ઇલેક્ટ્રિક કારનું ભવિષ્ય: હવે બજારમાં એવી કાર આવશે, જેનો હાઇટેક પેઇન્ટ જ કાર ચાર્જ કરી દેશે
Solar Paint Car: હાલમાં ઇલેક્ટ્રિક કારનું ચલણ વધી રહ્યું છે. આ કારને ચાર્જ કરવા માટે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીની જરૂર પડે છે. જોકે એક એવી કાર હોય જે ઊભી હોય ત્યારે પણ ચાર્જ થાય અને ચાલી રહી હોય ત્યારે પણ ચાર્જ થાય. આ કોઈ કલ્પના નથી, પરંતુ હવે હકીકત બનવા જઈ રહ્યું છે. હવે સોલર પેઇન્ટ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવશે, જેની મદદથી કાર ઓટોમેટિક સૂર્યપ્રકાશથી ચાર્જ થઈ જશે. આ માટે મર્સિડિઝ બેન્ઝ સોલર-પેઇન્ટ ટૅક્નોલૉજી પર કામ કરી રહ્યું છે.
શું છે સોલર પેઇન્ટ?
સોલર પેઇન્ટ એક પ્રકારનું કોટિંગ છે જેમાં ફોટોવોલ્ટિક નેનોપાર્ટિકલ્સનો સમાવેશ થાય છે. આ પાર્ટિકલ્સની મદદથી સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરી શકાય છે. સોલર પેનલ્સ વજનમાં ભારે હોય છે અને તેના માટે ચોક્કસ જગ્યા પણ આપવી પડે છે. જ્યારે સોલર પેઇન્ટને કાર પર લગાવી શકાય છે. સૂર્યપ્રકાશનું ઊર્જામાં રૂપાંતર કરવા આ ખૂબ જ સરળ અને ઉપયોગી સાબિત થઈ શકે છે.
સોલર પેઇન્ટ કેવી રીતે કામ કરશે?
સોલર પેઇન્ટ કામ કરે છે એ તેની બનાવટ પર નિર્ભર છે. તેમાં નાના-નાના પાર્ટિકલ્સ હોય છે. આ પાર્ટિકલ્સ સૂર્યપ્રકાશનું શોષણ કરશે અને તેને એનર્જીમાં રૂપાંતર કરશે. જ્યારે કારના પેઇન્ટ પર પ્રકાશ પડશે, ત્યારે આ પાર્ટિકલ્સ એક્ટિવેટ થશે અને ઇલેક્ટ્રોન છૂટા કરશે. આ ઇલેક્ટ્રોનને બેટરીમાં મોકલાશે, જેથી કાર સતત ચાર્જ થઈ શકશે અને વધુ અંતર કાપી શકશે.
કાર ચાર્જિંગ માટે સોલર પેઇન્ટના ફાયદા
સતત ચાર્જિંગ: સોલર પેઇન્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે દિવસ દરમિયાન કાર સતત ચાર્જ થતી રહેશે. આથી યુઝરને ચાર્જિંગ સ્ટેશન પર જવાની જરૂર નહીં પડે અને ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરનારને વધુ સસ્તું પડશે.
ઇકો-ફ્રેન્ડલી સોલ્યુશન: ફોસિલ ફ્યુલની સામે સોલર પેઇન્ટ એક પર્યાય છે. એમાંથી રિન્યુએબલ એનર્જી મળે છે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું થાય છે. પરિણામે કાર્બનડાયોક્સાઇડનો ઉત્સર્જન ઓછો થાય છે અને પર્યાવરણને ફાયદો થાય છે.
સ્ટાઇલિશ લુક: સોલર પેનલનો ઉપયોગ કરવા માટે તેને ચોક્કસ જગ્યાએ લગાવવી પડે છે, અને યુઝરને એવું લાગે છે કે તે સોલર પેઇન્ટ જેવી લાગશે, પરંતુ એવું નથી. સોલર પેઇન્ટ હોય તો પણ કારની ડિઝાઇન અને લુક યથાવત્ રહેશે. સોલર પેઇન્ટ હોવા છતાં કારનો સ્ટાઇલિશ લુક બદલાશે નહીં.
મર્સિડિઝ બેન્ઝની સોલર પેઇન્ટ ટૅક્નોલૉજી
મર્સિડિઝ બેન્ઝ સોલર પેઇન્ટ ટૅક્નોલૉજી પર કામ કરીને તેમની કારમાં તેનો સમાવેશ કરવા માગે છે. કંપની સતત ટૅક્નોલૉજીમાં ઇનોવેશન કરીને યુઝરને વધુ સારી અને સસ્તી ટૅક્નોલૉજી પૂરી પાડવામાં માને છે. આથી કંપની આ ટૅક્નોલૉજી પર કામ કરી રહી છે અને બહુ જલદી તેનો અમલ કરવાનું શરુ કરશે.
આ પણ વાંચો: નાસાની અનોખી સિદ્ધિ: પાર્કર સ્પેસક્રાફ્ટે બનાવ્યો સૂર્યની સૌથી નજીક પહોંચવાનો રૅકોર્ડ
શું આવી શકે છે પડકારો?
સોલર પેઇન્ટ ટૅક્નોલૉજી ફાયદાકારક તો છે, પરંતુ તેમાં કેટલાક પડકારો પણ છે. સૌથી મોટો પડકાર એ છે કે, સોલર પેનલમાંથી જેટલી ઉર્જા મળી શકે છે, તેટલી સોલર પેઇન્ટમાંથી નથી મળતી. સોલર પેઇન્ટ વગરની કાર 100 કિલોમીટર ચાલતી હોય તો સોલર પેઇન્ટને કારણે 120 કિલોમીટર ચાલી શકે છે. એટલે કે 20 કિલોમીટરનું ચાર્જ સોલર-પેઇન્ટ અંદાજે કરી આપી શકે છે, પરંતુ તેને ચાર્જ તો કરવી જ પડશે.
આ ઉપરાંત કારનો સોલર પેઇન્ટ કેવા વાતાવરણમાં કેટલું કામ કરે છે અને એ કેટલા વર્ષ સુધી કામ કરી શકે છે વગેરે દિશામાં હજુ વધુ સંશોધનો જરૂરી છે. બની શકે ઠંડીમાં તે નહીંવત્ કામ કરે અને ચોમાસામાં વાદળ હોય ત્યારે પણ કામ ન કરે. તેથી સોલર પેઇન્ટ કારની ક્ષમતા પણ સૂર્યપ્રકાશ પર નિર્ભર છે.