હવે પ્લેનની વિન્ડો અને ડિવાઈડર્સમાં પણ સ્માર્ટ ગ્લાસ !
આપણે અમદાવાદ એરપોર્ટ પરથી કોઈ ફ્લાઇટમાં ટેકઓફ કરીએ, એ સાથે વિમાન હળવો વળાંક લે અને નસીબજોગે આપણને વિન્ડો સીટ મળી હોય તો
બારીમાંથી નીચે સાબરમતી નદી અને નર્મદા કેનાલનાં સુંદર દૃશ્યો જોવા મળે. હવે
કલ્પના કરો કે આપણે બારીમાંથી નર્મદા કેનાલ જોઈ રહ્યા હોઈએ, એ સાથે એન્જિનિયરિંગ માર્વેલ કેનાલ નેટવર્કની મહત્ત્વની વિગતો બારીના કાચ પર જ
વાંચવા મળે તો? કલ્પના આગળ વધારીને પ્લેનની
વિન્ડોમાંથી દેખાતા સિડનીના ઓપેરા હાઉસ કે પેરિસના એફિલ ટાવરની કલ્પના કરી જુઓ - એ
સુંદર દૃષ્યોની સાથે તેની માહિતી વિન્ડોના ગ્લાસ પર ઝબકે તો કેવી મજા પડી જાય?
આ ફક્ત કલ્પનાની વાત નથી. આપણાં ચશ્માના ગ્લાસ બનાવતી ઝીસ (Zeiss - જર્મન કંપની છે, નામના ઉચ્ચારમાં ભૂલ
લેવીદેવી!) કંપની જર્મનીમાં એપ્રિલ ૮ થી ૧૦ યોજાઈ રહેલા એરક્રાફ્ટ ઇન્ટિરિયર્સ
એકસ્પોમાં આવી સ્માર્ટ ગ્લાસ ધરાવતી વિન્ડો રજૂ કરી રહી છે. આપણે ભલે આ કંપનીને
ચશ્માના ગ્લાસ માટે ઓળખતા હોઈએ, એ અમેરિકન નાસા અને યુરોપિયન
સ્પેસ એજન્સીને વર્ષોથી હાઇ-ગ્રેડ ગ્લાસ કોમ્પોનન્ટ્સ પૂરાં પાડે છે.
હવે આ કંપની સ્પેસક્રાફ્ટ ઉપરાંત એરપ્લેન પર ફોકસ કરી રહી છે. પ્લેનની વિન્ડો
ઉપરાંત, વિવિધ સેક્શન્સનાં ડિવાઇડર્સ
પણ આવાં સ્માર્ટ ગ્લાસથી સજ્જ કરવાની તેની યોજના છે (આપણી મેટ્રોમાં આવી પેનલ પર
સ્થિર નક્શા હોય છે તેવું કંઈક, પણ લાઇવ ઇન્ફર્મેશન સાથે!). આ
ગ્લાસમાં ટચ સેન્સર્સ હશે અને તેને કારણે મુસાફરો હળવા સ્પર્શ સાથે ગ્લાસ પરની
ઇન્ફર્મેશન બદલી શકશે.
કંપની માને છે કે પ્લેનમાં ફિઝિકલ
ડિવાઇડર્સની જગ્યાએ સ્માર્ટ ગ્લાસનો ઉપયોગ કરવાથી પ્લેનનું ઓવરઓલ વજન ઘટશે અને
તેથી ફ્લુઅલની પણ બચત થશે!