એન્ડ્રોમેડા ગેલેક્સીના કેન્દ્રનું બ્લેકહોલ ધૂળ-વાયુના વિશાળ વલયને ગળી રહ્યું છે : સંશોધન
Long dust streams supermassive black holes: અનંત, અફાટ, અજીબોગરીબ બ્રહ્માંડમાં સતત રહસ્યમય ગતિવિધિ થતી રહે છે. આવી જ રહસ્યમય ગતિવિધિ આપણી મિલ્કી વે ગેલેકસી (જેને મંદાકીની કહેવાય છે) ની પડોશી એન્ડ્રોમેડા ગલેક્સીમાં પણ થઈ રહી છે.
જર્મની,સ્પેન, ચીલીના ખગોળ- ભૌતિકશાસ્ત્રીઓ દ્વારા થયેલા સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે એન્ડ્રૂમેડા ગેલેક્સના કેન્દ્રમાં આવેલા મહાકાય(સુપરમાસીવ) બ્લેકહોલ તરફ ધૂળ અને વાયુનું ચમકતું વિશાળ કદનું વલય (રીંગ) ધસી રહ્યું છે. ખગોળવિજ્ઞાનીઓએ એવું આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે એન્ડ્રોમેડા ગેલેક્સીના મધ્યમાં આવેલું આ બ્લેકહોલ ધૂળ અને વાયુના આ વિશાળ વલયને ધીમે ધીમે પોતાની ભણી ખેંચીને રહ્યું છે. આ સમગ્ર દ્રશ્ય એવું લાગે છે કે જાણે અંતરિક્ષમાં વાયુ અને ધૂળનું કોઈ વિશાળ ઝરણું ધીમે ધીમે પેલા ભારે વિનાશક બ્લેકહોલ ભણી સરકી રહ્યું છે.
આ સંશોધનપત્ર એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયું છે. ઈન્સ્ટિટયુટ ઓફ ઓફ એસ્ટ્રોફિઝિક્સ ઓફ કેનેરી આયલેન્ડ અને યુનિવર્સિટી ઓબ્ઝર્વેટરી મ્યુનિક (જર્મની)ના ખગોળ-ભૌતિકશાસ્ત્રી એલ્યૂડેના પ્રીએટોએ તેમના સંશોધનપત્રમાં એવી વિગતો આપી છે કે આપણી મિલ્કી વે ગેલેક્સીના બરાબર મધ્યમાં આવેલા મહાકાય અને ભયંકર બ્લેકહોલ તરફ ધૂળ અને વાયુનું ચમકતું વલય ધીમે ધીમે સરકી રહ્યું છે.
અમે આ વિશિષ્ટ સંશોધન માટે અમેરિકાની નેશનલ રોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના સ્પિત્ઝર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા એન્ડ્રોમેડા ગેલેક્સીની અને તેના મધ્યમાં આવેલા સુપરમાસીવ બ્લેકહોલની મળેલી ઈમેજીસ અને અન્ય માહિતીનો આધાર લીધો છે. આમ તો નાસાનું સ્પિત્ઝર સ્પેસ ટેલિસ્કોપ 2020ના જાન્યુઆરીથી અંતરિક્ષ સંશોધનની કામગીરી બંધ કરી દીધી છે. નાસાએ આ ટેલિસ્કોપને એમ કહો કે નિવૃત્ત કરી દીધું છે.
ખગોળ-ભૌતિકશાસ્ત્રીઓની આ ટીમે તો એવી માહિતી પણ આપી છે કે એન્ડ્રોમેડા ગેલેક્સીના મધ્યમાં આવેલા કિવસેન્ટ નામના આ મહાકાય બ્લેકહોલનું દળ આપણા સૂર્યના કુલ દળ કરતાં 10 કરોડ ગણું વધુ છે. આપણા સૂર્યનું દળ(માસ) 1.98918100 કિલો છે. જરા કલ્પના કરો કે ક્વિસેન્ટ બ્લેકહોલ કેટલું શક્તિશાળી હશે. વિશ્વ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ધ ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો.જે.જે.રાવલે તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે એન્ડ્રમેડા ગેલેક્સી આપણી મિલ્કી વે ગેલેક્સ કરતાં ઘણી ઘણી વિરાટ અને વિશાળ છે. એટલે કે એન્ડ્રોમેડા ગેલેક્સમાં લગભગ 2000 અબજ જેટલા તારા ઝળહળી રહ્યા છે.
એટલે જ તો ખગોળશાસ્ત્રીઓ એન્ડ્રોમેડા ગેલેક્સીને ગ્રેટ ગેલેક્સી ઓફ એન્ડ્રોમેડા કહે છે. જ્યારે આપણી મિલ્કી વે ગેલેક્સીમાં લગભગ 500 અબજ જેટલા તારા ચમકી રહ્યા છે. એક સંશોધન મુજબ તો એવું પણ જાણવા મળ્યું છે કે એન્ડ્રમેડ લેક્સી ફરતે પણ વિરાટ કદનાં વલયો છે.આવાં વલયો વાયુ અને ધૂળનાં બનેલાં હોય છે. એન્ડ્રોમેડા ગેલેક્સી પૃથ્વીથી 25 લાખ પ્રકાશ વર્ષના અતિ અતિ દૂરના અંતરે છે. આપણી મિલ્કી વેગેલેક્સીની પડોશી એન્ડ્રોમેડા ગેલેક્સીન વ્યાસ 1,52,000 પ્રકાશવર્ષ જેટલો છે, જ્યારે આપણી મિલ્કી વે ગેલેક્સીનો વ્યાસ લગભગ 1,05,700 પ્રકાશવર્ષ જેટલો છે.
એન્ડ્રોમેડા ગેલેક્સીના મધ્યમાં આવેલા મહાકાય બ્લેકહોલનું ગુરુત્વાકર્ષણ બળ એટલું પ્રચંડ છે કે તે તેનાથી અતિ દૂરના અંતરે રહેલા તારાને કે અન્ય આકાશી પદાર્થોને પોતાના ભણી ખેંચી લે છે. એમ કહો કે ગળી જાય. આમ તો આવાં મહાકાય અને ભારે વિનાશક બ્લેકહોલ્સ ગેલેક્સીના કેન્દ્રમાં જ હોય. ખરેખર તો આ અજીબોગરીબ પ્રક્રિયા હજારો વર્ષથી થઈ રહી છે.