માઇક્રોસોફ્ટ Xbox ગેમ્સ યુનિટમાંથી 650 વ્યક્તિઓને છૂટા કરશે, અગાઉ પણ બે વાર કર્મચારીઓને છૂટા કરી ચૂકી છે
Microsoft Layoffs: એક તરફ ગેમિંગના બિઝનેસમાં આશાની કિરણ દેખાઈ છે ત્યારે માઇક્રોસોફ્ટ દ્વારા તેના Xbox યુનિટમાંથી લોકોને છૂટા કરવાની વાતો ચાલી રહી છે. માઇક્રોસોફ્ટ ત્રીજી વાર આ રીતે લોકોને છૂટા કરી રહી છે. અગાઉ પણ બે વાર મોટી સંખ્યામાં માઇક્રોસોફ્ટ દ્વારા લોકોને છૂટા કરવામાં આવ્યાં હતાં.
માઇક્રોસોફ્ટે 2022ની જાન્યુઆરીમાં 69 બિલિયન ડોલરમાં એક્ટિવિઝન કંપની ખરીદી હતી. માઇક્રોસોફ્ટ તેની Xbox અને એક્ટિવિઝન બન્ને ટીમને એક કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં જ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં લોકોને નોકરી પર કાઢવામાં આવ્યા હતા. તેમ જ કેટલાક સ્ટુડિયો પણ બંધ થઈ ગયા છે અને નવા ગેમિંગ પ્રોજેક્ટ પણ કેન્સલ કરવામાં આવ્યાં છે. પેન્ડેમિક દરમ્યાન ગેમિંગ યુઝર ખૂબ જ વધી ગયા હતા. જોકે ત્યાર બાદ એમાં ઘટાડો નોંધાયો હતો અને એની અસર આ વર્ષે જોવા મળી હતી. જોકે છ મહિના બાદ ફરી આ ઇન્ડસ્ટ્રીમાં આશાની કિરણ જરૂર દેખાઈ છે.
આ જોબ પરથી જેટલા પણ લોકોને કાઢવામાં આવશે એ મોટા ભાગના કોર્પોરેટ અને સપોર્ટિંગ ફંક્શનમાં કામ કરનાર વ્યક્તિ હશે. 650 વ્યક્તિને કાઢવામાં આવી રહ્યાં છે, પરંતુ એમ છતાં એક પણ ગેમ, એક પણ ડિવાઇઝ કે પછી એક પણ પ્રોજેક્ટને કેન્સલ કરવામાં નથી આવ્યો.
માઇક્રોસોફ્ટે એક્ટિવિઝન ખરીદી લીધુ એને કારણે ગેમિંગ માર્કેટમાં એનું સ્થાન ઉપર જરૂર આવ્યું છે. જોકે એમ છતાં ગેમિંગ માર્કેટમાં એની સામે સોની એના પ્લે સ્ટેશન અને એની ગેમને લઈને ઊભું છે. આથી એને ટક્કર આપવા માટે માઇક્રોસોફ્ટે એક સ્ટેપ આગળ વધવું પડશે.
માઇક્રોસોફ્ટ દ્વારા આ વર્ષની શરૂઆતમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ Xbox અને એક્ટિવિઝન બન્નેમાંથી મળીને 1900 લોકોને છૂટા કરશે. મે મહિનામાં Xbox દ્વારા ઘણાં સ્ટુડિયો બંધ કરવામાં આવ્યા છે અને એમાં આર્કેન ઓસ્ટિન સ્ટુડિયોનો પણ સમાવેશ થાય છે.