Get The App

પ્લે સ્ટોરમાંની પોપ્યુલર એન્ટિવાઈરસ એપ તદન ફેક !

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
પ્લે સ્ટોરમાંની પોપ્યુલર એન્ટિવાઈરસ એપ તદન ફેક ! 1 - image


એન્ટિવાઇરસ પ્રોગ્રામ કેટલા જરૂરી એ પ્રશ્ન લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. એક સમયે પીસી માટે આવા પ્રોગ્રામ અનિવાર્ય હતા અને આપણે તેને નિયમિત રીતે અપડેટ કરવા પડતા. કારણ એ હતું કે પીસીમાં મોટા ભાગે પાઇરેટેડ ઓપરેટિંગ સિસ્ટમ હોય, જે ક્યારેય અપડેડ કરવામાં જ ન આવે!

હવે મોટા ભાગે પીસી કે લેપટોપમાં ઓફિશિયલ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે અને તેમાં સિક્યોરિટી માટે ખાસ્સી એડવાઇન્સ્ડ વ્યવસ્થા હોય છે. પીસી-લેપટોપનો તમારો ઉપયોગ યોગ્ય હોય, કોઈ આડીઅવળી સાઇટ્સ જોતા ન હો કે આંખો મીંચીને પ્રોગ્રામ્સ કે અન્ય ફાઇલ્સ ડાઉનલોડ કરતા ન હો, તો એન્ટિવાઇરસ પ્રોગ્રામ વિના તમે ચલાવી શકો.

એવું જ સ્માર્ટફોનનું છે. છતાં, પ્લે સ્ટોરમાં અનેક એન્ટિવાઇરસ એપ્સ હોય છે. જોકે તેની ઉપયોગિતા અને વિશ્વસનીયતા સામે વારંવાર સવાલો ઊભા થાય છે. હમણાં ભારતના એક જાણીતા એન્ટિવાઇરસ પ્રોગ્રામના સંશોધકોએ દાવો કર્યો કે ગૂગલ પ્લે સ્ટોરમાં ‘એન્ટિવાઇરસ - વાઇરસ ક્લીનર’ નામની એક એપ હતી, જે ફેક છે! નવાઈની વાત એ છે કે પ્લે સ્ટોરમાંથી આ એપ એકાદ કરોડ જેટલી વાર ડાઉનલોડ થઈ ચૂકી હતી!

સંશોધકોના દાવા અનુસાર આ એપ ફોનમાં ઇન્સ્ટોલ થાય એ પછી, પ્લે સ્ટોરમાં તેનો જે આઇકોન દેખાતો હતો તેને બદલે કોઈ જુદો જ આઇકોન દેખાતો હતો (જેથી તેના તરફ આપણું ધ્યાન ખેંચાય નહીં અને ભવિષ્યમાં તેને શોધીને અનઇન્સ્ટોલ કરવાનું થોડું મુશ્કેલ બને). ઇન્સ્ટોલ થયા પછી આ એપ ફોનમાંથી જોખમી વાઇરસ સ્કેન કરીને દૂર કરવાનું પ્રોમિસ આપતી હતી, પણ વાસ્તવમાં તે ફક્ત ફોનમાં જુદી જુદી જાહેરાતો બતાવવાનું કામ કરતી હતી!

આ અગાઉ, ફોનમાં મેમરી કિલ કરવા માટેની ‘ક્લીનર એપ્સ’ પણ ખાસ્સી ગાજી હતી, જે મોટા ભાગે ચાઇનીઝ મૂળ ધરાવતી હતી.

એક યૂઝર તરીકે, આપણે એક સાદો નિયમ યાદ રાખવા જેવો છે - ફોનમાં શક્ય હોય ત્યાં સુધી નવી નવી એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળવું. કોઈ એપ ઇન્સ્ટોલ કરવી જ હોય તો તે કેટલી વાર ઇન્સ્ટોલ થઈ છે એ જોવાને બદલે, તેના માટે યૂઝરના રિવ્યૂ કેવા છે અને એપના ડેવલપર વિશે કોઈ માહિતી હોય તો તે પણ તપાસવી. ઇન્ટરનેટ પર ક્યાંય, કોઈ વાત પર આંધળો ભરોસો મૂકવા જેવો નથી.


Google NewsGoogle News