નાસાનું પાર્કર સોલાર પ્રોબ આદિત્યનારાયણને આંગણે આજે પહોંચી જશે: પહેલું માનવ સર્જિત સાધન --યંત્ર હશે
- આજનો 24 ડિસેમ્બરનો દિવસ અંતરિક્ષ સંશોધનનો સુવર્ણ દિન હશે : સાયન્સ-ટેકનોલોજીનું ગૌરવ હશે
- 6, નવેમ્બરે શુક્ર નજીકથી પસાર થઇને 4,30,000 કિ.મી.ની અતિ પ્રચંડ ગતિએ સૂર્ય તરફ ઉડયું : સ્પેસ વેધરની સચોટ આગાહી થઇ શકશે : અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમા આવતીકાલ 24, ડિસેમ્બરનો દિવસસુવર્ણ અક્ષરે લખાશે
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ને એવી ઉત્સાહસભર જાહેરાત કરી છે કે અમારું અત્યાધુનિક ટેકનોલોજીવાળું પાર્કર સોલાર પ્રોબ (પીએસપી) આવતીકાલે ઐતિહાસિક દિવસે ભારતીય સમય પ્રમાણે સાંજે આશરે સાડા પાંચ વાગ્યે સૂર્યની સપાટીથી ૩,૮૬૦૦૦ માઇલના સૌથી નજીકના અંતરે પહોંચી જશે.
વિશ્વનું કોઇ માનવસર્જિત યંત્ર કે સાધન હજી સુધી સૂર્યની સપાટીથી આટલા નજીકના અંતરે નથી પહોંચ્યું.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે ૨૦૨૪ની ૬, નવેમ્બરે અમારું પાર્કર સોલાર પ્રોબ અવકાશયાન શુક્ર ગ્રહની નજીકથી સલામત રીતે પસાર થઇને અફાટ અંતરિક્ષમાં સૂર્યનારાયણનને અત્યંત નજીકથી નમસ્કાર કરવા તીવ્ર ગતિએ યાત્રા કરી રહ્યું છે. પાર્કર સોલાર પ્રોબની સૂર્ય ભણીની યાત્રાનો આ અંતિમ તબક્કો છે. કોઇ જીવંત વિજ્ઞાાનીના ઉજળા સંશોધનના સન્માનરૂપે અવકાશયાનનું નામ તેની સાથે જોડવામાં આવ્યું હોય તેવું પાર્કર સોલાર પ્રોબ વિશ્વનું પહેલું અવકાશયાન છે. અમેરિકાના હ્યુજીન.એન.પાર્કર નામના મહાન ખગોળ-ભૌતિકશાસ્ત્રી(શિકાગો યુનિવર્સિટી)એ ૧૯૫૦માં સૌર પવનો(સોલાર વિન્ડ્ઝ) વિશે પહેલી જ વખત અદભૂત સંશોધન કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યનો આંચકો આપ્યો હતો.
* પાર્કર સોલાર પ્રોબના વિવિધ હેતુ : સ્પેસ વેધરની સચોટ આગાહી થઇ શકશે
પાર્કર સોલાર પ્રોબ ૨૦૧૮ની ૧૨,ઓગસ્ટે સૂર્યના કોરોના (સૂર્યની બાહ્ય કિનારીને કોરોના કહેવાય છે) ના સંશોધનાત્મક અભ્યાસ માટે રવાના થયું છે. સૂર્યની સપાટીનું તાપમાન ૬,૦૦૦ ડિગ્રી કેલ્વિન છે, જ્યારે તેની બાહ્ય કિનારી--કોરોના-- નું તાપમાન ૧૦થી ૨૦ લાખ ડિગ્રી કેલ્વીન જેટલું અતિ અતિ ઉકળતું હોય છે.વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આ રહસ્ય શોધવા સતત પ્રયાસ કરી રહ્યા છે. નાસાએ આ જ રહસ્યનો તાગ મેળવવા પાર્કર સોલાર અવકાશયાન સૂર્ય ભણી રવાના કર્યું છે. સૂર્યમાં દર ૧૧ વર્ષે કલ્પનાતીત ખળભળાટ થાય છે. પરિણામે સૂરજની સપાટી પરથી મહાવિનાશક સૌર જ્વાળાઓ આખા બ્રહ્માંડમાં ફેલાય છે. આમાંની એક સૌર જ્વાળા પૃથ્વીના વાતાવરણ સુધી આવી જાય તો પૃથ્વી પરના સંદેશા વ્યવહાર,વીજળી પુરવઠો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, વિદ્યુત દ્વારા ચાલતો વાહન વ્યવહાર વગેરે ખોરવાઇ જાય. વાતાવરણમાં અસહ્ય વિસ્ફોટો થાય. ધુ્રવ પ્રદેશોમાં રંગબેરંગી અરોરા લાઇટ્સ(જેને નોર્ધન લાઇટ્સ પણ કહેવાય છે)ના વિશાળ પટ્ટા દેખાય.
ઉપરાંત, પૃથ્વીના ઋતુ ચક્રને અને માનવ સહિત તમામ જીવોના આરોગ્યને પણ ચિંતાજનક હાની થાય.
પાર્કર સોલાર પ્રોબની સફળતાથી સ્પેસ વેધર વિશે સચોટ આગાહી થઇ શકશે. સરળ રીતે સમજીએ તો સૂર્યની ૧૧ વર્ષની સાયકલ(જેને સોલાર સાયકલ કહેવાય છે) વખતે સૌર જ્વાળાની દિશા પૃથ્વી ભણીની છે કે કેમ, સૌર જ્વાળા ચોક્કસ કઇ શ્રેણીની છે, તે સૌર જ્વાળા ચોક્કસ ક્યારે અને કેટલી તીવ્રતાથી પૃથ્વી તરફ આવશે તે તમામ બાબતોની પાકી આગાહી થઇ શકશે.
* પાર્કર સોલર પ્રોબની ટેકનિકલ વિશિષ્ટતાઓ : હેતુ :
(૧) સૂર્યની બહારની કિનારી એટલે કે કોરોના, સૌર પવનો સહિત સૂર્યમાં થતી રહસ્યમય ગતિવિધિનો સંશોધનાત્મક અભ્યાસ કરવો.
(૨) પાર્કર સોલર પ્રોબ(પ્રોબ એટલે અવકાશયાન) ફરતે ૧૧.૪૩ સેન્ટીમીટરનું કાર્બન કમ્પોઝીટ શિલ્ડનું અભેદ્ય કવચ છે.
(૩) પાર્કર સોલર પ્રોબની ડિઝાઇનમાં થર્મલ એન્જિનિયરિંગનો અત્યાધુનિક ટેકનોલોજી પ્રયોગ થયો છે.
(૪) આવા અભેદ્ય કવચથી આ અવકાશયાનનું ૧,૩૭૭ ડિગ્રી સેલ્સિયસ જેટલા અતિ ઉકળતા તાપમાન સામે પણ રક્ષણ થાય છે.