ગૂગલ પર ભૂલમાં પણ આ લાઇન સર્ચ કરશો... તો બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જશે
Google Search Hacked: સ્કેમર્સ દ્વારા હવે લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરવા માટે નવી નવી ટેક્નિક શોધવામાં આવી રહી છે. ઘણા યુઝર્સ દ્વારા હાલમાં જ જણાવવામાં આવ્યું છે કે તેમણે ગૂગલ પર એક લાઇન સર્ચ કરી હતી, અને એના કારણે તેમના બેન્ક એકાઉન્ટ ખાલી થઈ ગયા છે. સાઇબર સિક્યોરિટી રિસર્ચ ફર્મ SOPHOS દ્વારા પણ આ મુદ્દે ચેતવણી આપવામાં આવી છે. સાઇબર ક્રિમિનલ માટે આ નવો રસ્તો છે, જે લોકો માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે.
ગૂગલ સર્ચ
ગૂગલ સર્ચ વિષે SOPHOS ફર્મ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. યુઝર્સને કોઈ પણ માહિતીની જરૂર પડે તો તે ગૂગલ સર્ચ કરે છે, અને હવે સાઇબર ક્રિમિનલ આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. તેમણે ગૂગલ સર્ચને પણ સુરક્ષિત નથી રાખ્યું. ઇન્ટરનેટ અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ જેટલો વધી રહ્યો છે, એટલા જ પ્રમાણમાં સાઇબર ક્રાઇમના કેસ પણ વધી રહ્યાં છે. SOPHOSએ જણાવ્યું છે કે તેમણે એક શબ્દ Gootloader શોધી કાઢ્યો છે, જેને ટાઇપ કરતાં જ સાયબર ક્રિમિનલને તમામ માહિતી પહોંચી જાય છે. આ શબ્દને કોઈ પણ વાક્ય સાથે કે અન્ય રીતે સર્ચ કરતાં, સાઇબર ક્રિમિનલ એ યુઝર પર ફોકસ કરી, તમામ માહિતી મેળવી લે છે.
કેવી રીતે મળે છે માહિતી?
સાઇબર ક્રિમિનલ SEO (સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન)નો ઉપયોગ કરી રહ્યાં છે. SEOના માધ્યમથી તે વ્યક્તિઓને ટાર્ગેટ કરે છે, જેઓ આ શબ્દનો ઉપયોગ કરે છે. આ શબ્દ સર્ચ કરતાં જ એક લિંક ઓપન થાય છે, અને તેના પર ક્લિક કરતાં જ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે. આ સિસ્ટમ એક્ટિવેટ થતાની સાથે જ, સાયબર ક્રિમિનલને તમામ ડેટા મળી જાય છે. SOPHOSએ એ પણ ચેતવણી આપી છે કે ભૂલથી પણ "Are Bengal Cats legal in Australia?" ટાઇપ ન કરવું. આ વાક્યને ટાઇપ કરતાં જ, પહેલી લિંક પર ક્લિક કરતાં જ, હેકર્સને તમામ માહિતી મળી જાય છે. હેકર્સ હાલમાં 6 અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીને સર્ચ કરનાર લોકોને ટાર્ગેટ કરી રહ્યાં છે.
કેવી રીતે ખાલી થાય છે બેન્ક એકાઉન્ટ?
યુઝર્સ જ્યારે આ શબ્દને સર્ચ કરે છે, ત્યારે હેકર્સ તે પર નજર રાખે છે. ત્યાર બાદ, જેમ જ તે બેન્ક ખાતાની કોઈ માહિતી નાખે છે કે તે તરત જ એ માહિતી હેકર્સને મળી જાય છે. જો આ માહિતી કમ્પ્યુટર કે મોબાઈલમાં સેવ હોય, તો પણ હેકર્સ તેને મેળવી શકે છે. આથી, શબ્દ ટાઇપ કરતાં જ તરત કોઈ અસર જોવા નહીં મળે, પરંતુ સમય જતાં જ્યારે યુઝર એ ભૂલી જાય છે, ત્યારે હેકર્સ એક્ટિવેટ થઈને તે યુઝરનું બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે.