પણ છે.
ધારો કે તમે ૨૦ પાનાના કોઈ ડોક્યુમેન્ટ ચેક કરી રહ્યા હો ત્યારે તેમાં ચોથા
પાને છઠ્ઠી લીટી પર આવીને કામ અટકાવવાનું થયું. મતલબ કે તમારું કર્સર છઠ્ઠી લીટી
પર હતું ત્યારે તમે ફાઇલ સેવ કરીને બંધ કરી.
હવે તમે ફરી જ્યારે પણ આ ફાઇલ ખોલો ત્યારે માત્ર શિફ્ટ +એફ૫ કી પ્રેસ કરો.
તમારું કર્સર અગાઉ જ્યાં હતું ત્યાં એટલે કે ચોથા પાનાની છઠ્ઠી લીટી પર પહોંચી જશે
અને તમે ત્યાંથી કામ આગળ ધપાવી શકશો.