મોબાઈલ અથવા કંટાળો- આ બંનેમાં ખૂંપેલા બાળકો માટે....

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
મોબાઈલ અથવા કંટાળો- આ બંનેમાં ખૂંપેલા બાળકો માટે.... 1 - image


આજકાલ આપણી જ્યાં પણ નજર પડે ત્યાં બધા લોકો પોતાના મોબાઇલમાં ખૂંપેલા જોવા મળે છે. સોસાયટીના કોમન ગ્રાઉન્ડમાં, મંદિરના આંગણમાં કે કોઈ ફરવાના સ્થળે લોકો પાસેપાસે બેઠા હોય, પણ એમનું માથું નમેલું હોય અને નજર હોય પોતપોતાના મોબાઇલમાં.

બરાબર એવું જ બાળકો કે યુવાનોમાં. જે ઉંમરે એમનામાં ભારોભાર તરવરાટ હોવો જોઇએ તે ઉંમરે એ આસપાસનું બધું ભૂલીને મોબાઇલમાં ખૂંપેલા જોવા મળે.હાથમાં મોબાઇલ ન હોય ત્યારે એ કંટાળા સાથે બે હાથ પર માથું ટેકવીને ઢળેલા જોવા મળે! સતત મોબાઇલ અથવા સતત કંટાળો.

જોકે આ બંને માટે જવાબદાર આપણે છીએ. એક તરફ આપણે કાચી ઉંમરે તેમના હાથમાં મોબાઇલ પકડાવી દઇએ છીએ. એમણે સ્ફૂર્તિભરી મોજમસ્તીનો અનુભવ કર્યો જ ન હોય, તો મોબાઇલ વિના કંટાળો અનુભવે એ સ્વાભાવિક છે.

આટલું ઓછું હોય તેમ ઘણી સ્કૂલમાં ટીચર તેમને પોતાને કંઈ બીજું કામ હોય કે ફ્રી પીરિયડ હોય ત્યારે બાળકોને કોઈ જોશભરી પ્રવૃત્તિમાં સામેલ કરવાને બદલે ‘હેડ ડાઉન’ કરાવી દેતાં હોય છે - બેન્ચ પર બે હાથ પર માથું  ટેકવીને બેઠા રહેવાનું! જેમ નાની ઉંમરે ખાધેલા જંક ફૂડની અસર મોટી ઉંમરે બીમારી સ્વરૂપે દેખાય છે એમ નાની ઉંમરથી સતત નિષ્ક્રિયતા આગળ જતાં ગંભીર શારીરિક-માનસિક નુકસાન કર્યા વગર રહેતી નથી.

આનો ઉપાય ખરેખર આપણા હાથમાં છે. તમે ઇન્સ્ટાગ્રામ કે પિન્ટરેસ્ટમાં એક્ટિવ હશો તો બાળકોને મોજમસ્તી સાથે શારીરિક રીતે સક્રિય રાખવાની નાની નાની એક્ટિવિટી શેર કરતાં ઘણાં એકાઉન્ટ્સ મળી આવશે. ટીચર્ચ અને પેરેન્ટ્સે આવાં એકાઉન્ટ્સ પણ ફોલો કરવા જેવાં છે!


Google NewsGoogle News