ઓનલાઇન ગેમિંગનું ચલણ જોરમાં, એના પર દેખરેખ રાખવા નવી પેનલ બનાવી શકે છે મોદી સરકાર
Online Game: ઓનલાઇન ગેમિંગનું ચલણ હાલમાં ખૂબ જ જોરમાં છે. ઘણાં પ્લેટફૉર્મ કમાણી તો કરે છે, પરંતુ GST નથી ભરતાં અને એના નિયમોનું પાલન નથી કરતાં. આથી એના પર એક્શન લેવા માટે મોદી સરકાર એક પેનલ બનાવવાનું વિચારી રહી છે. આ માટે ED, RBI અને કન્ઝયુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ્સના પ્રતિનિધીઓ દ્વારા એક પેનલ બનાવવામાં આવશે એવું લાગી રહ્યું છે. ડિરક્ટરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સના રિપોર્ટ મુજબ આ માહિતી બહાર આવી છે.
અબજો રૂપિયાનો ટેક્સ નથી ભર્યો
સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIS) દ્વારા ભારતના 118 ગેમિંગ પ્લેટફૉર્મ વિરુદ્ધ એક્શન લેવામાં આવી છે. આ કંપનીઓ GSTના રેગ્યુલેશન્સનું અમલ નથી કરતી. 34 ટેક્સપેયર્સને નોટિસ મોકલવામાં આવી છે જેમાં ટોટલ 1,10,532 કરોડ રૂપિયાની ટેક્સની રકમ છે. આ કંપનીઓ 28 ટકાના રેટથી GST નથી ભરતી. આ સાથે 658 ભારતની બહારની કંપનીઓનું લિસ્ટ બનાવ્યું છે જેઓ ભારતમાં રજિસ્ટર નથી. તેમ જ 167 વેબસાઇટને પણ બ્લોક કરવાની સરકારને વિનંતી કરી છે.
રિસ્કથી ભરપૂર ઇન્ડસ્ટ્રી
આ રિપોર્ટ મુજબ ઓનલાઇન ગેમિંગને હાઇ રિસ્ક ગેમિંગ ઇન્ડસ્ટ્રી તરીકે ગણવામાં આવી છે. આ ઓનલાઇન ગેમિંગમાં પૈસાનો સમાવેશ થતો હોવાથી એમાં જોખમ અનેક ગણું વધી જાય છે. આ ઇન્ડસ્ટ્રીને કારણે ટેક્સથી બચવા, મની લોન્ડરિંગ કરવા માટે, સાઇબર ફ્રોડ્સ અને અન્ય સમસ્યા ઊભી થાય છે. 2023ની પહેલી ઑક્ટોબરે સરકારે જણાવી દીધું હતું કે ઓનલાઇન ગેમિંગનો પણ હવે ટેક્સમાં સમાવેશ કરવામાં આવશે. જો કે ટેક્સથી બચવા માટે સતત વેબસાઇટ અને ઍપ્લિકેશન બદલી નાખવામાં આવે છે. તેમ જ ઘણી કંપનીઓ ઇન્ડિયાની બહાર હોવાથી તેમની પાસે પહોંચી નથી શકાતું.
પેનલ એક માત્ર ઉપાય
આ માટે મોદી સરકાર એક પેનલ બનાવશે જેમાં દરેક ડિપાર્ટમેન્ટના એક-એક સભ્ય હશે. આ પેનલ દ્વારા ઓનલાઇન ગેમિંગને લઈને દરેક નિયમોનું અમલ કરવામાં આવે છે કે નહીં એ ચેક કરવામાં આવશે. જો એ ન થતું હોય તો એ માટે કાયદાકીય પગલાં લેવાનું કામ પણ એ કમિટી જ કરશે. ઓનલાઇન ગેમિંગ પ્લેટફૉર્મ ખૂબ જોરશોરમાં વધી રહ્યું છે અને એથી જ એમાં પૈસાની હેરફેર કરવામાં ન આવે એ પણ ધ્યાન રાખવામાં આવશે.
ઓનલાઇન ગેમિંગનો વિકાસ
છેલ્લાં થોડા વર્ષમાં ઓનલાઇન ગેમિંગનો વિકાસ ખૂબ જ જોરમાં થયો છે. 2023-24માં આ ઇન્ડસ્ટ્રીનો વિકાસ 28 ટકાના દરે થયો છે જેનું માર્કેટ હાલમાં 16,428 કરોડ રૂપિયા છે. સારું ઇન્ટરનેટ, બજેટ સ્માર્ટફોન અને વધતી જતી વસ્તીને કારણે ગેમિંગ પ્લેટફોર્મનો વિકાસ થઈ રહ્યો છે.