નાસાએ પહેલી જ વખત સ્પેસ વેધરની સચોટ આગાહી માટે વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી : એ.આઇ.નો પ્રયોગ શરૂ કર્યો
- સૂર્યની વિરાટ થાળી પર સર્જાતાં કોરોનલ લુપ્સની અકળ ગતિવિધિનો પ્રથમ વખત અભ્યાસ થયો
- સૌર જ્વાળાની અતિ પ્રચંડ થપાટ પૃથ્વીના જે કાઇ સ્થળ પર વાગે તેની 30 મિનિટ પહેલાં નાસા ચેતવણી જારી કરી શકશે
વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને(નાસા)પહેલી જ વખત સૌર જ્વાળાઆ(સોલાર ફ્લેર્સ)ની સચોટ આગાહી કરવાની વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી છે. સાથોસાથ સોલાર ફ્લેર્સનું આક્રમણ થાય તે પહેલાં સૂર્યની સપાટી પર અમુક ખાસ પ્રકારની અકળ ગતિવિધિ પણ થાય છે તેની વિશિષ્ટ માહિતી પણ પહેલી જ વખત મેળવી છે.
નાસાએ આ ઉપરાંત, સ્પેસ વેધર( સૌર જ્વાળાઓ અને સૌર પવનો છેક પૃથ્વીના વાતાવરણ સુધી આવી જાય તો મોટા વિસ્તારમાં વીજળી પુરવઠો ખોરવાઇ જાય. રેડિયો અને ટેલિવિઝનનું પ્રસારણ અટકી જાય. સંદેશા વ્યહાર ખોરવાઇ જાય. આકાશમાં ગોળ ગોળ ઘુમતા સેટેલાઇટ્સ કાંતો બળીને ભસ્મ થઇ જાય .અથવા પોતાની ભ્રમણકક્ષામાંથી દૂર દૂર સુધી ફંગોળાઇ જાય.આ તમામ પ્રકારનાં તોફાનને ખગોળશાસ્ત્રની ભાષામાં સ્પેસ વેધર કહેવાય છે)ની અગાહી માટે પણ અત્યાધુનિક ટેકનોલોજીના કમ્પ્યુટર મોડેલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઇ)નો પ્રયોગ પણ શરૂ કર્યો છે. સ્પેસ વેધરની અતિ પ્રચંડ થપાટ પૃથ્વીના જે કાઇ સ્થળ પર વાગે તેની ૩૦ મિનિટ પહેલાં નાસા ચેતવણી જારી કરી શકશે. પરિણામે જે તે શહેર કે રાજ્ય જરૂરી બધી સુરક્ષા વ્યવસ્થા કરી શકશે.
નાસાએ પોતાની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીનો ઉપયોગ કરીને આવી વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી છે. નાસાએ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે સૌર જ્વાળાની આગાહી કરવાની અમારી આ નવતર પદ્ધતિથી અવકાશયાત્રીઓની,સેલાઇટ્સની અને સ્પેસ વેધરની આગાહી કરતી આધુનિક ટેકનોલોજીની સુરક્ષા વધશે.
નાસાનાં વિજ્ઞાની એમિલી મેસન અને તેમની ટીમના સભ્યોએ સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીનો ઉપયોગ કરીને સૂર્યની વિરાટ થાળી પર સર્જાયેલી કોરોનલ લુપ્સ(સૂર્યની સપાટી અને તેની બાહ્ય કિનારી કોરોેનામાં સર્જાતા પ્લાઝ્મા વાયુના વાંકાચૂંકા મોટા કદનાઆકાર --માળખાં) વિશે પણ પહેલી જ વખત માહિતી મેળવી છે. આ ટીમે ત્યારબાદ પેલાં કોરોનલ લુપ્સની ગતિવિધિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. મહત્વની બાબત તો એ છે કે આવાં કોરોનલ લુપ્સ વિરાટકાય સોલાર ફ્લેર્સ નજીક હતાં.
આ ટીમને ગહન સંશોધન અને અભ્યાસના આધારે એવું પણ જાણવા મળ્યું છે કે સૂર્યની મહાવિરાટ થાળી પરથી મહાવિનાશક સૌર જ્વાળાઓ સર્જાય તેના થોડા કલાક પહેલાં આવાં કોરોનલ લુપ્સનો ઝળહળાટ ઓછો-વધુ પણ થાય છે. સરળ રીતે સમજીએ તો આદિત્યનારાયણની સપાટી પરથી સૌર જ્વાળાઓ આખા બ્રહ્માંડમાં ફેંકાય અને તેની દિશા કદાચ પણ આપણી પૃથ્વી તરફની થાય તેના થોડા સમય પહેલાં આવાં કોરોનલ લુપ્સની અકળ ગતિવિધિ પણ થાય છે. સાથોસાથ તેનો ઉજાસ અલપઝલપ પણ થાય છે.
નાસાની ટીમે કોરોનલ લુપ્સમાં થતા અલપઝલપ થતા પ્રકાશની પેટર્નનો પણ ખાસ અભ્યાસ કર્યો. આ જ પેટર્નના અભ્યાસના આધારે નિશ્ચત કર્યું કે આવા કોરોનલ લુપ્સમાંના પ્રકાશમાં થતા વધારા-ઘટાડા બાદ બે થી છ(૬) કલાક બાદ સોૈર જ્વાળાના તોફાન સર્જાવાનો પહેલો સંકેત (સિગ્નલ) મળે છે. વળી, આ વૈજ્ઞાનિક પદ્ધતિ સોલાર ફ્લેર્સની આગાહી ૬૦ થી ૮૦ ટકા જેટલી સચોટ પણ હશે.
ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટીઆઇએફઆર-મુંબઇ)ના સિનિયર ખગોળશાસ્ત્રી(નિવૃત્તિ) અને નાસા સાથે ઇસરોના અનુરાધા પ્રોજેક્ટના સક્રિય સભ્ય પ્રો.મયંક વાહિયાએ તેમના બહોળા સંશોધનાત્મક અભ્યાસના આધારે ગુજરાત સમાચારને કહ્યું હતું કે કોરોનલ લુપ્સ વિદ્યુત ચુંબકીય જ્વાળામુખી જેવાં હોય.કોરોનલ લુપ્સ સૂર્યની સપાટી પર જ્વાળામુખીની જેમ ફાટે. આવાં કોરોનલ લુપ્સ આદિત્યનારાયણની સપાટી પરના મહાવિનાશક વિદ્યુત ચુંબકીય ક્ષેત્રને તોડીને સર્જાતાં હોય છે.આવી અકળ ગતિવિધિને પરિણામે જ તેની પેટર્ન જુદી જુદી હોય છે.ઉપરાંત, સૂર્યમાંના પ્લાઝ્માનો પ્રવાહ સમુદ્રનાં મોજાંની જેમ તેના ઉત્તર ધુ્રવ પરથી ઉછળીને દક્ષિણ ધુ્રવ પણ ઠલવાય.આવી ગતિવિધિથી પણ પ્લાઝ્માનો પ્રવાહ કોરોનલ લુપ્સ જેવો લાગે.
ઉપરાંત, આવા કોરોનલ લુપ્સમાંથી બહાર ફેંકાતાં સુક્ષ્મ કણોને કારણે સૂર્યનારાયણની બાહ્ય કિનારી કોરોનાનું તાપમાન ૨૦ લાખ કેલ્વિન જેટલું કલ્પનાતીત હોય છે. જ્યારે સૂરજની સપાટીનું તાપમાન ૫,૫૦૦ કેલ્વિન જેટલું રહે છે. કહેવાનો અર્થ એ છે કે આપણા સૂર્યદેવમાં અજીબોગરીબ આશ્ચર્યો અને રહસ્યો ધરબાયેલાં છે.: