હું મજામાં છું. મારી કામગીરી બહુ સારી રીતે થઇ રહી છે : નવા 2025ના વર્ષના પહેલા દિવસે વધુ રસપ્રદ માહિતી મોકલીશ
- અંતરિક્ષ સંશોધનના ઇતિહાસની સુવર્ણ સિદ્ધિ : નાસાના પાર્કર સોલાર પ્રોબે સૂર્યની સપાટીથી 6,11551 કિ.મી. ના સૌથી નજીકના અંતરેથી સંદેશો મોકલ્યો
- પી.એસ.પી. 2025માં સૂર્યની હજી વધુ નજીક જશે : આદિત્યનારાયણનાં અકળ રહસ્યોનો તાગ મેળવશે
લૌરેલ(મેરીલેન્ડ) : હું મજામાં છું. મારી કામગીરી બહુ સારી રીતે થઇ રહી છે. ૨૦૨૪ની ૨૬, ડિસેમ્બરે મધરાતે અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ની લૌરેલ(મેરીલેન્ડ સ્ટેટ)ની જ્હોન્સ હોપકિન્સ એપ્લાઇડ ફિઝિક્સ લેબોરેટરી (એપીએલ)માં બેકનટોન(બેકન ટોન એટલે અંતરિક્ષ સંશોધન માટેનાં અવકાશયાન દ્વારા પોતાની ગતિવિધિ અને સલામતી માટે મોકલવામાં આવતો ખાસ સંગીતમય સંદેશો) રણક્યો.
નાસાનાં સૂત્રોએ ૨૦૨૪ની ૨૭,ડિસેમ્બરે એવી જાહેરાત કરી છે કે હા, તે બેકન ટોન હતો અમારા પાર્કર સોલાર પ્રોબ(પી.એસ.બી.)નો. ૨૦૨૪ની ૨૪, ડિસેમ્બરે અમારું પી.એસ.બી. સૂર્યની ધગધગતી સપાટીથી સૌથી નજીકના ૩,૮૬૦૦૦ માઇલ(૬,૧૧૫૫૧ કિ.મી.)ના અંતરે પહોંચી ગયું છે. પી.એસ.બી.માં કોઇ જ જાતની યાંત્રિક ખામી નથી સર્જાઇ.
વિશ્વનું કોઇ માનવસર્જિત યંત્ર કે સાધન હજી સુધી સૂર્યની સપાટીથી આટલા નજીકના અંતરે નથી પહોંચ્યું. પાર્કર સોલાર પ્રોબ ૨૦૧૮ની ૧૨,ઓગસ્ટે સૂર્યના કોરોના (સૂર્યની બાહ્ય કિનારીને કોરોના કહેવાય છે) ના સંશોધનાત્મક અભ્યાસ માટે રવાના થયું છે. સૂર્યની સપાટીનું તાપમાન ૬,૦૦૦ ડિગ્રી કેલ્વિન છે, જ્યારે તેની બાહ્ય કિનારી--કોરોના-- નું તાપમાન ૧૦થી ૨૦ લાખ ડિગ્રી કેલ્વીન જેટલું અતિ અતિ ઉકળતું હોય છે.વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આ રહસ્ય શોધવા સતત પ્રયાસ કરી રહ્યા છે. નાસાએ આ જ રહસ્યનો તાગ મેળવવા પાર્કર સોલાર અવકાશયાન સૂર્ય ભણી રવાના કર્યું છે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે હવે પી.એસ.બી. ૨૦૨૫ની ૧, જાન્યુઆરીના નવા વર્ષે વધુ એક સંદેશો મોકલશે. તે સંદેશામાં પી.એસ.પી. પોતાની અત્યારની સમગ્ર ગતિવિધિ સાથે અમુક નવી અને ઉપયોગી માહિતી પણ મોકલશે.
પીએસપી ૨૦૨૪ની ૨૪, ડિસેમ્બરે સૂર્યથી ૩,૮૬,૦૦૦ માઇલના સૌથી નજીકના અંતરે પહોંચ્યું ત્યારે તે પરિસ્થિતિ પેરિહિલિયનની(કોઇપણ ગ્રહ, તારો, લઘુગ્રહની ભ્રમણકક્ષાનું સૌથી નજીકનું બિદુ) હતી. હાલ અવકાશયાન ૪,૩૦,૦૦૦ માઇલ(પ્રતિ કલાક)ની અતિ પ્રચંડ ગતિએ અફાટ અંતરિક્ષમાં પ્રવાસ કરી રહ્યું છે.
વળી, આ અંતિમ તબક્કે પીએસપી હાઇડ્રોજન અને હિલિયમના મહાભંડારસમા સૂર્યનારાયણના પ્લાઝ્માના અતિ ઘટ્ટ વાતાવરણમાંથી પસાર થયું હતું. આ સમયે એવાં દ્રશ્યો સર્જાયાં હતાં કે જાણે કોઇ તરવૈયો મહાસાગરનાં ભારે તોફાની ઉછળતાં મોજાંમાં કૂદકો મારતો હોય. પીએસપી માટે આ અંતિમ તબક્કો મહાપડકારરૂપ રહ્યો છે હોવાથી અમારી ટીમનો અવકાશયાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
સરળ રીતે સમજીએ તો પી.એસ.પી. હાલ સૂર્યનારાયણની બાહ્ય કિનારી( જેને ખગોળશાસ્ત્રની ભાષામાં કોરોના કહેવાય છે)થી બહુ જ નજીકના અને કલ્પનાતીત કહી શકાય તેવા ઉકળતા વાતાવરણમાં પ્રવાસ કરી રહ્યું છે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે હાલ પી.એસ.પી. સૂર્યની સપાટીથી સૌથી નજીકના અંતરે છે. આમ છતાં અવકાશયાન ૨૦૨૫ની ૨૨,માર્ચે અને ૧૯,જૂને ,એમ બે તબક્કે સૂર્યની સપાટીથી હજી વધુ નજીક જશે.આ બંને તબક્કા પી.એસ.પી.ની અંતરિક્ષ યાત્રાના છેલ્લા હશે. આ બંને તબક્કા દરમિયાન પી.એસ.પી. સૂર્યની કોરોનાનાં , સૌર પવનોનાં અને સૂર્યનાં અકળ રહસ્યોનો તાગ મેળવશે. પી.એસ.પી.ના આ અદભુત સંશોધનના આધારે આપણને સૂર્ય વિશેની સમજણમાં વધારો થશે.