'માનવ લોહીમાં ભળતા માઈક્રોપ્લાસ્ટિકની આરોગ્ય પર અસરનો અહેવાલ બનાવવા NGTનો આદેશ
પ્રદૂષણથી પ્રજાને બચાવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશ
માનવના મળમાં, લાળમાં, આંતરડાં, ફેફસાંમાં પણ પ્લાસ્ટિકના અતિબારીક કણ હોવાનું અભ્યાસમાં બહાર આવ્યું
Image: Representative Image |
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
માનવ શરીરમાં જોવા મળી રહેલા માઈક્રોપ્લાસ્ટિકના કણોની માનવ આરોગ્ય પર કેવી કેવી અસરો પડી રહી છે તેનો વિગતવાર સંશોધન આધારિત અહેવાલ બનાવીને રજૂ કરવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આદેશ કર્યો છે. તેની શારીરિક અને માનસિક અસરનો વિગતો શોધી કાઢવા જણાવવામાં આવ્યું છે. જળ, જમીન અને જંગલને પ્રદૂષિત કરીને માનવ આરોગ્ય સામે જોખમ ખડું કરતાં એકમોને કારણે માનવ શરીરમાં વહેતા લોહીમાં માઈક્રો પ્લાસ્ટિકના કણો હોવાનું બહાર આવ્યું છે.
આહાર અને પાણીના માધ્યમથી માઈક્રોપ્લાસ્ટિક લોહીમાં ભળે છે
માનવ શરીરમાંના લોહીમાં પ્લાસ્ટિકના બારીક કણો હોવાનું જોવા મળી રહ્યું હોવાની હકીકતને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા રચવામાં આવેલી કમિટીએ સમર્થન આપ્યા પછી પ્રસ્તુત આદેશ આપવામાં આવ્યો છે. આહાર અને પાણીના માધ્યમથી માઈક્રોપ્લાસ્ટિકના બારીક કણો લોહીના કોશમાં ભળી રહ્યા છે. તેને કારણે માનવ આરોગ્ય સામેનું જોખમ વધી રહ્યું છે. શ્વાસ વાટે પણ માનવ શરીરમાં હેવી મેટલ્સ પ્રવેશી રહી છે. લેન્ડફિલ સાઈટ્સમાંથી જમીનમાાં ઝમતાં પાણીને કારણે પણ માનવ શરીરમાંના લોહીમાં માઈક્રોપ્લાસ્ટિકના કણો વધી રહ્યા છે. આ અંગે અભ્યાસ કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્લુનલે એક કમિટીની રચના કરી હતી. તેમાં કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી અને એનસીએસસીએમ તથા અન્ય નિષ્ણાતો ધરાવતી સંસ્થાઓને કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ કમિટીએ તપાસ કરીને માનવ લોહીમાં માઈક્રોપ્લાસ્ટિકના કણો પ્રવેશી રહ્યા હોવાની વાત સાચી હોવાનો રિપોર્ટ આપ્યો હતો. માનવ લાળમાં, લોહીલ આંતરડા, ફેફસામાં પણ પ્લાસ્ટિકના અતિબારીક કણ હોવાનું અભ્યાસમાં બહાર આવ્યું છે. પ્રદૂષિત પાણી પીવાને કારણે, ગટરમાં પ્લાસ્ટિક નાખવાને કારણે, ગંદાપાણીને ટ્રીટ કરવા માટેના પ્લાન્ટમાં પ્લાસ્ટિકના બારીક કણોને અલગ પાડવાની વ્યવસ્થા જ ન હોવાથી તથા સપાટી પર વહી જતાં પાણી સાથે વહેલા પ્લાસ્ટિકને કારણે પ્લાસ્ટિકના અતિબારીક કણો માનવ શરીરમાં અને ત્યાંથી માનવ લોહીમાં ભળી રહ્યા હોવાનું કમિટીએ તેના અહેવાલમાં જણાવ્યું છે. પીવાનું પાણી લઈ જતી પાઈપલાઈન પણ પોલીઇથિલીન, પ્લોવિનાયલ ક્લોરાઈડ, પોલીપ્રોપોલીન, સહિતના પ્લાસ્ટિકમાંથી બનતી હોવાથી આ સ્થિતિ નિર્માણ થઈ રહી હોવાનું નિષ્ણાતોની કમિટીએ જણાવ્યું હતું.
ડિટરજન્ટ મારફતે પણ પાણીમાં માઈક્રોપ્લાસ્ટિક ભળતું હોવાનું મનાય છે
ગટરના પાણી, ખેતીમાં મલ્ચિંગ તરીકે વપારાતા પ્લાસ્ટિક, મહાનગર પાલિકાના કચરામાં જતાં પ્લાસ્ટિક સહિતના કારણોને પરિણામે જમીનમાં પણ પ્લાસ્ટિકના કણો વધવા માંડયા છે. લોન્ડ્રીના ડિટરજન્ટ મારફતે પણ પાણીમાં માઈક્રોપ્લાસ્ટિક ભળતું હોવાનું માનવામાં આવે છે.
વાતાવરણમાંના પ્લાસ્ટિકના બારીક કણોને માપવા યોગ્ય પદ્ધતિ જ નથી
માનવ શરીરમાં વહેલા લોહીમાં અને અન્ય અવયવોમાં પ્લાસ્ટિકના અતિશય બારીક કણો જોવા મળે છે, પરંતુ તે હવા પાણી કે જમીનમાં કેટલા પ્રમાણમાં છે તેની માપણી કરવા માટેની કોઈ જ સ્ટાન્ડર્ડ સિસ્ટમ નથી. આઈએસઓ વાળા આ અંગે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. કયા સ્રોતને કારણે કેટલું પ્લાસ્ટિંક માનવ શરીરમાં પ્રવેશે છે તેનો વિગતવાર અભ્યાસ હજી થયો નથી
ઔદ્યોગિક કચરામાંથી જ માનવ શરીરમાં પ્રવેશતું માઈક્રોપ્લાસ્ટિક
ઉદ્યોગો દ્વારા દૂષિત કચરાનું મેનેજમેન્ટ બરાબર ન થતું હોવાથી, દૂષિત પાણીને બરાબર ટ્રીટ ન કરાતું હોવાથી માઈક્રોપ્લાસ્ટિક પાણીમાં ભળી રહ્યું છે અને તેના માધ્યમથી માનવ શરીરમાં અને લોહીમાં ભળી રહ્યું છે. જો કે કયા સ્રોતને કારણે કેટલું પ્લાસ્ટિક માનવ શરીરમાં પ્રવેશે છે તેનો વિગતવાર અભ્યાસ હજી થયો નથી.