Get The App

22 વર્ષની સર્વિસ બાદ બંધ થઈ રહ્યું છે સ્કાઇપ: માઇક્રોસોફ્ટે કરી જાહેરાત

Updated: Feb 28th, 2025


Google NewsGoogle News
22 વર્ષની સર્વિસ બાદ બંધ થઈ રહ્યું છે સ્કાઇપ: માઇક્રોસોફ્ટે કરી જાહેરાત 1 - image


Skype ShutDown: માઇક્રોસોફ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે સ્કાઇપ બંધ કરવામાં આવી રહ્યું છે. વીડિયો કોન્ફરન્સ પ્લેટફોર્મ સ્કાઇપને 22 વર્ષની સર્વિસ બાદ મે મહિનાથી ધીમે-ધીમે કરીને બંધ કરવામાં આવશે. 2003માં સ્કાઇપની શરૂઆત થઈ હતી અને 2011માં માઇક્રોસોફ્ટ દ્વારા તેને ખરીદી લેવામાં આવ્યું હતું. સ્કાઇપ જ્યારે લોન્ચ થયું ત્યારે જ તેની ખૂબ જ ડિમાન્ડ હતી. વેબકેમ દ્વારા તેના પર વાત કરવામાં આવતી હતી. વીડિયો કોલ અને કોન્ફરન્સ કોલ બન્ને માટે આ પ્લેટફોર્મ ખૂબ જ ઉપયોગી હતું.

સતત કરવામાં આવેલા બદલાવ

સ્કાઇપને લોન્ચ કર્યું ત્યારથી આજે સુધી અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. સ્કાઇપને ખરીદી લીધા બાદ માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ લાઇવ મેસેન્જર બંધ કરી દેવામાં આવ્યું હતું. 2015માં માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ 10માં સ્કાઇપનો બિલ્ટ-ઇન ફીચર તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો, જોકે ફક્ત નવ મહિના બાદ તે વિન્ડોઝમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2017માં માઇક્રોસોફ્ટ દ્વારા ટીમ્સ લોન્ચ કરવામાં આવી હતી. સ્લેક જેવી અન્ય સર્વિસની સાથે કોમ્પિટિશન કરવા માટે ટીમ્સ લોન્ચ કરવામાં આવ્યું હતું. ટીમ્સ લોન્ચ થતાં સ્કાઇપ સાઇડલાઇન થવા લાગ્યું હતું.

22 વર્ષની સર્વિસ બાદ બંધ થઈ રહ્યું છે સ્કાઇપ: માઇક્રોસોફ્ટે કરી જાહેરાત 2 - image

સ્કાઇપ યૂઝર્સને ટીમ્સમાં ટ્રાન્સફર

સ્કાઇપનો હજી પણ ઘણાં યૂઝર્સ ઉપયોગ કરી રહ્યાં છે. ઘણી કંપનીઓમાં તેનો ગ્રુપ ચેટ માટે પણ ઉપયોગ થાય છે. આથી સ્કાઇપને બંધ કરવામાં આવી રહ્યું હોવાથી તેમાં એક મેસેજ આવી રહ્યો છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે યૂઝર્સ તેમના કોલ અને ચેટને ટીમ્સમાં ચાલુ રાખી શકશે. આ સાથે તે નોટમાં લખવામાં આવ્યું છે કે ઘણા યૂઝર્સ ટીમ્સના ફ્રી વર્ઝનમાં શિફ્ટ થઈ ચૂક્યા છે. વિન્ડોઝ સાથે કોન્ટેક્ટ સીંક કર્યા હશે તો જ યૂઝર્સને આ મેસેજ દેખાડવામાં આવશે.

આ પણ વાંચો: ચેટજીપીટી અને જેમિની સામે ટકી રહેવું મેટા માટે જરૂરી: AI માટે લોન્ચ કરશે અલગથી એપ્લિકેશન

સ્કાઇપની લેગસી

સ્કાઇપ લૉન્ચ થયું ત્યારથી અત્યાર સુધી તે વીડિયો કોન્ફરન્સ પ્લેટફોર્મમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતું રહ્યું છે. સ્કાઇપને બંધ કરવું તે દર્શાવે છે કે ડિજીટલ કોમ્યુનિકેશન ક્યાં હતું અને આજે કેટલું એડ્વાન્સ થઈ ગયું છે. સ્કાઇપનું સરળ ઇન્ટરફેસ બિઝનેસ કંપનીઓમાં મીટિંગ્સ, ચેટ્સ અને કોલ્સ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતું હતું. જોકે હવે તેની જગ્યા ટીમ્સ લઈ રહ્યું છે.


Google NewsGoogle News