Get The App

મેટાનાં એઆઈ એકાઉન્ટ્સથી અસલી યૂઝર્સ અકળાયા

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
મેટાનાં એઆઈ એકાઉન્ટ્સથી અસલી યૂઝર્સ અકળાયા 1 - image


સોશિયલ મીડિયા પર તમે શા માટે એક્ટિવ રહો છો? મોટા ભાગના લોકો માટે બે કારણ હોય - એક, મિત્રો સાથે ટચમાં રહી શકાય એ માટે, અને બે, કંઈક નવું જાણવા-જોવા મળે. હવે આ બંને કારણ ન રહે તો? ફેસબુક પર તમે જેની ફ્રેન્ડ રિક્વેસ્ટ મંજૂર કરો અને તેની સાથે વાતચીત શરૂ કરો, એ પછી એ ખરેખર કોઈ વ્યક્તિ છે જ નહીં, ‘એઆઇ એકાઉન્ટ’ છે એવી ખબર પડે તો? અથવા, ઇન્સ્ટાગ્રામ પર તમે કોઈ પોપ્યુલર ફેશન ઇન્ફ્લુઅંસરને ફોલો કરવા લાગો અને એ સજેસ્ટ કરે એવી પ્રોડક્ટ્સ ખરીદવા લાગો, પછી ખબર પડે કે એ પણ ખરેખર કોઈ વ્યક્તિ છે જ નહીં, માત્ર એઆઇથી ઊભી થયેલી માયાજાળ છે તો?

ચારેક મહિના પહેલાં, ‘ટેક્નોવર્લ્ડ’માં આપણે વિગતવાર વાત કરી હતી કે સોશિયલ મીડિયામાં આવી એઆઇની આંધી આવી રહી છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં મેટા કંપનીએ ‘એઆઇ સ્ટુડિયો’ લોન્ચ કર્યો હતો.

એ સમયે આખી વાત પ્રયોગાત્મક હતી, એટલે કંપનઈે અમુક ખાસ યૂઝર્સને એઆઇ સ્ટુડિયોનો ઉપયોગ કરવા ઇન્વાઇટ કર્યા હતા. આ યૂઝર્સ તેની મદદથી, પોતાના જ ડુપ્લિકેટ જેવા એઆઇ ચેટબોટ બનાવીને તેને ઇન્સ્ટાગ્રામ પર રમતા મૂકી શકતા હતા. પછી તેમના ફોલોઅર્સ એ યૂઝર્સ સાથે ઇન્ટરેક્ટ કરે ત્યારે પેલા મૂળ સેલિબ્રિટી યૂઝર ને બદલે તેમનો ડુપ્લિકેટ લોકોના સવાલોના જવાબ આપે! 

બીજી તરફ, ઇન્સ્ટાના સાદા યૂઝર્સ તેમના પોતાના ડુપ્લિકેટ જેવા નહીં, પરંતુ તેમને જે વાતમાં રસ પડતો હોય એ વિષયના એઆઇ ચેટબોટ બનાવી શકે.

ઉદાહરણ લઈને કહીએ તો માની લો કે તમને કૂકિંગ કે ક્રિકેટમાં જબરો રસ હોય તો તેના એક્સપર્ટ જેવો ચેટબોટ બનાવી શકો. આ ચેટબોટની તેની પર્સનાલિટી, તેનો ‘સ્વભાવ’, તેની વાતચીત કરવાની રીતભાત વગેરે તમે પોતે નક્કી કરી શકો.

ગયા અઠવાડિયે, કંઈક એવું બન્યું કે અસલી યૂઝર્સનું આવા એઆઇ એકાઉન્ટ્સ તરફ ધ્યાન ખેંચાયું કેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, બંને પર આવાં એકાઉન્ટ્સનો ઉભરો આવ્યો. ખુદ મેટાએ પોતે સંખ્યાબંધ એઆઇ એકાઉન્ટ્સ ક્રિએટ કરીને ફ્લોટ કર્યા હતા.

મેટા કંપનીને હતું કે આ પ્રકારના એઆઇ એકાઉન્ટ્સથી યંગ ઓડિયન્સને મજા પડી જશે, પણ થયું ઉલટું. યૂઝર્સ એટલે કે અસલી માનવ યૂઝર્સે આનો તીવ્ર વિરોધ કર્યો. હવે કંપનીએ ઉતાવળે એઆઇ એકાઉન્ટ્સ ડિલીટ કરવાની શરૂઆત કરી છે. કંપનીએ ચોખવટ કરી કે આ કોઈ નવી વાત નથી, આવાં એકાઉન્ટ્સ તો ઘણા સમયથી બનવા લાગ્યાં છે, પણ લોકોને આ અખતરો ગમ્યો નથી એ નક્કી!


Google NewsGoogle News