શું છે ફોન ફ્રી ફેબ્રુઆરી? જાણો કેમ થઈ રહ્યું છે દુનિયાભરમાં ટ્રેન્ડ...
Phone Free February: હાલમાં માર્કેટમાં ફોન ફ્રી ફેબ્રુઆરી ખૂબ જ જોરશોરમાં ચાલી રહ્યું છે. આ એક ચેલેન્જ છે જેને દુનિયાભરના લોકો દ્વારા સ્વીકારવામાં આવી રહી છે. આ ચેલેન્જ ગયા વર્ષે પણ હતી, પરંતુ ત્યારે એને એટલી લોકપ્રિયતા નહોતી મળી જેટલી આ વર્ષે મળી રહી છે. આજે દરેક વ્યક્તિ પાસે મોબાઇલ હોય છે. એક નહીં, બે-બે પણ હોઈ શકે છે. યૂઝર આજે તેની ફેમિલી સાથે ગયો હોય કે પછી ફ્રેન્ડ્સ સાથે, સતત મોબાઇલમાં રહે છે. આજે ફ્રેન્ડ્સ સાથે હોય ત્યારે એટલી વાત નથી કરતાં જેટલી મોબાઇલ પર કરે છે. આથી દુનિયાભરમાં એક ચેલેન્જ શરૂ કરવામાં આવી છે. આ ચેલેન્જ અનુસાર કોઈ પણ વ્યક્તિ એને ફોલો કરશે તો એની લાઇફમાં ઘણાં સુધારા આવશે અને મોબાઇલના એડિક્શનથી દૂર થઈ શકે છે.
શું છે ફોન ફ્રી ફેબ્રુઆરી?
ફોન ફ્રી ફેબ્રુઆરી એક ગ્લોબલ કેમ્પેન છે. આ કેમ્પેમાં હેલ્ધી લાઇફસ્ટાઇલને પ્રમોટ કરવામાં આવી રહી છે. એ ચેલેન્જ અનુસાર કોઈ પણ વ્યક્તિએ એક મહિના સુધી એટલે કે ફેબ્રુઆરીમાં મોબાઇલનો ઉપયોગ કરવાથી દૂર રહેવાનું હોય છે. જો કરવો જ પડે તો ફક્ત કામ પૂરતું કરી શકાય છે, પરંતુ સોશિયલ મીડિયાથી દૂર જ રહેવાનું હોય છે.
કેમ ફોન ફ્રી રહેવું?
મોબાઇલ દ્વારા ઘણાં ટાસ્ક કરવામાં આવે છે. આજે દરેક કામ માટે મોબાઇલ ઉપયોગી છે. આથી, મોબાઇલનો સતત ઉપયોગ કરવો પડે છે અને એના કારણે મોબાઇલની આદત પડી જાય છે. એક સરવે મુજબ, એક વ્યક્તિ 24 કલાકમાં 221 વાર તેના મોબાઇલમાં જુએ છે. તેની પાસે કામ હોય કે ન હોય, તે મોબાઇલની સ્ક્રીન ચેક કરતો રહે છે. આથી, એનાથી દૂર રહેવા માટે આ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે.
કોના માટે છે આ ચેલેન્જ?
સતત મોબાઇલનો ઉપયોગ કરતાં અને હંમેશાં મોબાઇલમાં ખોવાયેલાં રહેતાં વ્યક્તિઓ માટે આ ચેલેન્જ છે. ભોજનના સમયે પણ ટેબલ પર બેસીને મોબાઇલનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ માટે છે આ ચેલેન્જ. આ કેમ્પેનની મદદથી યૂઝર તેની આ આદતને સુધારી શકે છે.
કેવી રીતે કામ કરે છે આ ચેલેન્જ?
આ ચેલેન્જ ખૂબ જ સરળ છે. આ માટે ફોન ફ્રી ફેબ્રુઆરી વેબસાઇટ પર જઈને જોડાવું હોય છે અને એક ફોર્મ ભરવું હોય છે. આ ફોર્મ ફક્ત કેટલા લોકો આ ચેલેન્જ કરી રહ્યાં છે એ માટે છે. જો કોઈએ ફોર્મ ન ભરવું હોય, તો એ પણ કરી શકે છે અને પોતાની રીતે મોબાઇલથી દૂર રહી શકે છે. આ સાથે જ તેમના ફ્રેન્ડ્સ અને ફેમિલીને પણ એ કરવા માટે પ્રોત્સાહન આપી શકે છે.
કોણે શરૂ કર્યું આ કેમ્પેન?
ફોન ફ્રી ફેબ્રુઆરીને બે ફોન એક્ટિવિસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ગ્લોબલ સોલિડેરિટી ફાઉન્ડેશન હેઠળ આ કેમ્પેન તેઓ ચલાવે છે. આ કેમ્પેનનો હેતુ મોબાઇલની આદત છોડીને લોકોને વાસ્તવિક દુનિયામાં ફરી લાવવા અને એકમેક સાથે રહેવા માટેને પ્રેરિત કરવાનો છે. આ ફાઉન્ડેશન દ્વારા અન્ય કેમ્પેન પણ કરવામાં આવે છે.