Get The App

અંગ્રેજી કેલેન્ડરમાંથી એકવાર 11 દિવસ ગાયબ થઈ ગયા હતા, જાણો આ કેલેન્ડરનો આશ્ચર્યજનક ઇતિહાસ

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
અંગ્રેજી કેલેન્ડરમાંથી એકવાર 11 દિવસ ગાયબ થઈ ગયા હતા, જાણો આ કેલેન્ડરનો આશ્ચર્યજનક ઇતિહાસ 1 - image


English Calendar Surprising history: આજે 1 જાન્યુઆરી, 2025. નવા વર્ષનો પ્રારંભ. દુનિયાના મોટાભાગના દેશો જે ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરે છે, એના હિસાબે આજથી નવું વર્ષ શરુ થયું છે. આખરે એમાં એવું શું ખાસ છે કે આખી દુનિયા એના પર વિશ્વાસ કરે છે, એનો વપરાશ કરે છે? ચાલો આજે ડૂબકી મારીએ આ કેલેન્ડરના ઇતિહાસમાં.

સર્વસ્વીકૃત છતાં ખામીરહિત નથી ગ્રેગોરિયન કેલેન્ડર

દુનિયાના તમામ કેલેન્ડરોમાં મહત્તમ ઉપયોગ ગ્રેગોરિયન કેલેન્ડરનો જ થતો હોવાથી સ્વાભાવિકપણે એવું માનવાનું મન થાય કે આ કેલેન્ડર ખામીરહિત હશે, તો જ આટલી સ્વીકૃતિ પામ્યું છે. પણ એ ખ્યાલ ભૂલભરેલો છે. જાણીને નવાઈ લાગે એવી વાત છે કે, ગ્રેગોરિયન કેલેન્ડર બનાવવા માટે 11 દિવસનો ભોગ લેવાયો હતો, આખેઆખા 11 દિવસ ગાયબ કરી દેવાયા હતા!

આ પણ વાંચો: 1 જાન્યુઆરી 2025થી જન્મેલા બાળકોને જનરેશન બીટા કહેવાશે, જાણો જનરેશનનો ઇતિહાસ

અંગ્રેજી ગણાતું કેલેન્ડર અંગ્રેજોનું નથી

પ્રાચીન કાળમાં કોઈ એક કેલેન્ડર સર્વસ્વીકૃત નહોતું બન્યું. ‘જીસકી લાઠી ઉસકી ભેંશ’ને ન્યાયે શક્તિશાળી શાસકો પોતાની ઇચ્છા મુજબના કેલેન્ડર ચલાવતા રહ્યા. વધુ વપરાશમાં આવેલું પ્રથમ કેલેન્ડર હતું રોમન સામ્રાજ્યનું ‘રોમન કેલેન્ડર’, પણ તે ખૂબ જટિલ હોવાથી રોમન શાસક જુલિયસ સીઝરે તેને બદલીને ‘જુલિયન કેલેન્ડર’ રજૂ કર્યું, જે ગ્રેગોરિયન કેલેન્ડરનું મૂળ ગણાય છે. તેથી એમ કહી શકાય કે અંગ્રેજોએ દુનિયાભરમાં ફેલાવેલું ગ્રેગોરિયન કેલેન્ડર હકીકતમાં અંગ્રેજોની દેણ નથી, પણ રોમન સામ્રાજ્યની ભેટ છે.

જુલિયન કેલેન્ડરમાં આ ખામી હતી

જુલિયન કેલેન્ડરમાં એક વર્ષ 365.25 દિવસનું હતું. જોકે, વાસ્તવમાં સૌર વર્ષ મુજબ એક વર્ષ 365.24219 દિવસનું થતું હોવાથી, જુલિયન કેલેન્ડર મુજબના 128 વર્ષમાં એક દિવસનો તફાવત રહી જતો હતો. જુલિયન કેલેન્ડર યુરોપમાં સદીઓ સુધી ચાલ્યું હોવાથી 15મી સદી આવતા સુધીમાં આ તફાવત 11 દિવસનો થઈ ગયો હતો.

આ રીતે કેલેન્ડરમાંથી 11 દિવસ ગાયબ કરી દેવાયા

11 દિવસનો ખાડો પૂરવો જરૂરી હતો, કેમ કે એના લીધે મોસમ અને કેલેન્ડરની તારીખો વચ્ચે મેળ નહોતો બેસતો. તેથી 1582માં રોમના પોપ ગ્રેગરી 13માએ કેલેન્ડરમાં સુધારો કર્યો. જુલિયન કેલેન્ડરમાં જે દિવસે 4 ઑક્ટોબર, 1582ની તારીખ હતી એના પછીના દિવસે સીધી 15 ઓક્ટોબર, 1582ની તારીખ જાહેર કરી દેવાઈ! સીધો 11 દિવસનો કૂદકો! એ સાથે જ કેલેન્ડરનું નામ પણ બદલીને ગ્રેગોરિયન કેલેન્ડર કરી દેવાયું.

એ કૂદકો સુવિધાજનક હતો

16મી સદીમાં યુરોપની પ્રજા દ્વારા દુનિયાભરમાં ફેલાઈ જવાનું ચલણ વધી ગયું હતું. તેઓ આફ્રિકા, એશિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં વસાહતો બનાવવા લાગ્યા હતા, આખેઆખા દેશો પર કબજો પણ જમાવવા લાગ્યા હતા. ખ્રિસ્તી ધર્મગુરુઓ પણ એમના ધર્મના ફેલાવા માટે અન્ય દેશોમાં સ્થાયી થવા લાગ્યા હતા. વહાણવટાને પ્રતાપે દેશો વચ્ચે વ્યાપાર-વિનિમય પણ વધવા લાગ્યો હતો. આ બધા કારણસર એક એવા કેલેન્ડરની જરૂર હતી જે એકસમાન તારીખો અનુસરતું હોય. તેથી, ખામીરહિત ન હોવા છતાં ગ્રેગોરીયન કેલેન્ડર મોટાભાગના દેશોએ અપનાવી લીધું હતું. 11 દિવસનો કૂદકો પણ એ જ કારણસર સ્વીકારી લેવાયો. 18મી અને 19મી સદી સુધીમાં તો ગ્રેગોરિયન કેલેન્ડરની સ્વીકૃતિ ઔર વધી ગઈ.

ભારતમાં ગ્રેગોરિયન કેલેન્ડર કઈ રીતે આવ્યું?

અંગ્રેજો ગ્રેગોરિયન કેલેન્ડર ભારતમાં લાવ્યા હતા અને 1752માં તેને અમલમાં મૂક્યું હતું. જેમ જેમ તેઓ દેશના વિસ્તારો પર કબજો કરતા ગયા, તેમ તેમ ત્યાં આ કેલેન્ડર અમલી બનાવતા ગયા. આ રીતે દેશમાં ગ્રેગોરિયન કેલેન્ડરનો ફેલાવો વધ્યો હતો.

અંગ્રેજો ગયા પણ કેલેન્ડર છોડી ગયા

વ્યાપારના કારણે ભારત આવીને દેશ પર કબજો જમાવી લેનારા અંગ્રેજોએ સમયની સરળતા માટે તમામ સરકારી કામોમાં ગ્રેગોરીયન કેલેન્ડરને અનુસરવાનું શરુ કર્યું હતું. દેશની પ્રજા એનાથી ટેવાઈ ગઈ. આઝાદી પછી અંગ્રેજી કેલેન્ડર ચાલુ રાખવાને બદલે હિન્દુ કેલેન્ડર અપનાવવા અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી. તેથી ભારત સરકારે ગ્રેગોરિયન કેલેન્ડરની સાથેસાથે હિંદુ કેલેન્ડર એવું ‘વિક્રમ સંવત’ પણ અપનાવી લીધું, પરંતુ સરકારી કામકાજ તો ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ જ ચાલતું રહ્યું.

ગ્રેગોરિયન કેલેન્ડરની ખામીઓ

1. લાંબે ગાળે નડતું લીપ યર

દર ચાર વર્ષે ફેબ્રુઆરીમાં ૨૮ ને બદલે ૨૯ દિવસો આવે છે, એ સૌને ખબર છે. એ કહેવાય છે લીપ યર. ગ્રેગોરિયન કેલેન્ડરમાં 365 દિવસ છે, પરંતુ પૃથ્વીનું વર્ષ લગભગ 365.2422 દિવસ લાંબુ હોવાથી એને સંતુલિત કરવા માટે દર ચોથા વર્ષે એક દિવસ (લીપ ડે) ઉમેરવામાં આવે છે. અલબત્ત, આ વ્યવસ્થા પણ સંપૂર્ણપણે સચોટ નથી. નાના તફાવતોને સંતુલિત કરવા માટે દર 400 વર્ષે એક લીપ વર્ષ દૂર કરવું પડે છે.

આ પણ વાંચો: 2024માં ટેક ઇન્ડસ્ટ્રીમાં થયેલા દુનિયાભરના ટોપ ટેન આઉટેજ પર એક નજર...

2. અઠવાડિયા અને મહિનાઓ વચ્ચે તાલ નથી

અઠવાડિયાના 7 દિવસ અને મહિનાના 28થી 31 દિવસ વચ્ચે કોઈ તાલ નથી. એને લીધે દરેક મહિનાના પ્રથમ દિવસે અને અઠવાડિયાના પહેલા દિવસે કોઈ એક ચોક્કસ વાર આવતો નથી. આવે એ સ્થિતિ આદર્શ કહેવાય. ગ્રેગોરિયન કેલેન્ડર આ મુદ્દે પણ કાચું પડે છે.

3. મહિનાઓની લંબાઈ પણ વ્યવહારુ નથી

ગ્રેગોરિયન કેલેન્ડરના મહિનાઓના દિવસોની સંખ્યા અસમાન છે, જેને લીધે ચોક્કસ યોજનાઓ બનાવવામાં મુશ્કેલી ઊભી થાય છે. આપણે જન્મથી જ ગ્રેગોરિયન કેલેન્ડરનો વપરાશ કરતાં હોવા છતાં ઘણીવાર મહિનાના દિવસોની ગણતરીમાં ભૂલ કરીએ છીએ, એ આ કેલેન્ડરની ખામીને લીધે. મહિનાના દિવસોની અસમાનતા આ કેલેન્ડરને ઓછું વ્યવહારુ બનાવે છે.

4. સૌર વર્ષ સાથે એકરૂપતા નથી

ગ્રેગોરિયન કેલેન્ડર સૌર વર્ષ(ઉષ્ણકટિબંધીય વર્ષ)ની નજીક છે, પરંતુ બરાબર મેળ ખાતું નથી. આ કેલેન્ડર લાંબા ગાળે નાના તફાવતોનું કારણ બને છે.

5. કેલેન્ડરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતા નથી

ગ્રેગોરિયન કેલેન્ડર મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પર આધારિત છે. તે અન્ય ધર્મો અને સંસ્કૃતિઓના કેલેન્ડરને ઓછું પ્રાધાન્ય આપે છે, જેને લીધે કેટલાક સમુદાયો તેને સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતા માટે અપૂરતું માને છે.

6. ‘શૂન્ય વર્ષ’નો અભાવ પણ નડે છે

ગ્રેગોરિયન કેલેન્ડરમાં કોઈ ‘શૂન્ય વર્ષ’ નથી, જેને લીધે ઈસવીસન પૂર્વે (BC) અને ઈસવીસન પછી (AD) વચ્ચેની ગણતરીમાં મુશ્કેલી ઊભી થાય છે. ખગોળશાસ્ત્રીઓ અને ગણિતશાસ્ત્રીઓ તેમના ક્ષેત્રની સચોટ ગણતરીઓ કરવા માટે ‘શૂન્ય વર્ષ’નો ઉપયોગ કરતા હોય છે. ‘શૂન્ય વર્ષ’ હોય તો કાળખંડોની ગણતરીમાં ઘણી સરળતા આણી શકાય એમ છે.

ગ્રેગોરિયન કેલેન્ડરમાં સૂચવાયેલા સુધારા

ગ્રેગોરિયન કેલેન્ડરમાં રહેલ ખામીઓને દૂર કરવા માટે સમયાંતરે સુધારા સૂચવાતા રહ્યા છે, જેમ કે,

1. દરેક મહિનાના દિવસો એકસમાન કરી દો. પ્રાસ્તાવિક આંકડો 30 દિવસ છે. બાકીના દિવસો ‘એડજસ્ટ’ કરો.

2. પ્રત્યેક વર્ષ એક નિશ્ચિત તારીખ અને વારથી શરુ થાય એવું કરો.

3. ગ્રેગોરિયન કેલેન્ડરને સદંતર પડતું મૂકીને સૌર અથવા ખગોળીય ઘટનાઓ પર આધારિત ‘સાયન્ટિફિક કેલેન્ડર’ અપનાવી લો, કેમ કે ગમે એટલી મથામણ કરશો તોય ગ્રેગોરિયન કેલેન્ડર ‘પરફેક્ટ’ તો નથી જ બનવાનું.


Google NewsGoogle News