આ વળી નવું જોખમઃ હવે યુઝર્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે ઇમોશનલ થઈ રહ્યા છે
People Attached to ChatGPT: લોકો આજે વ્યક્તિ સાથે નહીં, પરંતુ મશીન સાથે ઇમોશનલ થઈ રહ્યા છે. હા, આ નવા જમાનાનું જોખમ છે. ચેટજીપીટી-4ના વોઇસ-મોડ સાથે યુઝર્સ ઇમોશનલી એટેચ થઈ રહ્યાં છે. ચેટજીપીટી-4 એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર છે. આ સોફ્ટવેરની મદદથી યુઝર્સ એની સાથે વાતચીત કરી જવાબ મેળવી શકે છે. આ ફીચરને ઓપન એઆઇ દ્વારા જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઓપનએઆઇ કંપની દ્વારા ચેટજીપીટી-4 લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એમાં વોઇસ-મોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. સવાલ પૂછતાની સાથે જ આ એપ્લિકેશન જવાબ આપશે. જોકે એમાં ટેક્સ્ટનો નહીં, પરંતુ ઓડિયોનો સમાવેશ થાય છે. આથી કંપનીએ સેફ્ટી માટે એક એનાલિસીસ કર્યું હતું. આ એનાલિસિસમાં સોફ્ટવેરની સાથે શું ખતરો છે એ જાણવા મળ્યું છે.
સેફ્ટી ટેસ્ટિંગ પ્રોટોકોલ માટેના ટેક્નિકલ ડોક્યુમેન્ટને સિસ્ટમ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ સિસ્ટમ કાર્ડમાં લખવામાં આવ્યું છે કે લોકો ચેટજીપીટી-4ના અવાજ સાથે અટેચ થઈ રહ્યાં છે. આ સાથે જ ખોટી માહિતી પણ મળી શકે છે અને સોસાયટીમાં રહેતાં ભેદભાવ પણ એમાં જોવા મળી શકે છે. આ સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર રિસ્ટ્રિક્શન લગાવવાની વાત કરવામાં આવી છે કારણ કે એના દ્વારા ડેન્જરસ પ્લાન પણ બનાવવામાં આવી શકે છે.
હોલીવૂડની ફિલ્મ ‘HER’નો વિષય પણ આજ હતો કે એક વ્યક્તિને કેવી રીતે મશીનના અવાજથી પ્રેમ થઈ શકે છે. એ સમયે આ ક્લપના હતી, પરંતુ એ બહુ જલદી હકીકત બની શકે છે. આ ફિલ્મમાં સ્કારલેટ જોહાન્સને અવાજ આપ્યો હતો. એના અવાજ જેવો જ હુબહુ અવાજ ચેટજીપીટી-4નો હોવાથી આ કંપની વિરુદ્ધ સ્કારલેટે કેસ પણ ફાઇલ કર્યો છે.
આ સિસ્ટમ રિપોર્ટ મુજબ યુઝર્સનો ઇમોશનલ પ્રોબ્લેમ વધી જશે. સ્ટ્રેસના સમયે જો યુઝર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે વાત કરી અને એ સમયે બની શકે કે આ એપ્લિકેશન એવી સલાહ આપે જે યુઝરના ભલા માટે ન હોય. તેમ જ યુઝર જો સતત આ એપ્લિકેશન સાથે વાત કરશે તો તેની અન્ય વ્યક્તિ સાથેની વાતચીત ઓછી થઈ જશે. પરિણામે હ્યુમન કોન્ટેક્ટ નહીંવત રહેશે અને એનાથી ઇમોશન્સ પણ નહીં રહે.
આ વોઇસ મોડની સિક્યોરિટીને જો કોઈ બ્રેક કરી નાખે તો એ કોઈ અન્ય વ્યક્તિનો અવાજ કઢાવવામાં સફળ થઈ શકે છે અને પરિણામે છેતરપિંડીના કેસ વધી શકે છે. ઘણીવાર કોઈ એરરને કારણે એવુ પણ બન્યું છે કે આ વોઇસ-મોડ સામે બોલનારની વ્યક્તિને જ ચિડવતો હોય તેમ તેનો અવાજ કાઢે છે.
આથી ઓપનએઆઇ કંપની હાલમાં એના પર ફોકસ કરી રહી છે કે સેફ્ટી પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને અન્ય ફીચરને કેવી રીતે ઉપયોગી બનાવી શકાય.