ભારતનું અંતરિક્ષ સ્ટેશન કેવું હશે? જ્યાં રહી શકશે 6 એસ્ટ્રોનોટ્સ, ISROએ શેર કર્યો VIDEO

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
National Space Day


National Space Day 2024: 23 ઓગસ્ટ 2024ના રોજ સમગ્ર દેશ ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગની પ્રથમ વર્ષગાંઠ એટલે કે નેશનલ સ્પેસ ડે ઉજવી રહ્યો છે. એવામાં આજે ભવિષ્યમાં બનાવવામાં આવનાર ભારતીય અંતરિક્ષ સ્ટેશન (ભારતીય અંતરિક્ષ સ્ટેશન - BAS)નો ઈસરોએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તે કેવી રીતે બનશે, કેટલા લોકો રહેશે, કેટલા સમયમાં તૈયાર થશે અને હાલ શું સ્થિતિ છે તે અંગે પણ વિગતવાર જાણકારી આપી હતી. 

ઈસરોએ BAS અંગે આપી વિગતવાર જાણકારી 

ભારતીય સ્પેસ સ્ટેશનનું વજન લગભગ 52 ટન હશે. તે 27 મીટર એટલે કે 88.58 ફૂટ લાંબુ અને 20 મીટર એટલે કે 65.61 ફૂટ પહોળું હશે. ભારતના સ્પેસ સ્ટેશનમાં સામાન્ય રીતે 3 થી 4 અવકાશયાત્રીઓ રહે છે, પરંતુ જો જરૂર પડે તો તે વધુમાં વધુ 6 અવકાશયાત્રીઓ રાખી શકશે.

અગાઉ તેનું વજન 25 ટન હતું. જેમાં 15 થી 20 દિવસ માટે માત્ર 3 જ અવકાશયાત્રી જ રહી શકે તેવી વ્યવસ્થા હતી. પરંતુ નવી ડિઝાઈનમાં સ્પેસ સ્ટેશનને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કરતા પણ વધુ સારું બનાવવામાં આવી રહ્યું છે. ISRO ઈચ્છે છે કે ભારતીય સ્પેસ સ્ટેશન 2035 સુધીમાં કાર્યરત થઈ જાય.

આ પણ વાંચો: ISROને મોટી સફળતા, ચંદ્રયાન-3ના રોવરે મોકલેલી જાણકારીથી થયો નવો રસપ્રદ ખુલાસો

આ સ્પેસ સ્ટેશનમાં નવા પ્રકારની યુનિવર્સલ ડોકિંગ અને બર્થિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આથી જો જરૂર પડે તો અન્ય દેશો પણ તેના અવકાશયાનને BAS સાથે જોડાઈ શકે. તેમજ રોલ આઉટ થઈ શકે તેવું સોલર એરે (ROSA) પણ હશે. જેને જરૂર પડ્યે ફોલ્ડ કરી શકાશે. જેથી તેને જગ્યાના કાટમાળ સાથે અથડાતા બચાવી શકાય.

કુલ 5 મોડ્યુલને વિવિધ રોકેટથી લોન્ચ કરવામાં આવશે

ભારતીય સ્પેસ સ્ટેશનમાં 5 મોડ્યુલ હશે. પ્રથમ બેઝ મોડ્યુલ 9186 કિલો વજન સાથે 3.8 મીટર વ્યાસ અને 8 મીટર લાંબું હશે. આ પછી કોર મોડ્યુલ હશે. તેનો વ્યાસ 3.8 મીટર અને 9.25 મીટર લાંબો હશે, જેનું વજન 10033 કિલો હશે. આ બંનેને LVM-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે.

સાયન્સ મોડ્યુલનો વ્યાસ 3.8 મીટર અને 9.25 મીટર લાંબો હશે, જેનું વજન 10896 કિલો હશે. લેબ મોડ્યુલનો વ્યાસ અને લંબાઈ સમાન હશે. પરંતુ વજન 10646 કિલો હશે. CBM મોડ્યુલ પણ સમાન વ્યાસ અને લંબાઈનું હશે પરંતુ તેનું વજન 10969 કિલો હશે. આ ત્રણેયને LVM3-SC રોકેટથી લોન્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગૂગલે બનાવ્યું નવું AI ટૂલ, હેક થયેલા યૂટ્યુબ એકાઉન્ટ્સને રિકવર કરી શકાશે

400-500 કિમીની ઊંચાઈએ ફરશે

સ્પેસ સ્ટેશન પર પ્રોપેલન્ટ રિફ્યુઅલિંગ અને સર્વિસિંગની વ્યવસ્થા હશે. આ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી 400 થી 500 કિલોમીટર ઉપરની કક્ષામાં ફરશે. ઊંચાઈમાં આ અંતર એટલા માટે રાખવામાં આવ્યું છે કે અવકાશમાં આવતા પથ્થરો, કાટમાળ અને ઉલ્કાઓ સાથે અથડાવાની શક્યતાઓ ઘટી જાય. 

2035 સુધીમાં ભારતીય અવકાશ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોને 2035 સુધીમાં ભારતીય અવકાશ સ્ટેશન બનાવવાનું અને 2040 સુધીમાં ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય આપ્યું છે. જેના માટે ઈસરો હાલમાં મોટી અમેરિકન સ્પેસ કંપનીઓ સાથે પણ વાતચીત કરી રહ્યું છે. જેથી તેમની મદદથી વિશેષ જરૂરિયાતો પૂરી કરી શકાય. ઉપરાંત, તેઓ ભારતીય ખાનગી સ્પેસ કંપનીઓ અથવા એજન્સીઓ સાથે મળીને કામ કરી શકે છે.

ભારતનું અંતરિક્ષ સ્ટેશન કેવું હશે? જ્યાં રહી શકશે 6 એસ્ટ્રોનોટ્સ, ISROએ શેર કર્યો VIDEO 2 - image


Google NewsGoogle News