માણસે પૃથ્વી બાદ હવે મંગળ પણ ગંદો કરવા માંડ્યો, 7000 કિલો કચરો જમા થયો છે
નવી દિલ્હી,તા.24 સપ્ટેમ્બર 2022,શનિવાર
માણસોના પગલા જ્યાં જ્યાં પડે છે ત્યાં કચરો પણ જમા થવા માંડતો હોય છે.
માનવજાતની આ આદતમાંથી મંગળ ગ્રહ પણ બચી શક્યો નથી. છેલ્લા પચાસ વર્ષથી મંગળ પર પગ મુકવા આતુર ધરતીના લોકોએ એ પહેલા જ મંગળ પર 7000 કિલો કચરો ફેલાવી દીધો છે.
સંશોધકોના કહેવા પ્રમાણે આ કચરામાં હાર્ડવેર, ખરાબ થઈ ગયેલા સ્પેસ ક્રાફ્ટ કે જે મંગળ પર ક્રેશ થઈ ગયા હતા તેનો સમાવેશ થાય છે. ખાસ કરીને રશિયાના માર્સ ઓર્બિટર ટુ તેમાં સામેલ છે. આ યાને 1971માં મંગળ પર ક્રેશ લેન્ડિંગ કર્યુ હતુ.
વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીના સંશોધક કાગરી કિલિકે મંગળ ગ્રહના કરેલા એનાલિસિસ બાદ તારણ કાઢ્યુ છે કે, મંગળ પર 7000 કિલો કચરો જમા થયો છે. આમ માણસ માત્ર પૃથ્વી પર જ નહીં પણ મંગળ પર પણ પ્રદુષણ ફેલાવી રહ્યો છે. આ પ્રદુષણના કારણે નાસાના રોવર દ્વારા એકઠા કરાયેલા નમૂનામાં પણ ભેળસેળ થવાનુ જોખમ છે.
નાસાના રોવરે મંગળ પર ફેલાયેલા કચરાની તસવીરો પણ ખેંચી છે. રોવરને નાસાના એક હિસ્સામાંથી આવતા રહસ્મયપ્રકાશની ભાળ મેળવવા મોકલવામાં આવ્યુ હતુ અને રોવરે જ્યારે તેની તસવીર ખેંચી ત્યારે ખબર પડી હતી કે, આ થર્મલ બ્લેન્કેટનો પ્રકાશ છે. જેનો ઉપયોગ લેન્ડિંગ વખતે ઉંચા તાપમાનથી સ્પેસ ક્રાફ્ટને બચાવવા માટે કરવામાં આવ્યો હતો.
મંગળ પર સંખ્યાબંધ ખરાબ થઈ ચુકેલા રોબોટનો કાટમાળ પણ વેરાયેલો છે.