‘ચેટજીપીટી માટે ઇન્ડિયા સૌથી ઝડપથી વિકાસ થતું માર્કેટ છે’, આવું કહ્યું OpenAIના ચીફ ઓપરેટિંગ ઑફિસર બ્રેડ લાઇટકેપે
OpenAI COO Brad Amaze By India: OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન દ્વારા ભારતના વખાણ કર્યા બાદ, હવે એજ કંપનીના ચીફ ઓપરેટિંગ ઑફિસર બ્રેડ લાઇટકેપ દ્વારા પણ ઇન્ડિયાના વખાણ કરવામાં આવ્યા છે. બ્રેડના કહ્યા મુજબ, ચેટજીપીટી માટે ઇન્ડિયા ખૂબ જ ઝડપથી વિકસિત થતું માર્કેટ છે.
સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
જિબ્લી સ્ટુડિયો ટ્રેન્ડને લઈને ચેટજીપીટીનો દરેક દ્વારા ખૂબ જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિશે બ્રેડ લાઇટકેપે પોસ્ટમાં કહ્યું કે, ‘ચેટજીપીટીમાં ઇમેજ માટે છેલ્લું અઠવાડિયું ખૂબ જ અદ્ભુત રહ્યું છે. 130 મિલિયન યુઝર્સ દ્વારા 700 મિલિયનથી વધુ ઇમેજ જનરેટ કરવામાં આવી છે. ઇન્ડિયા હવે ચેટજીપીટી માટે સૌથી ઝડપથી વિકાસ થતું માર્કેટ છે. તેમની કોઈ પણ વસ્તુને જોવાની જે ક્રિએટિવિટી છે એ ખૂબ જ અદ્ભુત છે. યુઝર્સ જે ધીરજ રાખી રહ્યા છે, એ માટે અમે તેમના આભારી છીએ, કારણ કે અમે દરેક આ સર્વિસનો ઉપયોગ કરી શકે એવું ઇચ્છીએ છીએ. અમારી ટીમ આ માટે અથાક પ્રયત્ન કરી રહી છે.’
સેમ ઓલ્ટમેને પણ કર્યા હતા વખાણ
હાલમાં જ OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન દ્વારા પણ ભારતના વખાણ કરવામાં આવ્યા હતા. તેનું કહેવું હતું કે AIનો ઉપયોગ કરવામાં ભારતે દરેકને પાછળ છોડી દીધા છે. આ માટે તેણે પોતાનો ઇન્ડિયન ક્રિકેટ ટીમની ટીશર્ટ પહેરીને ફોટો પણ શેર કર્યો હતો. ભારતના યુઝર્સને ચેટજીપીટીનો વધુ ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી રહ્યો હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. ચેટજીપીટી માટે ભારત ખૂબ જ મોટું માર્કેટ છે અને એનો ખ્યાલ હવે દરેકને આવી ગયો છે. ભલે, ભારત દ્વારા હજી સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મોડલ તૈયાર કરવામાં ન આવ્યું હોય, પરંતુ એનો ઉપયોગ કરતાં દરેકને આવડે છે.
સમય મર્યાદા ઓછી થઈ
ચેટજીપીટીની ઇમેજ જનરેશન ફીચર માટે મર્યાદા લગાવી દેવામાં આવી હતી. પહેલાં ત્રણ ઇમેજ જનરેટ કરી શકાતી હતી, પરંતુ ત્યાર બાદ દિવસમાં એક જ ઇમેજ જનરેટ કરી શકાતી હતી. જોકે, હવે પરિસ્થિતિ થોડી કન્ટ્રોલમાં આવતાં, આ મર્યાદા કલાકો માટે લગાવવામાં આવી છે. યુઝર્સ હવે ચોક્કસ કલાકોમાં એક જ ઇમેજ જનરેટ કરી શકે છે.