165 વર્ષ બાદ સૂર્યમાંથી ઉદભવેલું વિદ્યુત ચુંબકીય તોફાન પૃથ્વી સાથે ટકરાયું, રેડિયો બ્લેકઆઉટની ભીતિ
Solar Storm news | સૂર્યની વિરાટ થાળીમાંથી બહાર ફેંકાયેલા વિદ્યુત ચુંબકીય તોફાન(જીઓમેગ્નેટિક સ્ટોર્મ)ની પ્રચંડ થપાટ પૃથ્વીને ૨૦૨૪ની ૧૦,મે, શુક્રવારે સાંજે વાગી છે. અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન(એન.ઓ.એ.એ.-નોઆ- વોશિંગ્ટન)નાં સૂત્રોએ એવી ગંભીર ચેતવણી જાહેર કરી છે કે સૂર્યમાંથી બહાર ફેંકાયેલા વિદ્યુત ચુંબકીય તોફાનની ભયંકર થપાટથી પૃથ્વીના ઘણા દેશમાં રેડિયો બ્લેેક આઉટ(સંદેશા વ્યવહાર,ટેલિવિઝન પ્રસારણ, વીજળી પુરવઠો ખોરવાઇ જાય. આકાશમાં ઘુમતા સેટેલાઇટસ વગેરેને ભારે નુકસાન થાય) સર્જાવાની પૂરી શકયતા છે.
નોઆના સિનિયર વિજ્ઞાાની રોબ સ્ટીનબર્ગે એવી માહિતી પણ આપી છે કે આ વિદ્યુત ચુંબકીય સૌર તોફાન - જી ૫- પ્રકારનું છે. જી -૫ ની શ્રેણીનું સૌર તોફાન સૌથી વિનાશક ગણાય છે. આ જ પ્રકારના સૌર તોફાનની ભયંકર અસર ૨૦૦૩માં પણ પૃથ્વીને થઇ હતી. તે વખતે સ્વિડન અને સાઉથ આફ્રિકામાં વીજળી પુરવઠો સદંતર ખોરવાઇ ગયો હતો. બંને દેશના પાવર ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થયું હતું.
હવે બે દાયકા બાદ ફરીથી - જી ૫ -પ્રકારના ભારે વિનાશક ગણાતા સૌર તોફાનની અસરથી અમેરિકાના અલાબામા, કેલિફોર્નિયા સહિત પૃથ્વીના વિવિધ દેશમાં નોર્ધન લાઇટ્સ(આકાશમાંથી ઉતરતા વિવિધ રંગી વિશાળ પટ્ટા) જોવા મળે છે.
આ સૌર તોફાનની અસર ભારતના લદાખના હેન્લે ગામના આકાશમાં પણ ૧૦,મેની મધરાતે બરાબર ૧ : ૦૦ વાગે લાલ રંગી વિશાળ પટ્ટા જોવા મળ્યા છે.હેન્લેમાં ભારત સરકારે હેન્લે ડાર્ક સ્કાય રિઝર્વ વેધશાળા શરૂ કરી છે.
અત્યારસુધીમાં સૌથી વધુ વિનાશક કહી શકાય તેવું સૌર તોફાન આજથી ૧૬૫ વર્ષ પહેલાં એટલે ૧૮૫૯માં રેકોર્ડ થયું છે. તે વખતે અમેરિકાના અને હવાઇ ટાપુના ગગનમાં લાલ,પીળા,ભૂરા રંગના વિશાળ પટ્ટા જોવા મળ્યા હતા.
નોઆનાં સૂત્રોએ તો એવી ચેતવણી પણ આપી છે કે સૂર્યનારાયણ અતિ અતિ ક્રોધે ભરાયા છે. સૂર્યમાં ભારે રહસ્યમય ખળભળાટ થઇ રહ્યો છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ ૨૦૨૪ની ૪,૫ મે એ સૂર્યમાં થતા ભયંકર ખળભળાટની ઇમેજીસ લીધી છે.હવે સૌર તોફાનની પ્રચંડ થપાટ પૃથ્વીને વાગી છે ત્યારે તેની સીધી અને અતિ વ્યાપક અસર પૃથ્વીના વાતાવરણના ઉપરના પટ્ટામાં થવાની પૂરી શક્યતા છે.પરિણામે આ વિદ્યુત ચુંબકીય તોફાનમાંની ઉર્જાનો વિપુલ અને ભારે તોફાની જથ્થો પૃથ્વીના સમગ્ર વાતાવરણમાં પણ ખળભળાટ મચાવે તેવી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ શકે છે.
૨૦૨૪ની ૨૪,માર્ચ,રવિવારે સૂર્યની વિરાટ થાળી પરથી ફેંકાયેલા જી-૪ ક્લાસ પ્રકારનાં વિદ્યુત ચુંબકીય તોફાન(જીઓમેગ્નેટિક સ્ટોર્મ)ની અસર પૃથ્વીના વાતાવરણમાં થઇ હતી.પરિણામે પૃથ્વીના વાતાવરણમાં જબરદસ્ત વિસ્ફોટ થયા હતા. ભારે મોટો ખળભળાટ થયો હતો.
૨૦૨૪ની ૪,જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયાના અને પેસિફિક મહાસાગરના ઘણા વિસ્તારોમાં રેડિયો બ્લેકઆઉટ થઇ ગયો હોવાના ચિંતાજનક સમાચાર મળે છે.
રેડિયો બ્લેકઆઉટને કારણે ઓસ્ટ્રેલિયાના અને પેસિફિક મહાસાગરના વિસ્તારમાં સંદેશા વ્યવહાર, ટેલિવિઝન પ્રસારણ, વીજળી પુરવઠો વગેરેમાં મોટો અવરોધ સર્જાયો હતો. આ અવરોધ લગભ ૩૦ કરતાં વધુ મિનિટ સુધી સર્જાયો હોવાનું જાણવા મળે છે.
ગઇ ૨૦૨૩ની ૧૪ ડિસેમ્બરે પણ એક્સ-૨.૮ પ્રકારની પ્રચંડ સૌર જ્વાળાની થપાટને કારણે સાઉથ અમેરિકાના અને પેસિફિક મહાસાગરના વિસ્તારોમાં રેડિયો બ્લેકઆઉટ સર્જાયો હતો. ૨૦૧૯માં ફેંકાયેલી સૌર જ્વાળા બાદ ૧૪,ડિસેમ્બરની આ સૌર જ્વાળા સૌથી શક્તિશાળી હતી.એક્સ-૨.૮ પ્રકારની તે સૌર જ્વાળા સૂર્યમાં સર્જાયેલા - એઆર/૩૫૧૪ સંજ્ઞાાવાળા સૂર્ય કલંકમાંથી બહાર ફેંકાઇ હતી.
હાલ સૂર્યની ૨૫મી સોલાર સાયકલ(જેને સોલાર સાયકલ કહેવાય છે) શરૂ થઇ હોવાથી હાઇડ્રોજન અને હિલિયમના આ વિરાટ ગોળામાં ભયાનક ગતિવિધિ થઇ રહી છે. ખાસ કરીને સૂરજની વિરાટ થાળી પરથી મોટાં કદનાં સૂર્ય કલંકો(સન સ્પોટ્સ) સર્જાઇ રહ્યાં છે.
નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓ તેમના બહોળા સંશોધનાત્મક અભ્યાસના આધારે કહે છે
કે સોલાર ફ્લેરમાં વિપુલ પ્રમાણમાં કિરણોત્સર્ગ(રેડિયેશન) હોય છે. આ જ રેડિયેશન પૃથ્વીના વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર સાથે અતિ તીવ્રતાથી ટકરાય ત્યારે પૃથ્વીના વાતાવરણમાં ભયંકર તોફાન સર્જાય છે. સૂર્યમાં થતી આ ભયંકર ગતિવિધિને કોરોનલ માસ ઇજેક્શન(સીએમઆઇ) કહેવાય છે.વળી, સૂર્યમાં થતા આવા પ્રચંડ તોફાનને કારણે પૃથ્વીના વાતાવરણમાં પણ અતિ તીવ્ર અસર થાય છે જેને સ્પેસ વેધર કહેવાય છે.