કાશ્મીરને કુદરતી પરમાણુ બોમ્બનો ખતરો, અહીં પણ કેદારનાથ-સિક્કિમ કે ચમોલી જેવી દુર્ઘટનાનું જોખમ
ગ્લોબ વૉર્મિંગના કારણે ઝેલમ બેઝિનના 100થી વધુ ગ્લેશિયર તારાજી સર્જી શકે છે
Global Warming in Kashmir: કેરળની અમૃતા વિશ્વ વિદ્યાપીઠમના અમૃતા સ્કૂલ ફોર સસ્ટેનેબલ ફ્યુચર્સના તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં ખુલાસો થયો હતો કે કાશ્મીરમાં ગરમીના કારણે ત્યાંના 100થી વધુ સક્રિય પરમાફ્રોસ્ટ એટલે કે રોક ગ્લેશિયર પીગળવાનો ભય છે. જેની અંદર મોટા પ્રમાણમાં પાણી એકઠું થાય છે. જો તાપમાન ખૂબ વધે છે, તો તે પીગળી શકે છે અને ખીણમાં ભારે વિનાશ સર્જી શકે છે. જેની સૌથી વધુ અસર જેલમ નદીના તટપ્રદેશમાં થશે. આ અભ્યાસમાં જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, આઈઆઈટી બોમ્બે, મોનાશ રિસર્ચ એકેડમી, નોર્થંબ્રિયા યુનિવર્સિટી, ઈસરો અને આઈઆઈએસસી બેંગલુરુના વૈજ્ઞાનિકો પણ સામેલ છે.
ઝેલમ બેસિનમાં સર્જાઈ શકે છે વિનાશ
ડીટીઈમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ગ્લેશિયર પર 100 થી વધુ ખડકો શિખરો બની ગયા છે. જેના કારણે તે ભાગ ફૂલી ગયો છે. આ સૂચવે છે કે પરમાફ્રોસ્ટ હવે પીગળવા લાગ્યા છે અને પોતાની જગ્યાએથી ખસવા લાગ્યા છે. જો આ વિસ્તાર વધુ ગરમ થશે તો જેલમ બેસિનમાં મોટાપાયે વિનાશ સર્જાઈ શકે છે.
કેદારનાથ-સિક્કિમ જેવી દુર્ઘટનાનું જોખમ
વિદ્યાપીઠના પ્રોફેસરે જણાવ્યું કે ગ્લેશિયરના પીગળવાથી ચિરસર તળાવ અને બ્રામસર તળાવ પાસેનો વિસ્તાર વધુ જોખમી બન્યો છે. ચિરસર તળાવ રોક ગ્લેશિયરના ખૂણા પર બનેલ છે. તેમજ આ બંને તળાવને ગ્લેશિયરમાંથી જ પાણી મળે છે. જો તેની આસપાસના પર્માફ્રોસ્ટ પીગળે છે, તો નીચાણવાળા વિસ્તારોમાં ઝડપથી પાણી ભરાશે. અહીં, કેદારનાથ, ચમોલી અથવા સિક્કિમ જેવા ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) જેવી દુર્ઘટના સર્જાવાનું જોખમ રહેલું છે. અહીંના ઢોળાવ 12 ડિગ્રીથી 25થી 65 ડિગ્રી સુધીના છે. એટલે કે દુર્ઘટનાની તીવ્રતા ખૂબ જ ભયંકર હશે.
રોક ગ્લેશિયરની અંદર એકઠું થાય ઘણું પાણી
પરમાફ્રોસ્ટ એવા જમીનના સ્તર છે કે જે ઓછામાં ઓછા બે વર્ષથી સ્થિર અવસ્થામાં છે. સામાન્ય રીતે પરમાફ્રોસ્ટ ગ્રીનલેન્ડ, અલાસ્કા અને સાઇબિરીયામાં વધુ જોવા મળે છે. પરંતુ હિમાલયની હિમ નદીઓ વિશે ઓછી જાણકારી મળે છે. વિશ્વના કેટલાક પર્વતીય વિસ્તારો અને હિમ નદીઓ તેમની અંદર બરફ અને પાણીના વિશાળ જથ્થાના કારણે મહત્ત્વપૂર્ણ મનાય છે.
રોક ગ્લેશિયર્સ ક્યાં અને કેવી રીતે બને છે?
જ્યારે પરમાફ્રોસ્ટ, રોક અને બરફ એકસાથે થીજી જાય છે ત્યારે પર્વતો પર રોક ગ્લેશિયર્સની રચના થાય છે. સામાન્ય રીતે ગ્લેશિયર્સમાં પથ્થર અને માટીનો કચરો પહેલાથી અસ્તિત્વ ધરાવતો હોય છે. જેમ જેમ ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર્સ પીગળશે તેમ તેમ આ ખડકાળ માટી અને બરફ ખડક ગ્લેશિયરમાં ફેરવાઈ જશે. છેલ્લા પાંચ દાયકામાં પૃથ્વી પર આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થઈ છે.
રોક ગ્લેશિયર્સ કેવા દેખાય છે?
સામાન્ય રીતે રોક ગ્લેશિયર્સ ઘાસના મેદાન અથવા સામાન્ય મેદાન જેવા જ દેખાય છે. તેના પર નાના જંગલ પણ ઉગી નીકળે છે તો ઘણી વાર લોકો તેના ઉપર ઘર વગેરે પણ બનાવે છે. પરંતુ જયારે ભૌગોલિક દૃષ્ટિકોણથી જોવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ એક રોક ગ્લેશિયર છે. હિમાલયના રોક ગ્લેશિયર્સ વિશે ઓછી માહિતી છે. તેના પર વધુ અભ્યાસની કરવાની ચર્ચાઓ પણ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. જેના કારણે સમગ્ર હિમાલયના પટ્ટામાં ક્યાં આ પ્રકારનો ખતરો આવી શકે છે, તે અંગે માહિતી મળી શકે છે. હાલ આ સંશોધનમાં 50 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં 207 રોક ગ્લેશિયર્સ શોધવામાં આવ્યા છે.
ઝેલમ બેસિનમાં ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના
વર્ષ 2022માં ઈન્ડિયન જર્નલ ઓફ જીઓ સાયન્સીસમાં એક અહેવાલ પ્રમાણે કાશ્મીર ઘાટીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ગ્લેશિયરનું રોક ગ્લેશિયરમાં રૂપાંતર મોટું જોખમ ઊભું કરી રહ્યું છે. કોઈપણ જગ્યાએ ગ્લેશિયર પીગળવાનો આ છેલ્લો તબક્કો માનવામાં આવે છે. જેથી ઝેલમ બેસિનમાં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે આવા પરમાફ્રોસ્ટ પીગળી રહ્યા છે. જેથી હિમ નદીઓમાંથી ખડકો તૂટવાનું અને પીગળીને નીચે આવવાનું જોખમ વધી રહ્યું છે.