ભારત અને પાકિસ્તાનની તાકાત : કોની સેના શક્તિશાળી ? જાણો બંને દેશ પાસે કયા કયા હથિયાર
ભારત અને પાકિસ્તાન બંને દેશો માંથી સૌથી વધુ શક્તિશાળી કોણ છે, એ બાબત પર ચર્ચાઓ થતી જ રહે છે
આજ જોઈએ પાકિસ્તાની સેનાની તાકાત કેટલી છે એ વિષે
Pakistan military power: હાલ પૂરી દુનિયામાં યુદ્ધ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં રશિયા-યુક્રેન બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે દુનિયાભરના એક્સપર્ટ ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી કરી રહ્યા છે. જેથી બધા દેશ તેની સેનાને મજબુત બનાવવા પર કામ કરી રહ્યા છે. એવામાં ભારત પણ ખુબ જ ઝડપથી સેનાને શક્તિશાળી બનાવી રહ્યું છે. ગ્લોબલ ફાયરપાવર કે જે દુનિયાના દેશોની સૈન્ય શક્તિ પર નજર રાખે છે, તેની રેન્કિંગ મુજબ અમેરિકા પ્રથમ નંબરે છે, જયારે બીજા નંબરે રશિયા, ત્રીજા નંબર પર ચીન અને ચોથા નંબર પર ભારતનું સ્થાન છે. આ જાની ને એક પ્રશ્ન થાય કે આ લીસ્ટમાં પાકિસ્તાનનો શું રેન્ક છે? તો જણાવી દઉં કે આ લીસ્ટમાં પાકિસ્તાનનો ક્રમ સાતમો છે.
પાકિસ્તાનની સૈનિક સંખ્યા ભારતના અડધા કરતા પણ ઓછી
આ લીસ્ટ મુજબ મોટાભાગની બાબતોમાં ભારત પાકિસ્તાનથી ખુબ જ આગળ છે. ભારતમાં એક્ટીવ સૈનિકની સંખ્યા 14,50,000 છે, જયારે પાકિસ્તાનમાં માત્ર 6,54,000 જ છે. જે ભારતીય સૈનિકની સંખ્યાના અડધા કરતા પણ ઓછી છે. તેમજ ભારતનું અર્ધલશ્કરી દળ 25,27,000 છે જયારે પાકિસ્તાન પાસે માત્ર 5,00,000 જ છે.
બંને દેશ ધરાવે છે પરમાણુ હથિયાર
બંને દેશ પાસે પરમાણુ હથિયાર હોવાથી જયારે પણ બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે પરમાણુ યુદ્ધનો ખતરો રહે છે. વિશ્વના 9 દેશ પરમાણુ હથિયારોથી સજ્જ છે, જેમાં પાકિસ્તાન અને ભારત અનુક્રમે છઠ્ઠા અને સાતમા સ્થાને આવે છે. એક તરફ ભારત પાસે 160 પરમાણુ હથિયાર છે જ્યારે પાકિસ્તાન પાસે તેમાંથી 165 છે. પાકિસ્તાન પાસે સંખ્યાબંધ શસ્ત્રો હોવા છતાં, ભારત પાસે આ હથિયારોના પરિવહન અને લોન્ચ પેડ વધુ સારા છે.
પાકિસ્તાન પાસે મિસાઈલ
પાકિસ્તાન પાસે ટૂંકી રેન્જની મિસાઈલમાં નસ્ત્ર, હત્ફ, ગઝનવી અને અબ્દાલી છે. જેની મારક ક્ષમતા 60 થી 320 કિમી છે. આ સિવાય તેની પાસે લાંબી રેન્જની મિસાઈલમાં ગૌરી અને શાહીન છે જેની ક્ષમતા 900 થી 2700 કિમી સુધીની છે. પાકિસ્તાન પાસે સૌથી ખતરનાક મિસાઈલ હલ્ફ-7/બાબર છે, જે મીડીયમ રેન્જની સબસોનિક ક્રુઝ મિસાઈલ છે. જયારે ભારત પાસે તેને ટક્કર આપતી નિર્ભય મિસાઈલ છે.
ભારતની તાકાત
ભારત પાસે બેલિસ્ટિક મિસાઇલોનો ભંડાર છે, જેમાં અગ્નિ-1, અગ્નિ-2, અગ્નિ-3, અગ્નિ -4, અગ્નિ-5નો સમાવેશ થાય છે. પૃથ્વી સીરીઝએ ટૂંકી રેન્જની બેલિસ્ટિક મિસાઈલ છે. ભારત પાસે રશિયા સાથે સંયુક્તરૂપે વિકસિત કરવામાં આવેલી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ તેમજ નિર્ભય સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે. આ સિવાય ભારતે અમેરિકા, રશિયા અને ચીનની જેમ જમીન, હવા અને સમુદ્રમાં ફાયર કરવાની ક્ષમતા ધરાવતા પરમાણુ હથિયાર પણ વિકસિત કાર્ય છે.