અજાણી વ્યક્તિને ફોન કરવા માટે મોબાઇલ આપતા હોવ તો ચેતી જજો, બેંક ખાતું સફાચટ થઈ જશે
New Scam: આ સ્કેમ દ્વારા લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવામાં આવી રહ્યાં છે. થોડી જ મિનિટમાં આ સ્કેમ દ્વારા તમામ સેવિંગ્સ બેંક એકાઉન્ટમાંથી ગાયબ થઈ શકે છે. ટેક્નોલોજી જેમ જેમ વધી રહી છે તેમ તેમ નવા સ્કેમ પણ સામે આવી રહ્યા છે. ફાયનાન્શિયલ સર્વિસીસ કંપની ઝીરોધા દ્વારા હાલમાં જ એક નવા સ્કેમ વિશે લોકોને ચેતવવામાં આવ્યાં છે.
વધુ પડતાં સારા બનવાનું બંધ કરો
આજે રસ્તા પર કોઈ વ્યક્તિ મદદ માગે છે તો કોઈ પણ તેમને શક્ય હોય એટલી મદદ કરવા માટે તૈયારી દેખાડે છે. જોકે આ મદદ કરવાનો સ્વભાવ ઘણી વાર ભારે પડી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે સામેની વ્યક્તિ અજાણી હોય. માર્કેટમાં હાલમાં એક સ્કેમ ચાલી રહ્યો છે જેમાં એક વ્યક્તિ ફોન કરવા માગે છે. તેની બેટરી પૂરી થઈ ગઈ હોવાની એક્ટિંગ કરે છે અથવા તો કોઈ પણ રીતે ફોન નથી ચાલી રહ્યો હોવાનું કહી વ્યક્તિ પાસે એક ફોન કરવા માટે મોબાઇલ માગે છે. હવે એ વ્યક્તિને એક ફોન કરવામાં શું થઈ જવાનું એમ વિચાર આવે છે કે હવે તો અનલિમિટેડ કોલ ફ્રી છે. જોકે આ મદદ કરવી ભારે પડી શકે છે. આ રીતે મદદ કરવાથી બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. આ સ્કેમને ક્વીક કોલ ટ્રેપ કહેવામાં આવે છે.
ક્વીક કોલ ટ્રેપ શું છે
આ સ્કેમ માટે જ્યારે સ્કમેર્સ યુઝર પાસેથી મોબાઇલ માગે છે, ત્યારે તે તરત જ તેનું કામ શરૂ કરી દે છે. આ સ્કેમ ઘણી રીતે કરવામાં આવે છે. યુઝરના મોબાઇલમાં કોઈ એપ્લિકેશન નાખી એને હેક પણ કરવામાં આવી શકે છે. આ સ્કેમર્સ Gpay, Paytm અને PhonePe જેવી પેમેન્ટ એપ્લિકેશનને એક્સેસ કરી શકે છે. તેઓ મોબાઇલના સેટિંગ્સ પણ બદલી શકે છે, જેને કારણે યુઝરનો મોબાઇલ થર્ડ પાર્ટી એક્સેસ કરી શકે છે. આ રીતે તેઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બેંક એપ્લિકેશનના પાસવર્ડ પણ બદલી શકવામાં સફળ રહી શકે છે. જોકે સૌથી કોમન સ્કેમ વન ટાઇમ પાસવર્ડનો થાય છે. એક વ્યક્તિ આ નંબર પરથી ફોન કરે છે અને એ નંબર પરથી જેને ફોન કરવામાં આવ્યો હોય એ વ્યક્તિને ક્રેડિટ કાર્ડ નંબર મળી ગયો તો એના પરથી શોપિંગ કરી શકે છે. આ માટે વન ટાઇમ પાસવર્ડ આવે છે. જોકે આ પાસવર્ડ એ સ્કેમ કરનાર વ્યક્તિને મળી શકે છે કારણ કે મોબાઇલ એના હાથમાં જ હોય છે. આથી મોબાઇલ કોઈને એક સેકન્ડ માટે પણ આપવો એમાં ઘણું બધું થઈ શકે છે.
આ પણ વાંચો: ગૂગલ પર એક પછી એક વધી રહી છે મુશ્કેલીઓ : અમેરિકા બાદ હવે યુકે પણ કરશે સર્ચ સર્વિસની તપાસ
કેવી રીતે બચશો આ પ્રકારના સ્કેમથી?
• મોબાઇલ ફોન ન આપો: પહેલાં તો કોઈને પણ મોબાઇલ ફોન કરવા માટે આપવાનું ટાળવું.
• લાઉડ સ્પીકર પર વાત કરાવો: જો એટલી જ મદદ કરવાની ઇચ્છા થતી હોય તો પોતે નંબર ડાયલ કરવો અને લાઉડ સ્પીકર પર વાત કરાવવી.
• ફોનના સેટિંગ્સ ચેક કરો: થોડા-થોડા દિવસે ફોનના સેટિંગ્સને ચેક કરતાં રહેવું.
• એપ્લિકેશન લિસ્ટ ચેક કરો: એપ્લિકેશન લિસ્ટમાં જઈને કેટલી એપ્લિકેશન ઇન્સ્ટોલ છે એ જોતા રહેવું.
• વન-ટાઇમ-પાસવર્ડ શેર ન કરો: કોઈ પણ દિવસ વન-ટાઇમ-પાસવર્ડ કોઈની સાથે પણ શેર નહીં કરવો.