CES 2025માં લોન્ચ થઈ અત્યાધુનિક સાથી રોબોટ: રિયલ-લાઇફ ગર્લફ્રેન્ડની જેમ વર્તન કરશે અને જરૂર પડ્યે રોબોટનો ચહેરો અને ફિગર પણ બદલી શકાશે
Robot Like a Girlfriend: બોલિવૂડની શાહિદ કપૂર અને ક્રિતી સેનનની ફિલ્મ ‘તેરી બાતો મેં ઐસા ઉલઝા જિયા’માં શાહિદની એક રોબોટ સાથે પ્રેમ થઈ જતો દેખાડવામાં આવ્યો હતો. આવી જ એક સ્ટોરી હોલિવૂડની ફિલ્મ ‘HER’માં પણ દેખાડવામાં આવી હતી. જોકે હવે એ રિયાલિટી બનવા જઈ રહ્યું છે. લાસ વેગાસમાં ચાલી રહેલા CES 2025માં રિયલબોટિક્સ કંપની દ્વારા રિયલ લાઇફ હ્યુમન જેવું રોબોટ લોન્ચ કરવામાં આવ્યું છે, જેને આરિયા નામ આપવામાં આવ્યું છે.
કેમ બનાવવામાં આવ્યો રોબોટ?
વ્યક્તિને તેના સાથીની કમી પૂરી કરવા માટે રિયલબોટિક્સ કંપની દ્વારા આ રોબોટ બનાવવામાં આવ્યો છે. આ રોબોટ કોઈની ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ પણ બની શકે છે. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ છે. આ રોબોટને ખાસ ઇમોશનલ અને ઇન્ટિમેસી માટે બનાવવામાં આવ્યો છે.
કિંમત
આ રોબોટને ત્રણ વર્ઝનમાં બનાવવામાં આવ્યો છે. ફક્ત વાતચિત કરવા માટે ચહેરો આવે છે અને એની કિંમત 12,000 અમેરિકન ડોલરથી શરૂ થાય છે. ત્યાર બાદ મોડ્યુલર રોબોટની કિંમત 150,000 ડોલરની છે. જ્યારે ફુલ કસ્ટમાઇઝ રોબોટની કિંમત 175,000 ડોલર છે.
કસ્ટમાઇઝ
આ રોબોટને મેલ અને ફીમેલ બન્નેમાં કોન્ફિગર કરી શકાય છે. તેમજ આ રોબોટને યુઝર તેની ઇચ્છા મુજબ બદલાવી શકે છે. તેના ચહેરા અને ફિગરને યુઝર કોઈ સેલિબ્રિટી અથવા હિસ્ટોરિકલ ફિગર જેવું પણ બનાવી શકે છે. આ રોબોટને મનુષ્ય જેવું બનાવવાનો પ્રયાસ હોવાથી રોબોટ જે-તે પર્સનાલિટીમાં આવ્યા બાદ તેમનું વ્યક્તિત્વ પણ શીખે છે અને તેમની મેનરિઝમમાં વાત કરે છે.
પાર્ટનર જેવું વર્તન
આ રોબોટને પાર્ટનર જેવા બનાવવામાં આવ્યા છે. આથી જો કોઈ વ્યક્તિ પોતાનો પાર્ટનર તરીકે કોન્ફિગર કરી દે, તો એ રોબોટ પાર્ટનર જેવા જ વ્યવહાર કરશે. એટલે કે ઓફિસથી ઘરે જશો, તો એ યુઝરને પોતાના પાર્ટનર તરીકે ઓળખશે અને તેની સાથે દિવસ કેવો ગયો એ સહિતના દરેક વિષય પર પ્રેમથી વાત કરશે.
આંખમાં છે કેમેરા
રોબોટની આંખમાં કેમેરા હોવાથી તે યુઝરને ઓળખશે. આ સાથે જ તેની આસપાસ કોણ શું કામ કરી રહ્યું છે એ પણ તે જોઈ અને સમજી શકશે અને એ અનુસાર વાત પણ કરશે. ઉપરાંત, જ્યારે વાત કરશે ત્યારે આંખોમાં આંખ નાખીને વાત કરશે. આથી યુઝરને સંપૂર્ણ અટેન્શન મળશે.
ટ્રાવેલ ફ્રેન્ડલી
આ રોબોટને ટ્રાવેલ ફ્રેન્ડલી એટલે કે ફુલ કસ્ટમાઇઝની સાથે ફ્લેક્સિબલ પણ બનાવવામાં આવ્યો છે. એના દરેક પાર્ટ્સ ખૂબ જ સરળતાથી જોડવામાં અને કાઢવામાં આવી શકે છે. આથી જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય, ત્યારે એને એક સૂટકેસમાં ભરીને લઈ જઈ શકાય છે.