યુકેની ટોપ સિક્રેટ લેબમાં ક્વોન્ટમ ક્લોકનું પરીક્ષણ કરાયું
- પાંચ વર્ષમાં ક્વોન્ટમ ક્લોકને લશ્કરી કામગીરીમાં સામેલ કરાશે
- ક્વોન્ટમ ક્લોકનો ઉપયોગ સેટેલાઇટ કમ્યુનિક્ેશનથી માંડી વિમાનના નેવિગેશન સુધીના કામોમાં થઇ શકશે
લંડન : યુકેની ધ ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી-ડીએસટીએલ-માં પ્રયોગાત્મક ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અભૂતપૂર્વ ચોકસાઇ ધરાવતી પરમાણુ ઘડિયાળ બનાવી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનો સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો. ગુરૂવારે નિવેદન જારી કરી સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુકેમાં આ પ્રકારનું પ્રથમ ઉપકરણ બનાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ આગામી પાંચ વર્ષમાં લશ્કરી કામગીરીમાં થવા માંડશે. આ ક્વોન્ટમ ઘડિયાળની ચોકસાઇ એટલી બધી છે કે અબજો વર્ષે તેમાં એક સેકન્ડથી પણ ઓછો ફરક પડવાની સંભાવના છે.
સંરક્ષણ પ્રાપ્તિ અને ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન મારિયા ઇગલે જણાવ્યું હતું કે યુકેમાં આ સંશોધન અને વિકાસ કરવા માટે સંરક્ષણ મંત્રાલયે ૨૮ મિલિયન પાઉન્ડનું મૂડીરોકાણ ડીએસટીએલ મારફતે કર્યું છે જેથી આવી ટેકનોલોજીનો લાભ દેશને વહેલો મળી શકે. આ પ્રથમ વાર ડીએસટીએલ દ્વારા લેબની બહાર ઓપ્ટિકલ એટમિક ક્લોકનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત ે વર્તમાન ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ્સ-જીએનએસએસ-નો વિકલ્પ બનશે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ચોકસાઇ પૂર્વક સમય બતાવવા ઉપરાંત ક્વોન્ટમ ક્લોક જીપીએસની ચોકસાઇ વધારી ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ્સમાં ધરમૂળથી પરિવર્તન લાવી શકે તેમ છે. તેનો ઉપયોગ સેટેલાઇટ કમ્યુનિક્ેશનથી માંડી વિમાનના નેવિગેશન સુધીના કામોમાં થઇ શકશે. વળી ટેકનોલોજીમાં થયેલી પ્રગતિને કારણે આ ઉપકરણના કદને નાનું કરી શકાયું હોઇ તેનો ઉપયોગ લશ્કરી વાહનો અને યુદ્ધ વિમાનોમાં પણ થઇ શકશે.
આ ટેકનોલોજીનો મુખ્ય ફાયદો એ થશે કે જામિંગ જેવી સમસ્યા ધરાવતી જીપીએસ સેટેલાઇટ પરનો મદાર ઘટાડી શકાશે. તેનો ઉપયોગ એન્ક્રિપ્ટેડ મિલિટરી નેટવર્કમાં સુરક્ષિત રીતે કરી ગાઇડેડ મિસાઇલ્સ જેવી એડવાન્સ્ડ વેપન સિસ્ટમ્સને વધારે ચોક્સાઇપૂર્ણ બનાવી શકાશે. ખાસ કરીને સાયબર વોરફેરમાં જ્યાં મિલિસેકન્ડને કારણે પણ મોટો ફરક પડી શકે છે તેમાં તેનો બહોળો ઉપયોગ કરી યુકે દુશ્મનો સામે પોતાનો હાથ ઉપર રાખી શકશે.
આ પરીક્ષણમાં સામેલ મહત્વના ભાગીદારોમાં ઇન્ફ્લેકશન-યુકે, એક્વાર્ક ટેકનોલોજીઝ, એચસીડી રિસર્ચ અને ઇમ્પિરિયલ કોલેજ લંડન તથા ડીએસટીએલની ક્વોન્ટમ લેબોરેટરીનો સમાવેશ થાય છે. આ ક્લોકના પ્રોટોટાઇપના ફ્રિકવન્સી ધારાધોરણોનું પરીક્ષણ રોયલ નેવીના ચીફ ટેકનિકલ ઓફિસરની ઓફિસના સહકારમાં કરાયુંં હતું.