ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચે ટક્કર: OpenAI ફરી રોબોટિક્સ પર કામ કરી રહ્યું હોવાની ચર્ચા
OpenAI Invest Again In Robotics: OpenAI હાલમાં હ્યુમન રોબોટ પર કામ કરી રહ્યું હોય તેવી ચર્ચા ચાલી રહી છે. OpenAI તેની સર્વિસ ખાસ કરીને ChatGPTને લઈને ખૂબ જ જાણીતું છે. હવે આ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સેમ ઓલ્ટમેન ઇલોન મસ્ક સાથે હરીફાઈમાં ઊતરવાના હોય એવું લાગી રહ્યું છે. ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચેનો મતભેદ જગજાહેર છે અને તેમની કંપનીઓ વચ્ચે લીગલ કેસ પણ ચાલી રહ્યો છે. આથી, તેમની વચ્ચે હવે મોટી સ્પર્ધા જોવા મળી શકે છે.
રોબોટિક્સમાં ફરી ઇનવેસ્ટમેન્ટ?
OpenAI દ્વારા અગાઉ રોબોટિક્સમાં ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. તેઓ સ્માર્ટ સિસ્ટમ બનાવવાની કોશિશ કરી રહ્યાં હતાં, પરંતુ ટ્રેઇનિંગ માટે ડેટા મળતા નહોતા હોવાથી 2021માં એ ડિવિઝન બંધ કરવું પડ્યું હતું. આ રોબોટ એકદમ ઇન્ટેલિજન્ટ હોય તે માટે તેમને ટ્રેઇનિંગ આપવી જરૂરી છે અને તે ન મળતાં, તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે, હવે એમણે ફરી આ સપનાને પૂરું કરવાનું નક્કી કર્યું છે. હાલમાં જ કંપની દ્વારા જોબ માટેની જે ઓફર જાહેર કરવામાં આવી છે, તેને જોઈને લાગે છે કે તેઓ ફરી રોબોટિક્સ ડિપાર્ટમેન્ટ શરૂ કરવા જઈ રહ્યાં છે.
રોબોટિક્સમાં ધ્યાનપૂર્વક ઇનવેસ્ટમેન્ટ
OpenAI હવે રોબોટિક્સ સ્ટાર્ટઅપમાં ખૂબ જ વિચારીને ઇનવેસ્ટ કરી રહ્યું છે. તેમની સહ-કંપની હેઠળ આ ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે. OpenAIની અન્ય કંપની ફિગર AIમાં જેફ બેઝોસ અને માઇક્રોસોફ્ટ દ્વારા ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. 1X ટેક્નોલોજીસ કંપની OpenAIની GPTના સિગ્નલને રોબોટમાં ટ્રાન્સફર કરવાની કામગીરી કરે છે. કંપની દ્વારા હાલમાં જ નવું ઇનવેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ ઇનવેસ્ટમેન્ટ ફિઝિકલ ઇન્ટેલિજન્સ પાછળ કરવામાં આવ્યું છે, જે મનુષ્ય જેવી ક્ષમતા ધરાવે છે.
OpenAIના રોબોટ્સ મેન્યુફેક્ચર અને લોજિસ્ટિકમાં કામ કરશે
OpenAI દ્વારા જે રોબોટ્સ બનાવવામાં આવી રહ્યાં છે, તે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને લોજિસ્ટિક્સ માટે ઉપયોગમાં લેવામાં આવી શકે છે. આ સમાચાર હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યાં છે, જો કે, OpenAI દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.
ઇલોન મસ્ક સાથે ટક્કર?
OpenAI દ્વારા હ્યુમન રોબોટ્સ બનાવવામાં આવી રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે, અને તેની સીધી ટક્કર ઇલોન મસ્ક સાથે હશે. ઇલોન મસ્કની કંપની પણ હ્યુમન રોબોટ્સ પર કામ કરી રહી છે. તેની કંપની દ્વારા રોબોટને ટ્રેઇન કરવાનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આથી, આ બન્ને કંપનીઓ વચ્ચેની ટક્કર જોવાજોગ રહેશે.