‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમનો સામનો કરવા મોદી મંત્ર: શાંત રહો, વિચાર કરો અને ત્યાર બાદ એક્શન લો
Modi on Digital Arrest: નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ વિશે પોતાના વિચાર રજૂ કર્યા છે. તેમના 115માં માસિક રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’માં તેમણે આ સ્કેમ વિશે ચર્ચા કરી છે. તેમણે લોકોને આ વિશે વધુ જાણવા અને જાગૃત રહેવાની સાથે હિંમત રાખવાની સલાહ આપી છે. ભારતમાં હાલમાં આ સ્કેમ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. દરેક ક્ષેત્રના લોકોને એમાં ટાર્ગેટ કરવામાં આવે છે.
શું છે ડિજિટલ અરેસ્ટ સ્કેમ?
ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં લોકોને છેતરવા માટે સામેની વ્યક્તિ સરકારી ખાતાના કોઈ પણ ઑફિસર બનીને ફોન કરે છે. ઘણાં લોકોને તેમના દ્વારા ગેરકાયદેસર પાર્સલ અન્ય દેશમાં મોકલવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે. અથવા તો કોઈ પણ રીતે વ્યક્તિને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયા હોવાનું કહેવામાં આવે છે. તેઓ ફોન પર એવો માહોલ બનાવે છે કે વ્યક્તિને હાલમાં જ અરેસ્ટ કરવામાં આવશે અને 14 વર્ષ માટે જેલમાં બેસાડી દેવામાં આવશે. જો કે વ્યક્તિને ડરાવવા માટે આ એક માનસિક રમત રમવામાં આવે છે જેથી પ્રેશરમાં આવીને વ્યક્તિ એમાંથી બચવા માટે પૈસા ચૂકવી દે છે.
મોદીનો મંત્ર
આ પ્રકારના સ્કેમથી બચવા માટે નરેન્દ્ર મોદીએ ત્રણ સ્ટેપનો એક મંત્ર આપ્યો છે: શાંત રહો, વિચાર કરો અને ત્યાર બાદ એક્શન લો. નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈ પણ સરકારી એજન્સી કોઈ પણ વ્યક્તિ સાથે ફોન પર અથવા તો વીડિયો કોલ પર વાત નથી કરતી અથવા તો પૈસાની ડિમાન્ડ નથી કરતી.
શાંત રહો: ફોન પર સામેની વ્યક્તિ જ્યારે ડરાવવાની કોશિશ કરે ત્યારે શાંત રહો. આ સમયે કોઈ પણ પર્સનલ માહિતી આપવી નહીં, ફક્ત દિમાગને શાંત રાખવાની કોશિશ કરવી.
વિચાર કરો: પોતે શાંત થઈ ગયા હોય એ વાતની પુષ્ટિ થયા બાદ વિચાર કરો. એ સમયે હંમેશાં ધ્યાન રાખવું કે કોઈ પણ સરકારી ખાતાના અધિકારી આ રીતે ફોન પર વાત નહીં કરે. તેઓ જે-તે ઑફિસમાં બોલાવશે અથવા તો ઘરે આવીને લઈ જશે. આ રીતે ફોન પર વાત નહીં કરે.
એક્શન લો: શક્ય હોય તો ફોન કોલને રેકોર્ડ કરો અથવા તો નંબરનો સ્ક્રીનશોટ લઈ લો. આ ઘટનાને નેશનલ સાઇબર હેલ્પલાઇન 1930 પર ફોન કરીને જણાવો અથવા તો cybercrime.gov.in પર જઈને એ વિશે માહિતી આપો.
120.3 કરોડની છેતરપિંડી
2024ના પહેલાં ત્રણ મહિનામાં જ ડિજિટલ અરેસ્ટ દ્વારા 120.3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ વિશે ત્રણ મહિનામાં 7.4 લાખ ફરિયાદો આવી હતી. એમાં ડિજિટલ અરેસ્ટ, ટ્રેડિંગ સ્કેમ, ઇનવેસ્ટમેન્ટ સ્કેમ અને રોમાન્સ-ડેટિંગ સ્કેમનો સમાવેશ થાય છે. ભારતના દરેક ક્ષેત્રના અને રાજ્યના લોકોને આ સ્કેમમાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: હેકિંગ ચેલેન્જ: એપલ ઇન્ટેલિજન્સ હેક કરીને મેળવો 1 મિલિયન ડોલર
લોકોને જાગૃત કરવા વિદ્યાર્થીની મદદ માગી
નરેન્દ્ર મોદીએ એ વાતની ખાતરી આપી છે કે સરકાર દ્વારા આ વિશે દરેક રાજ્ય સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે સામાન્ય લોકોની મદદની પણ જરૂર પડશે એ વાત પણ તેમણે કહી છે. આ સાથે જ લોકોમાં જાગરૂક્તા ફેલાવવા માટે સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓને પણ એમાં ભાગ લેવા માટે વિનંતી કરી છે. તેઓ કેમ્પેન દ્વારા લોકોને આ વિશે માહિતી આપી શકે છે.