Get The App

નાસાએ પૃથ્વીથી 5,900 પ્રકાશ વર્ષ દૂરના સ્કોર્પિયસ નક્ષત્રમાં નવા જન્મતા તારાની ઇમેજ લીધી

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
નાસાએ પૃથ્વીથી 5,900 પ્રકાશ વર્ષ દૂરના સ્કોર્પિયસ નક્ષત્રમાં નવા જન્મતા તારાની ઇમેજ લીધી 1 - image


- હલબ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડમાં દૂર ગરૂડ નજર કરી

- નવા તારા  આપણા સૂર્ય કરતાં 30 ગણા વધુ મોટા અને વધુ ઝળહળતા  છે : આ નવા તારા ભવિષ્યમાં  વિરાટ  તારા બનશે: અંતરિક્ષ સતત વિસ્તરી રહ્યું છે :  હજી નવા તારાનો જન્મ થાય છે 

બ્રહ્માંડ 13.8 અબજ વર્ષ બાદ પણ હજી  સતત વિસ્તરી રહ્યું છે  અને તેમાં નવા, વિરાટ,ઝળહળતા તારાનો જન્મ થઇ રહ્યો છે 

વોશિંગ્ટન/ મુંબઇ : અનંત, અફાટ, અગોચર અંતરિક્ષનાંઆશ્ચર્યોનો અને રહસ્યોનો  એક પછી એક તાગ મળી રહ્યો છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા  નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઇ.એસ.એ.)ના સહિયારા હબલ સ્પેસ ટેલિસ્કોપે  અજીબોગરીબ બ્રહ્માંડ ૧૩.૮ અબજ વર્ષ બાદ પણ હજી  સતત વિસ્તરી રહ્યું છે  અને તેમાં નવા, વિરાટ,ઝળહળતા તારાનો જન્મ થઇ રહ્યો છે તેની સચોટ સાબિતી આપી છે.

હબલ સ્પેસ ટેલિસ્કોપે આપણી મિલ્કી વે ગેલેક્સીમાંના સ્કોર્પિયસ કોન્સ્ટેલેશન(વૃશ્ચિક રાશી અથવા નક્ષત્રનું તારા મંડળ)માં નવા જન્મતા તારાની અને તેના વિશાળ વિસ્તારની સુંદર રંગીન ઇમેજ લેવામાં  સફળતા મેળવી છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ ૧૯૯૦ની ૨૪,એપ્રિલે સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા કેનેડી સ્પેસ સ્ટેશન પરથી તરતું મુકાયું છે. હબલ આકાશમાં ૫૨૫ કિલો મીટરના અંતરે ૨૭,૦૦૦ કિલોમીટર (પ્રતિ કલાક)ની અતિ તીવ્ર ગતિએ ઘૂમી રહ્યું  છે. હબલ સ્પેસ ટેલિસ્કોપે  છેલ્લાં ૩૪ વર્ષની ઉજળી કામગીરી દરમિયાન બ્રહ્માંડનાં અદભૂત રહસ્યોનો અને આશ્ચર્યાનો  તાગ મેળવીને ખગોળશાસ્ત્રીઓને અંતરિક્ષની નવી સમજણ આપી છે.   

નાસાનાં સૂત્રોએ  જણાવ્યુ છે કે અમારા હબલ સ્પેસ ટેલિસ્કોપે (એચ.એસ.ટી.) હમણાં આપણી મિલ્કી વે ગેલેક્સી(જેને મંદાકિની કહેવાય છે)માંના  સ્કોર્પિયસ  કોન્સ્ટેલેશન (વૃશ્ચિક રાશી અથવા નક્ષત્રનું તારા મંડળ)માં નવા જન્મતા તારાની ઇમેજ સાથે  તેનો આખો વિસ્તાર શોધ્યા છે. આ તારા મંડળમાં નવા, ઝળહળતા તારાના જન્મની પ્રક્રિયા થઇ રહી છે. હબલે વૃશ્ચિક રાશિના આ નવા તારા મંડળની સુંદર,રંગીન ઇમેજીસ લીધી છે. મિલ્કી વે ગેલેક્સીમાંનું આઇ.આર.એ.એસ. -૧૬૫૬૨-૩૯૫૯ સંજ્ઞાા ધરાવતું  વૃશ્ચિક રાશિનું નવું  તારા મંડળ પૃથ્વીથી ૫,૯૦૦ પ્રકાશ વર્ષ જેટલા અતિ  દૂરના અંતરે છે.

આશ્ચર્યની બાબત તો એે  છે કે મિલ્કી વેગેલેક્સીના સ્કોર્પિયસ કોન્સ્ટેલેશનમાં જે નવા તારાનો જન્મ થઇ રહ્યો છે તે આપણા સૂર્ય કરતાં  ૩૦ ગણા  વધુ  મોટા અને વધુ પ્રકાશિત હોવાની પૂરી શક્યતા છે. આ નવા તારાનું જૂથ  ભવિષ્યમાં આખી મિલ્કી વે  ગેલેક્સીના સૌથી મોટા -વિરાટ તારામાંનું  જૂથ બની રહેશે.  આમ પણ અગોચર બ્રહ્માંડમાં આપણા સૂર્યના દળ (માસ)કરતાં ૨૦, ૩૦, ૫૦, ૧૦૦ ગણું વધુ દળ  ધરાવતા અને અનેકગણા વધુ પ્રકાશિત તારા ઝળહળી રહ્યા છે. આપણા સૂરજની ઉંમર(પાંચ અબજ વર્ષ) કરતાં પણ વધુ જૂની પેઢીના એટલે કે ૧૦થી ૧૧ અબજ વર્ષ પહેલાં  જન્મેલા  તારા પણ છે. વળી, આ તારા મંડળમાં ધૂળનાં અતિ ગાઢ અને અતિ વિશાળ વાદળો  ઘુમરાતાં હોવાથી ત્યાં ઘેરો અંધકાર પણ છે.ધૂળનાં વાદળોને કારણે આ તારા મંડળનો પ્રકાશ પણ ઝાંખો છે. આમ છતાં હબલ સ્પેસ ટેલિસ્કોપના આધુનિક  ઇન્ફ્રારેડ કેમેરાએ  ધૂળનાં વાદળોને પણ ભેદીને નવા તારાના જન્મની અદભુત અને અજીબોગરીબ પ્રક્રિયાની તથા તે વિશાળ તારા મંડળની મનોહર ઇમેજીસ લીધી છે.હબલ સ્પેસ ટેલિસ્કોપની આ કામગીરી ખરેખર યાદગાર છે.નાસા  વિજ્ઞાાનીઓએ  આ ઇમેજીસનું મહત્વ  સમજાવતાં કહ્યું છે કે હબલ સ્પેસ ટેલિસ્કોપની ઇમેજીસના ઉપરના ડાબા અને નીચેના જમણા હિસ્સામાં સ્કોર્પિયસ કોન્સ્ટેલેશનના તારા મંડળના વિશાળ વિસ્તારમાંથી જેટ( વિદ્યુતભારવાહી  પદાર્થકણોનો ફુવારો) પણ બહાર  ફેંકાઇ રહ્યો હોવાનું સ્પષ્ટરીતે જોઇ શકાય છે. 

વળી,આ કલરફૂલ ઇમેજ  હબલમાંના આધુનિક  કેમેરાના લાઇટ સેન્સર્સની સામે ગોઠવવામાં આવેલાં  ચાર ફિલ્ટર્સ દ્વારા મેળવી શકાઇ છે.હવે આ જ ઇમેજના અને તેની લાઇટની વેવલેન્ગ્થના ગહન અભ્યાસના આધારે નવા તારાનું બંધારણ, તેનું કુલ દળ,તેમાંનાં વાયુઓ,તેનું તાપમાન,ઘનતા વગેરે પાસાંની  વિગતો જાણી શકશે. 

 આર્યભટ્ટ રિસચ ર્ ઇન્સ્ટિટયુટ ઓફ  ઓબ્ઝર્વેશનલ  સાયન્સિઝ (એ.આર.આઇ.એસ.-એરીસ-નૈનીતાલ)નાં સિનિયર ખગોળશાસ્ત્રી ડો.સ્નેહલતાએ જણાવ્યું હતુ કે આપણી મિલ્કી વે ગેલેક્સીમાં આપણા સૂર્ય કરતાં પણ ૧૦, ૨૦ ,૩૦,૫૦, ૧૦૦ ગણા વધુ મોટા, વધુ ઝળહળતા અને વિવિધ પ્રકારના તારા છે. ઉદાહરણ રૂપે પ્રોટો સ્ટાર્સ,ન્યુટ્રોન સ્ટાર્સ,વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર્સ,રેડ ડ્વાર્ફ સ્ટાર, રેટ જાયન્ટ સ્ટાર્સ, સુપર જાયન્ટ સ્ટાર્સ,ટી ટૌરી સ્ટાર્સ હોય છે. અમે ૨૦૨૧માં પૃથ્વીથી ૯,૫૦૦ પ્રકાશ વર્ષ દૂર  આવેલી એન.જી.સી.-૨૮૧ સંજ્ઞાાવાળી  નેબ્યુલા(નિહારીકા-- તારા મંડળ)માં ૨૨૮ ન્યુ વેરિયેબલ સ્ટાર્સ શોધ્યા છે. સમયના  ફેરફાર સાથે જે તારાના પ્રકાશમાં પરિવર્તન  થાય તેને સરળ ભાષામાં વેરિયેબલ સ્ટાર્સ કહેવાય છે.આવા તારાનો પ્રકાશ ઝાંખો થાય અને વધુ ઝળહળતો પણ થાય. આ નેબ્યુલામાં  નવા તારાના જન્મની પ્રક્રિયા થઇ રહી છે.

આ વિશાળ તારા મંડળમાં ચારે તરફ હિલિયમનાં વિરાટ વાદળો ,ધૂળનાં ગાઢ વાદળો ઘુમરાઇ રહ્યાં છે. સાથોસાથ૨૨૮માંના ૫૧ તારામાં તો હજી નવા તારા બનવા માટે જરૂરી હિલિયમ,ધૂળ,અન્ય વાયુઓ ભેગા થવાની જબરી રહસ્યમય પ્રક્રિયા પણ થઇ રહી છે. આ પ્રક્રિયા પૂરી થશે એટલે આ બધા સ્ટાર્સમાં હાઇડ્રોજન અને હિલિયમનું ન્યુક્લિયર ફ્યુઝન (જેને આણ્વિક સંયોજન કહેવાય છે) શરૂ થશે. હાઇડ્રોજન અને હિલિયમનું ન્યુક્લિયર  ફ્યુઝન થાય એટલે  તારામાં ૬,૦૦૦ ડિગ્રી જેટલું અતિ અતિ ઉકળતું તાપમાન ઉત્પન્ન થાય.સાથોસાથ પ્રકાશનું પણ સર્જન થાય.આ તબક્કે તારાનો જન્મ થયો કહેવાય. આ તબક્કે તારાનો ઝળહળાટ શરૂ થાય.


Google NewsGoogle News