હવે છઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીઓ શીખશે કોડિંગને એઆઈના પાઠ

Updated: May 7th, 2023


Google NewsGoogle News
હવે છઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીઓ શીખશે કોડિંગને એઆઈના પાઠ 1 - image


બારમા ધોરણનાં જેઇઇ, ગુજસેટ, ગુજરાત બોર્ડ વગેરેનાં પરિણામો આવી ગયાં છે અને વિવિધ કોલેજમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થવામાં છે ત્યારે, તમે વિવિધ કોલેજના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ભાગ લેશો તો એક ‘નવી’ વાત જાણવા મળશે - એન્જિનીયરિંગની બધી શાખાઓમાં હવે કોડિંગ સ્કિલ્સને મહત્ત્વ અપાવા લાગ્યું છે! ‘નવી’ શબ્દો અવતરણમાં લખવાનું કારણ એટલું જ કે આ વાત આપણે માટે નવી હોઈ શકે છે, પણ આ ક્ષેત્રના અભ્યાસુઓ અને નિષ્ણાતો લાંબા સમયથી કોડિંગ શીખવાના મહત્ત્વ પર ભાર આપી રહ્યા છે, એ પણ બાળપણથી જ. કોડિંગ સ્કિલ્સ માત્ર કમ્પ્યૂટર સાયન્સમાં જ નહીં, અન્ય સ્ટ્રીમ્સમાં પણ ઉપયોગી થઈ શકે છે, કેમ કે તે વિદ્યાર્થીને વિવિધ બાબતો અને સમસ્યાઓનું એનાલિસિસ કરતાં ને પ્રોબ્લેમ સોલ્વ કરતાં શીખવે છે.

એટલે હવે સમાચાર છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) હવે છેક ધોરણ ૬ અને તેનાથી ઉપલાં ધોરણોમાં કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના પાઠ શીખવવાનું શરૂ કરશે! નવી શિક્ષણ નીતિ (૨૦૨૦)માં સ્કિલ એટલે કે આવડત આધારિત શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આઠમા ધોરણમાં વિદ્યાર્થીઓને ડેટા સાયન્સનો પરિચય કરાવવામાં આવશે! બોર્ડે જે ૩૩ નવા વિષય રજૂ કર્યા છે તેમાં એઆઇ, કોડિંગ, ડેટા સાયન્સ ઉપરાંત ઓગમેન્ટેડ રિયાલિટી, એપ્લિકેશન ઓફ સેટેલાઇટ્સ જેવા વિષયો પણ સામેલ છે. એ પણ મહત્ત્વનું છે કે આ વિષયો શીખવતી વખતે ૭૦ ટકા સમય હેન્ડ્સ-ઓન એક્ટિવિટી અને ૩૦ ટકા થિયરીને ફાળવવામાં આવશે! અને, કોડિંગ માટેનો અભ્યાસક્રમ માઇક્રોસોફ્ટ તૈયાર કરશે!

જો તમે બારમા ધોરણને ઓળંગીને કોઇ પણ એન્જિનીયરિંગ ફીલ્ડમાં જવા થનગની રહ્યા હો તો કોલેજ શરૂ થવાને હજી ઓછામાં ઓછા બે મહિનાનો સમય છે - ઇન્ટરનેટ પર કેટલીય સાઇટ્સ પર ફ્રી ઓનલાઇન કોર્સ કરીને કોઈ કોડિંગ લેંગ્વેજનો પરિચય મેળવી શકો છો - બે ફાયદા થશે, એક કોડિંગ શીખવા મળશે અને બીજો, ઓનલાઇન કોર્સિસ કેવી રીતે કન્ડક્ટ થાય છે તેનો પરિચય મળશે. આવનારા સમયમાં, જે વિદ્યાર્થી કોલેજની સાથોસાથ ઓનલાઇન કોર્સ કરશે તે ચોક્કસ બીજાથી આગળ રહેશે.


Google NewsGoogle News