એક જ મહિનામાં બીજી વાર ChatGPT બંધ: OpenAI અને એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતાં યુઝર્સમાં નારાજગી
ChatGPT Outage: OpenAIનું ChatGPT અને સોરા એક જ મહિનામાં બે વાર બંધ થયા છે. અગાઉ પણ OpenAIની સર્વિસ બંધ થઈ હતી અને એ એક મેજર આઉટેજ હતું. ઘણાં યુઝર્સને કામ કરવામાં તકલીફ પડી હતી. ધીમે-ધીમે હવે યુઝર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લઈ રહ્યાં છે. આથી આ સર્વિસ જ્યારે બંધ થાય ત્યારે તેઓ પોતાને નિસહાય સમજે છે. એક જ મહિનામાં બે વાર સર્વિસ બંધ થવાથી યુઝર્સ ખૂબ નારાજ થયા છે.
ચાર કલાકથી વધુ સમય માટે સર્વિસ બંધ
OpenAIની ChatGPT અને લેટેસ્ટ મોડલ સોરા બન્ને પર આ આઉટેજની અસર પડી હતી. આ સર્વિસ ગુરુવારે સવારે અગિયાર વાગ્યાની આસપાસ બંધ થઈ હતી અને બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ ફરી શરૂ થઈ હતી. જોકે સર્વિસ શરૂ થઈ હોવા છતાં યુઝર્સને એક્સેસ કરવામાં તકલીફ પડી રહી હતી. ઘણાં યુઝર્સને તેમની ચેટ હિસ્ટ્રી એક્સેસ કરવામાં તકલીફ પડી હતી. ચેટ હિસ્ટ્રી લોડ નથી થઈ રહી. ડિસેમ્બર મહિનામાં જ આ બીજી વાર સર્વિસ બંધ થઈ છે. પહેલી વાર સર્વિસ બંધ થઈ હતી ત્યારે તેને ફરી શરૂ કરવામાં છ કલાકનો સમય લાગ્યો હતો.
એપલ ઇન્ટેલિજન્સ પર પણ અસર
OpenAIના આ આઉટેજની અસર API પર પણ પડી છે. આ APIનો ઉપયોગ પર્પ્લેક્સિટી અને એપલ ઇન્ટેલિજન્સમાં સિરી કરે છે. આ બન્ને સર્વિસ પર પણ આઉટેજની અસર પડી હતી. આથી આઇફોન યુઝર્સ પણ એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સારી રીતે કરી શક્યા નથી.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામના રીલ્સમાંથી ઓડિયો નીકળી ગયો છે? આ રીતે સરળતાથી રિપ્લેસ કરો...
આઉટેજનું કારણ જણાવવામાં નથી આવ્યું
OpenAI દ્વારા તેમના સ્ટેટસ પેજ પર જણાવવામાં આવ્યું છે કે આ આઉટેજનું કારણ તેમની અપસ્ટ્રીમ પ્રોવાઇડર્સ હતા. જોકે તેમના દ્વારા શું થયું એ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. આ સાથે જ OpenAI દ્વારા આ આઉટેજની જવાબદારી પણ સ્વીકારવામાં આવી નથી. કારણ ગમે તે હોય, સર્વિસ ઉપલબ્ધ ન હોવાથી યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ્સ અને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.