2027 સુધીમાં પાણીની અંદર રહી શકશે મનુષ્ય: જમીન અને અવકાશ બાદ હવે અંડરવોટર રહેવા માટેની તૈયારી શરૂ
People Could Live in Underwater Home: મનુષ્યની વસ્તીમાં હાલમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ બીજી તરફ થોડા વર્ષોમાં આ વસ્તીમાં ખૂબ જ ઘટાડો થશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. હાલમાં વસ્તી વધી રહી છે અને શહેરો વધુને વધુ ગીચ થઈ રહ્યાં છે. મકાનો બનાવવા માટે અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જગ્યા નથી એથી જંગલો અને પર્વતોને હટાવવામાં આવી રહ્યાં છે. જોકે હવે એ કરવાની જરૂર નહીં પડે કારણ કે યુનાઇટેડ કિંગડમની કંપની Deep હાલમાં એવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જેની મદદથી મનુષ્ય 2027 સુધીમાં હંમેશાં માટે પાણીની અંદર રહી શકશે. ઇલોન મસ્ક જે રીતે સ્પેસમાં લોકોને રહેતાં કરવા માગે છે એ જ રીતે આ કંપની લોકોને પાણીમાં રહેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
પાણીની અંદર રહેવા માટેનો પ્રોજેક્ટ
ડીપ કંપની દ્વારા હાલમાં તેમના પહેલા અંડરવોટર નિવાસસ્થાન પર કામ કરવામાં આવી રહ્યું છે અને એ આ વર્ષના અંત સુધીમાં પૂરું થશે. આ પ્રોજેક્ટ માટે તેમણે વાયર-આર્ક એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નોલોજીમાં 3D પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. એમાં એક ધાતુને બીજી ધાતુ સાથે લેયરમાં જોડવામાં આવે છે. દરિયાના પાણીનું પ્રેશર સહન કરી શકે તે માટે મેટલ વાયરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મેટલ વાયરના દરેક લેયરને એક-એક કરીને વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું છે. આ કંપની હાલમાં જે પહેલું નિવાસ સ્થાન બનાવી રહી છે એને વેનગાર્ડ નામ આપવામાં આવ્યું છે. આ એક મોબાઇલ હેબિટાન્ટ છે, જેને એક સ્થળેથી બીજા સ્થળે શરળતાથી લઈ જઈ શકાય છે. આ સાથે જ તેનો ઉપયોગ શોર્ટ ટર્મ મિશન, જેમ કે ટ્રેઇનિંગ અને રીકવરી માટે, કરવામાં આવશે. આ પ્રોજેક્ટ બાદ કંપની ખૂબ જ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માગે છે, જેને સેન્ટિનલ નામ આપવામાં આવ્યું છે.
પાણીની અંદર રહેવા માટેનું ભવિષ્ય છે ‘સેન્ટિનલ’
વેનગાર્ડ 27.87 ચોરસ મીટરના વિસ્તાર સાથે તૈયાર થયું છે. શોર્ટ ટર્મ મિશન માટે આ વેનગાર્ડ ત્રણ પ્રોફેશનલ ડાઇવર્સને 100 મીટર ઊંડાઈ સુધી લઈ જઈ શકે છે. આ ઊંડાઈને સનલાઇટ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટિનલમાં ત્રણની જગ્યાએ છ વ્યક્તિનો સમાવેશ થઈ શકશે. એમાં કિચન, સાયન્સ લેબ, અને ટોઇલેટ જેવી સુવિધાઓ પણ હશે. 28 દિવસ સુધી કોઈ વસ્તુની જરૂર નહીં પડે એ રીતે સુવિધાઓ ઉભી કરાઈ છે. દરિયાનું સમગ્ર પ્રેશર ‘સેન્ટિનલ’ સહન કરશે અને અંદર રહેનારને એની જરા પણ જાણ નહીં થાય.
શું મુશ્કેલીઓ આવી શકે છે?
આ પ્રોજેક્ટને લઈને સૌથી મોટી ચિંતા હેલ્થને લઈને છે. પાણીનું પ્રેશર અને હવાની ડેન્સિટીને કારણે આરોગ્ય પર તકલીફ થઈ શકે છે. 100 દિવસ સુધી પાણીની અંદર રહેવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાના પ્રોફેસર જોશેફ ડિતુરીની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને સતત મોનિટર કરવામાં આવી હતી. તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે તેમની ઊંઘમાં સુધારો, કોલેસ્ટ્રોલમાં ઘટાડો, નજીકની વસ્તુ જોવામાં તાત્કાલિક તકલીફ, અને શરીરના કદમાં અડધી ઇંચનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો: વોટ્સએપ ઇમેજ સ્કેમથી ચેતજો, આ ભૂલ કરી રહ્યા હો તો તરત જ બંધ કરો…
પર્યાવરણ પર જોખમ અને ભવિષ્યનો પ્લાન
મનુષ્ય દરિયાની અંદર રહેવા લાગશે તો પર્યાવરણ પર અસર પડી શકે છે. દરિયાનું સનલાઇટ ઝોન, જ્યાં 90% જેટલી પ્રજાતિઓ, જેમ કે ફૂલો, ઝાડ, અને માછલીઓ, રહે છે, તેની પર આ પ્રોજેક્ટનો અસરકારક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેમને આ પ્રજાતિ પર થતા પ્રભાવની જાણ છે, છતાં તેઓ તેમના વિઝન માટે આગળ વધી રહ્યાં છે. Deep કંપની 2035 સુધીમાં દુનિયામાં દસ મોટા અંડરવોટર નિવાસસ્થાન બનાવવાનું આયોજન કરી રહી છે. 2050 સુધીમાં, પહેલી વાર બાળકને પાણીમાં જન્મ આપવાનું પણ તે શક્ય બનાવવા માગે છે.