ગૂગલથી ક્રોમ અલગ થઈ શકે છે: સર્ચ એન્જિનને ખરીદવા માટે OpenAI તૈયાર
OpenAI Ready to Buy Chrome: OpenAI દ્વારા ગૂગલ ક્રોમને ખરીદવા માટે રસ દર્શાવવામાં આવ્યો છે. હાલમાં ગૂગલ પર અમેરિકામાં તવાઈ ચાલી રહી છે. એ પર એન્ટી-ટ્રસ્ટનો કેસ ચાલી રહ્યો છે, જેમાં તેમની પર માર્કેટમાં હરિફાઈ ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાથે જ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા સર્ચ માર્કેટમાં મોનોપોલીનું આરોપ પણ લગાવવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનું કહેવું છે કે તેઓ ગૂગલ ક્રોમને કંપનીથી અલગ કરી નાખે. જો આવું થયું તો OpenAI તેને ખરીદવા માટે તૈયાર છે.
ક્રોમ ખરીદવા માટે OpenAI તૈયાર
OpenAIના ચેટજીપીટીના ચીફ નિક ટર્લી તાજેતરમાં જ ગૂગલ એન્ટી-ટ્રસ્ટ ટ્રાયલમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, "ગૂગલથી ક્રોમને અલગ કરવાની ફરજ પાડવામાં આવી તો OpenAI તેને ખરીદવા માટે તૈયાર છે." OpenAIના મતે આ તેમના માટે એક ખૂબ મોટી તક છે. ગૂગલ ક્રોમને ખરીદવાથી તેઓ AIને વધુ લોકો સુધી પહોંચાડવાની સાથે તેમની કાર્યક્ષમતા પણ વધારી શકે છે.
એન્ડ્રોઇડ પાર્ટનરશિપમાં ઘણાં પડકાર
OpenAIએ Appleની ઇકોસિસ્ટમમાં ચેટજીપીટીના સમાવેશ માટે પાર્ટનરશિપ કરી છે. જોકે Android મેન્યુફેક્ચર્સ સાથે તકલીફ આવી રહી છે. નિક ટર્લીનું કહેવું છે કે ગૂગલના નાણાકીય પ્રભુત્વને કારણે તેઓને Samsung જેવી મોટી કંપનીઓ સાથે ડીલમાં મુશ્કેલી આવી રહી છે.
ટેક ઇન્ડસ્ટ્રીમાં આવી શકે છે નવી લહેર
જો ક્રોમ વેચવામાં આવે અને OpenAI દ્વારા તે ખરીદવામાં આવે, તો સર્ચ અને AI બંને ઇન્ડસ્ટ્રીમાં મોટો વળાંક આવી શકે છે. ટેક ઇન્ડસ્ટ્રીમાં નવી લહેર જોવા મળી શકે છે. AIનો પ્રભાવ ખૂબ જ વધશે. હાલના પરિપ્રેક્ષ્યમાં ગૂગલનું પ્રભુત્વ છે, પરંતુ ત્યાર પછી દરેક મોબાઇલ કંપની પોતાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે.
આ પણ વાંચો: AI ઇનવેસ્ટમેન્ટને પ્રમોટ કરતાં ડીપફેક વીડિયોથી સાવચેત રહેવાની સલાહ આપી SBIએ
ભવિષ્યમાં જોવા મળી શકે છે નવા ઇનોવેશન
એન્ટી-ટ્રસ્ટ કેસના કારણે ગૂગલના બિઝનેસ પર અસર પડી શકે છે, પરંતુ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં નવી હરિફાઈ અને ઇનોવેશન જોવા મળી શકે છે. OpenAI જેવી કંપનીઓ માટે આ તક નવી એકસાઇટિંગ પ્રગતિ લાવી શકે છે. જો ગૂગલને કારણે અન્ય કંપનીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે, તો ક્રોમને અલગ કરવાથી ગૂગલને મોટો ફટકો પડશે. બીજી બાજુ, આ પગલાથી અન્ય કંપનીઓને મોટો ફાયદો મળી શકે છે.