ChatGPTમાં નવીન અપગ્રેડ: OpenAIએ સર્ચ ફીચર દ્વારા ગૂગલને આપી મોટી ચેલેન્જ
New Search Feature in ChatGPT: OpenAIના ChatGPTમાં નવું સર્ચ ફીચર લોન્ચ કરતાં તેણે ગૂગલને ચેલેન્જ આપી છે. OpenAIના ચેટબોટમાં અત્યાર સુધી સર્ચ કરવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો. મોટાભાગના AI હાલમાં ગૂગલ સર્ચ અને માઇક્રોસોફ્ટ બિંગનો ઉપયોગ કરે છે. જો કે, અન્ય સર્ચ એન્જિન પર ડિપેન્ડ રહેવા કરતાં OpenAIએ પોતાનું સર્ચ ફીચર લોન્ચ કર્યું છે.
પેઇડ યુઝર્સ માટે ફીચર
OpenAIના ChatGPTના પેઇડ યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. આ ફીચર અત્યારે ફ્રી યુઝર્સ ઉપયોગ કરી શકશે નહીં. સમય સાથે એ ફીચર દરેક યુઝર્સ ઉપયોગ કરી શકે એ માટે પૂરી પાડવામાં આવશે. જોકે હાલમાં તો એ ફક્ત પેઇડ યુઝર્સ અને સબસ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ છે. પેઇડ યુઝર્સ માટે GPT-4ઓ મોડલનો ઉપયોગ કરવામાં આવે છે. OpenAI તેના યુઝર્સને થર્ડ પાર્ટી સર્ચ એન્જિનની સાથે તેના ડાયરેક્ટ પાર્ટનર દ્વારા મળતી માહિતી પણ પૂરી પાડશે.
કોલેબરેશન અને ફીડબેક
OpenAI હાલમાં ન્યુઝ ઇન્ડસ્ટ્રી સાથે કોલેબરેશન કરી રહ્યું છે. ChatGPTના ડેવલપમેન્ટ માટે ન્યુઝ ઇન્ડસ્ટ્રી સાથેનું કોલેબરેશન અને તેમને મળતું ફીડબેક ખૂબ જ જરૂરી છે. આ માટે OpenAIએ દરેક કંપનીને ખાતરી આપી છે કે તેમના ન્યુઝને સર્ચ રિઝલ્ટમાં દેખાડવામાં આવશે. આ માટે ગૂગલની જેમ સર્ચ રિઝલ્ટમાં ઉપર આવવા માટે પૈસા ચૂકવવાની જરૂર નહીં હોય. સર્ચ GPT વિશે જુલાઇમાં ચર્ચા ચાલી હતી. આ એક પ્રોટોટાઇપ હતું જે રિયલ-ટાઇમમાં ઇન્ટરનેટને એક્સેસ કરીને રિઝલ્ટ આપી રહ્યું હતું. સર્ચ ફીચરને એપ્લિકેશનમાં આપવા માટે આ પ્રોટોટાઇપ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.
CEOની ભવિષ્યવાણી
OpenAIના ચીફ એક્સીક્યુટિવ ઓફિસર સેમ અલ્ટમેન આ નવા ફીચરની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, 'અમે જ્યારથી ChatGPTને લોન્ચ કર્યું, ત્યારથી આજ સુધીમાં સર્ચ ફીચર મારું ફેવરિટ છે. છેલ્લાં થોડા અઠવાડિયાથી આ ફીચરના કારણે હું આ એપ્લિકેશનનો ઉપયોગ બમણો કરી રહ્યો છું.'
સ્ટુડન્ટ્સને પ્રથમ ફાયદો
ChatGPTનું સર્ચ ફીચર હાલમાં પેઇડ યુઝર્સ માટે છે. જો કે, એ હવે એન્ટરપ્રાઇઝ અને એજ્યુકેશન યુઝર્સ એટલે કે સ્ટુડન્ટ્સ માટે પણ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ આ ફીચર આગામી થોડા મહિનામાં તમામ ફ્રી યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: મિલિટ્રી ટૂલ બનાવવા માટે મેટાનું Llama AIનો ઉપયોગ કરી રહ્યું છે ચીન, જાણો વિગતો...
ગૂગલને ચેલેન્જ
આ ફીચરના કારણે OpenAIએ સીધા ગૂગલને ચેલેન્જ કરી છે. સર્ચ એન્જિનમાં ગૂગલનું ડોમિનેશન હતું જે હવે OpenAI તોડી રહ્યું છે. મેટા કંપની પણ પોતાનું સર્ચ એન્જિન બનાવી રહી છે. આથી, હાલ OpenAIએ સીધા ગૂગલને જ ચેલેન્જ કરી છે.