નાસાએ બનાવ્યો નવો પ્લાન, દુનિયાની વીજળીની સમસ્યાનો મળશે ઉકેલ, શું છે લ્યૂનાર ઇકોનોમી?
નાસા ચંદ્રની ધરતીમાંથી હિલિયમ-3 લાવીને દુનિયા આખીને વીજળી પૂરી પાડશે
વોશિંગ્ટન/ મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને(નાસા)હવે અમેરિકા સહિત વિશ્વભરમાં લ્યુનાર ઇકોનોમીનો સાવ જ નવો વિચાર વહેતો કર્યો છે.લ્યુનાર ઇકોનોમી એટલે સરળ ભાષામાં ચંદ્ર પરથી હિલિયમ -૩ (હિલિયમ-૩ મૂળભૂત રીતે હિલિયમ વાયુનો પરમાણુ છે) નો જથ્થો પૃથ્વી પર લાવીને તેનો ઉપયોગ વીજળીનું બહોળાપાયે ઉત્પાદન કરવાનો વેપાર. એક વિશિષ્ટ પ્રકારની અર્થ વ્યવસ્થા.
નાસા તેના લ્યુનાર ઇકોનોમીના આ નવા વિચાર સાથે અમેરિકાની મોટી મોટી ખાનગી કંપનીઓને પણ સામેલ કરવા ઇચ્છે છે. આમ પણ હાલ અમેરિકાની અમુક ખાનગી કંપનીઓએ અંતરિક્ષ સંશોધનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.હજી ૨૦૨૪ની ૨૨, ફેબુ્રઆરીએ જ અમેરિકાની ઇન્ટુઇટીવ મશીન નામની ખાનગી કંપનીનું ઓડિસિયસ નામનું લેન્ડર ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ઉતરવામાં સફળ રહ્યું છે.
આમ પણ નાસાના વિજ્ઞાાનીઓ હવે તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અર્ટેમિસ પ્રોજેક્ટ દ્વારા ૫૦ વર્ષ બાદ ફરીથી પોતાના અવકાશયાત્રીઓને ચંદ્રની ધરતી પર ઉતારીને પૃથ્વી પર પાછા લાવવાની તડામાર તૈયારી કરી રહ્યા છે.અર્ટેમિસનો મુખ્ય હેતુ પણ ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર માનવ વસાહત બનાવવાનો છે. ચંદ્રના દક્ષિણ ધુ્રવ પરની તે માનવ વસાહત માટે જરૂરી વીજળીનું ઉત્પાદન પણ ચંદ્રની ધરતીમાંથી હિલિયમ-૩ મેળવીને કરવાની અદભુત યોજના છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના સિનિયર વિજ્ઞાાની અને ચંદ્રના સંશોધનાત્મક અભ્યાસના આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા ડો. નરેન્દ્ર ભંડારીએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હિલિયમ-૩ ખરેખર તો સૂર્યમાં થતા ભયાનક આણ્વિક સંયોજન દ્વારા ઉત્પન્ન થાય છે. સરળ રીતે સમજીએ તો સૂર્યમાં થતી આ પ્રક્રિયામાં હાઇડ્રોજનનું રૂપાંતર હિલિયમમાં થાય છે.હિલિયમ -૩ આ જ હિલિયમ વાયુનો પરમાણુ છે.હવે સૂર્યમાંથી ફેંકાતા સૌર પવનો તેની સાથે હિલિયમ -૩ પણ લઇને ચંદ્ર સહિત આખા સૂર્ય મંડળમાં ફેલાય.
હવે ચંદ્ર પર આપણી પૃથ્વી પર છે તેવું વાયુમંડળ નહીં હોવાથી પેલા સૌર પવનો પ્રચંડ ગતિએ ચંદ્રની ધરતી પર પ્રહાર કરે ત્યારે તેની સાથેનો હિલિયમ-૩ પણ તેની ધૂળ અને ખડકોમાં સમાઇ જાય. આમ ચંદ્રની ધરતીમાં હિલિયમ -૩ નો જથ્થો અતિ વિપુલ પ્રમાણમાં છે.આપણી પૃથ્વી ફરતે વાયુમંડળ હોવાથી પેલા સૌર પવનોની અસર નથી થતી.પરિણામે પૃથ્વી પર હિલિયમ -૩ પણ નથી. આ દ્રષ્ટિએ હિલિયમ -૩ પૃથ્વી માટે બહુ બહુ અલભ્ય તત્ત્વ છે.
નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓના અને અણુ વિજ્ઞાાનીઓના કહેવા મુજબ હિલિયમ -૩ના બહુ થોડા કિલો જથ્થાથી સમગ્ર વિશ્વને આખા વર્ષ સુધી વીજળી આપી શકાય. સરળ રીતે સમજીએ તો ચંદ્ર પરના હિલિયમ-૩માંથી આટલી બધી વીજળી ઉત્પન્ન કરી શકાય, જે પૃથ્વી પાસે નથી.હવે દુનિયાભરમાં વીજળી ઉત્પાદન માટેના વિવિધ સ્રોતની મર્યાદા આવી રહી છે ત્યારેચંદ્ર પરનો હિલિયમ-૩ બહુ મોટા અને લાંબા સમયગાળા માટે ભરપૂર આશીર્વાદ બની રહેશે એવી અપેક્ષા પણ છે. આમ ચંદ્ર પરનો હિલિયમ-૩ સમગ્ર વિશ્વ માટે નવી અને વિશિષ્ટ કહી શકાય તેવી લ્યુનાર ઇકોનોમી બની શકે તેમ છે.