મોડડૂ સોપ્પૂ વનસ્પતિમાં કેન્સર સામે લડતું ફાઇટો કેમિકલ્સ હોય છે
એન્ટી કેન્સર કંપાઉન્ડ હોવાનો આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનમાં દાવો
સ્થાનિકો આ છોડનો ઉપયોગ પરંપરાગત પકવાન બનાવવામાં કરે છે
બેંગ્લોર, 12 એપ્રિલ,2021,સોમવાર
કર્ણાટકના કોડાગુ જીલ્લામાં જોવા મળતી મોડડૂ સોપ્પૂ વનસ્પતિમાં કેન્સર સામે લડતું ફાઇટો કેમિકલ રહેલું છે. એક આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનમાં મોડડૂ સોપ્પૂ છોડમાં ફાઇટો કેમિકલ્સ જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ નાના ઘાસ જેવા છોડમાંનું કેમિકલ કેન્સરની બીમારીને જડમૂળથી નાબૂદ કરી શકે છે. વિજ્ઞાાનની ભાષામાં જસ્ટિસિયા વેનાડેંસિસ તરીકે ઓળખાતો આ છોડ ચોમાસાની સિઝન દરમિયાન વધારે પાંગરતો જોવા મળે છે. કોડાગુ વિસ્તારના સ્થાનિકો પરંપરાગત રીતે તેનો મીઠા પકવાન બનાવવામાં કરે છે.
આ અંગે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કમ્પ્યૂટેશનલ બાયોલોજી એન્ડ ડ્રગ ડિઝાઇનમાં પ્રકાશિત સંશોધન માહિતી મુજબ ફાઇટો કેમિકલ્સ કેન્સર સામે લડવા માટે ઉપયોગી છે. કર્ણાટકમાં બેંગ્લોર પીઇએસ યૂનિવર્સિટીના સંશોધકોએ ફાઇટો કેમિકલ્સ અંગે સ્ટડી કર્યો જેમાં તે કેન્સરના ઉપચારમાં મહત્વનું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એન્જાઇમ થાઇમિડાઇલેટ સિંથેઝના બાર અલગ અલગ યૌગિકોની સુક્ષ્મ તપાસ કરવા માટે એક કમ્પ્યૂટર મોડેલનો ઉપયોગ કર્યો હતો. આની તૂલના કેપેસિટાબાઇન મેડિસીન સાથે કરવામાં આવી જે આ એન્જાઇમની સરખામણીમાં ઉપયોગી સાબીત થઇ છે.કોશિકાઓ બનાવતા ડીએનએ તૈયાર કરવામાં થાઇમિડિલેટ સિંથેઝ સામેલ છે. કેન્સરના અનિયંત્રિત કોશિકાઓ વારંવાર બનતી રહે છે.
જો એન્જાઇમને અટકાવી દેવામાં આવે તો કેન્સરની કોશિકાઓના ડીએનએનો નાશ કરી નાખશે અને કેન્સરના વિકાસને પણ અટકાવી શકાશે. કેપસ્ટ્રોલ કોલેસ્ટ્રોલની જેમ સમાન સંરચના ધરાવતું એક જાણીતું કેમિકલ છે જયારે બીજુ સ્ટિગ્માસ્ટરોલ છોડની કોશિકાઓને મજબૂત રીતે જોડનારુ ફાઇટો કેમિકલ છે. એવી જ રીતે મોડડૂ સોપ્પૂ છોડમાં પણ જોવા મળતું ફાઇટો કેમિકલ કેન્સરની દવા માટે અસરકારક સાબીત થઇ શકે છે આના માટે વધુ તપાસ અને સંશોધનની આવશ્યકતા છે.